સંબોધન/ ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક ખેતી જ સર્વોત્તમ વિકલ્પ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી તરફ વળે તો એમનું ઉત્પાદન પણ બમણું થશે અને દેશને ઝેરયુક્ત આહારની જગ્યાએ પોષણયુક્ત આહાર આપી શકશે.

Gujarat
guj1 ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક ખેતી જ સર્વોત્તમ વિકલ્પ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગણેશગઢ ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ શિબિર અને ખેડૂત સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કૃષિ સંમેલનમાં તેમણે ધરતીપુત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ પોતે પણ સુભાષ પાલેકરજીની પદ્ધતિથી ખેતી કરતા હોવાનું જણાવી કહ્યું હતું કે, છેલ્લાં કેટલાંક સમયથી ધરતીપુત્રો રાસાયણિક ખેતી તરફ વળ્યા હોવાથી ધીમે ધીમે ઉત્પાદન ઘટી રહ્યું છે. જેના લીધે ખેડૂતોને ખર્ચ અને કરજના બોજ નીચે જીવવું પડે છે. આજે રાસાયણિક ખેતીના પરિણામે લોકો હૃદયરોગ, કેન્સર, લોહીનું દબાણ જેવી ખતરનાક બીમારીઓનો સામનો કરે છે, પણ જો આજે એ જ ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તો એમનું ઉત્પાદન પણ બમણું થશે અને દેશને ઝેરયુક્ત આહારની જગ્યાએ પોષણયુક્ત આહાર આપી શકશે. આમ થવાથી ખેડૂતની આવક પણ વધશે અને દેશની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. આમ જો જગતનો તાત સુખી થશે તો આખો દેશ સુખી થશે.

guj2 ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક ખેતી જ સર્વોત્તમ વિકલ્પ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પણ પ્રાકૃતિક કૃષિના વિકાસ અર્થે પ્રયાસો થઈ રહ્યા છે, સરકાર દ્વારા ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વિશેષ લાભ પણ આપવામાં આવશે. આ પદ્ધતિના પ્રયોગથી પાણીનો વ્યય ઓછો થશે તેમજ પર્યાવરણનું પણ જતન થશે અને ભવિષ્યની પેઢીને ફળદ્રુપ જમીન મળશે.

ગાય આધારીત ખેતીની હિમાયત કરતા રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જ ભારતની શ્રેષ્ઠ પરંપરાગત ખેતી છે. રાસાયણિક કૃષિના દુષ્પરીણામ સામે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું તેમણે ઉમેર્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો આગ્રહ કરતાં તેમજ જીવામૃત બનાવવાની પદ્ધતિ વિશે માહિતી આપતાં રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, મારી પાસે ઘણી દેશી ગાય છે અને દેશી ગાયનાં છાણ દ્વારા નિર્મિત આ જીવામૃતના પ્રયોગથી જમીનની ફળદ્રુપતામાં ખૂબ જ વધારો થાય છે. તેથી દેશી ગાયનું સંવર્ધન ખૂબ જ ઉપયોગી છે.

કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી રૂપાલાએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે રાજ્યપાલશ્રી સમગ્ર ગુજરાત રાજ્યના બંધારણીય વડા છે અને જો એ આપણા અતિથિ બની આપણા ખેતરોની મુલાકાત લે એ આપણા માટે ગૌરવની વાત છે. આપણે સૌ ખૂબ નસીબદાર છીએ કે રાજ્યપાલશ્રી ખુદ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને આજે આપણને માર્ગદર્શન આપે છે અને ઝેરયુક્ત આહારની જગ્યાએ પોષણયુક્ત આહાર આપવાની મહાઝુંબેશ ચલાવે છે.

કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ફાર્મ ખાતે ગૌપૂજન કરી જીવામૃત બનાવવાના પ્લાન્ટનું લોકપર્ણ કર્યું હતું. કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતમિત્રોએ રાજ્યપાલશ્રીને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામા આવ્યો હતો. કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીના તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતપુત્રોનું પ્રમાણપત્રો એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.રાજ્યપાલશ્રીએ અને મહાનુભાવોએ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ ખેતી પાકો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી.

કાર્યક્રમમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણી, શ્રી પ્રફુલભાઈ સેંજલિયા, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, મનુભાઈ ક્યાડા, ગોવિંદભાઈ ક્યાડા, ગોપાલભાઈ ક્યાડા, સ્વામિનારાયણ મંદિરના સંતશ્રી, માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ, ગામના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણી અને સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.