Gujarat/ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટેનું એક જ કોમન પોર્ટલ

વિદ્યાર્થીઓ હવે GCAS દ્વારા નજીવી ફી ભરીને અમર્યાદિત યુનિવર્સિટી કે કોર્સમાં એડમિશન માટે અરજી કરી શકશે

Gujarat Trending
news GCAS portal for admission to all government universities in gujarat ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટેનું એક જ કોમન પોર્ટલ
ગાંધીનગરઃ ગુજરાતમાં હવેથી તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટેનું એક જ કોમન પોર્ટલ કાર્યરત રહેશે. આ પોર્ટલ થકી વિદ્યાર્થીઓ હવે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) દ્વારા નજીવી ફી ભરીને અમર્યાદિત યુનિવર્સિટી કે કોર્સમાં એડમિશન માટે અરજી કરી શકશે. GCAS પોર્ટલ કાર્યરત થતા હવેથી ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીને અલગ-અલગ પ્રવેશ પ્રક્રિયા નહીં કરવી પડે. આ પ્રક્રિયા શૈક્ષણિક વર્ષ 2024-25થી હાથ ધરવામાં આવશે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં  અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હવેથી તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે એક કોમન પોર્ટલ “ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS)” કાર્યરત રહેશે. સરકારી યુનિવર્સિટીઓના તમામ અભ્યાસક્રમો, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને આવરી લેતી શરૂઆતથી અંત સુધીની એડમિશન પ્રક્રિયાને સંચાલિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સરળ અને સુરક્ષિત એપ્લિકેશન વિકસાવવામાં આવી છે.
મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, ઓડીટ ટ્રેઈલ દ્વારા ડેટામાં કરવામાં આવતા તમામ સુધારાની સંપૂર્ણ જાળવણી આ પોર્ટલ મારફત કરી શકાશે. હાલમાં દરેક વિદ્યાર્થી સરેરાશ રૂ. 500 ખર્ચીને અંદાજે 5 કોર્સમાં અરજી કરે છે, તેની જગ્યાએ હવે GCAS દ્વારા નજીવી ફીમાં અમર્યાદિત યુનિવર્સિટી કે કોર્સમાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
વિદ્યાર્થીઓ માટે દરેક યુનિવર્સિટી અને કોર્સીસમાં પ્રવેશ મેળવવા માટેનો સમયગાળો પણ એક જ રહેશે. આ પોર્ટલ કાર્યરત થતા હવેથી ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીને અલગ અલગ પ્રવેશ પ્રક્રિયા નહીં કરવી પડે, જેથી યુનિવર્સિટીનો સમય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકવામાં આવતા ફંડની બચત થશે.
આ પોર્ટલની વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ મારફત પ્રવેશ પ્રક્રિયાની તમામ માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓને ચોઇસ ભરવા સાથે ઓનલાઇન નોંધણી, બોર્ડનો ડેટા ઉપલબ્ધ હોય તો વિદ્યાર્થીનું પરિણામ વિદ્યાર્થીનો સીટ નંબર દાખલ કરવાથી જાતે જ ઉપલબ્ધ થશે. એડમિશનની સરળતા માટે સહાય કેન્દ્ર દ્વારા કોલેજ કક્ષાએ જ વિધાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરાશે, તેમજ નિયમ મુજબ મેરિટ બનાવવું અને વિદ્યાર્થીઓના ઓનલાઈન કાઉન્સેલિંગની પણ વ્યવસ્થા આ પોર્ટલ મારફત કરાઈ છે.
તેમણે ઉમેર્યું કે, એડમિશન માટેનું કન્ફર્મેશન અને વિદ્યાર્થીઓ દ્વારા ફીની ઓનલાઈન ચુકવણી સહિત SMS/E-Mailમેલ દ્વારા માહિતી વિતરણની પણ સેવાઓ આ પોર્ટલ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ સાથે જ વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી, કોલેજ તમામને OTP આધારિત લોગીનની સુવિધા અને શિક્ષણ વિભાગ, યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ માટે અલગ ડેશબોર્ડ, રિપોર્ટ્સ માટેની પણ આ પોર્ટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
મંત્રી ઋષિકેશ પટેલે પોર્ટલની વિશેષતાઓ અંગે વાત કરતા કહ્યું હતું કે, વિદ્યાર્થી દ્વારા એકજ પ્રવેશ ફી ભરીને એક સાથે ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં અને અલગ અલગ ફેકલ્ટીમાં અમર્યાદિત અરજી કરવાની સુવિધા આ પોર્ટલ થકી મળશે. યુનિવર્સિટીને પણ તેમના વિદ્યાર્થીનો ડેટા સિક્યોર એપ્લીકેશન દ્વારા મળશે.
ગુજરાત રાજ્ય પબ્લિક યુનિવર્સિટી એક્ટ અંતર્ગતની તમામ યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયાનો ડેટા શિક્ષણ વિભાગને સિંગલ ક્લિક પર રીયલ ટાઈમમાં મળશે. સાથે જ ઓટો સ્કેલિંગ અને વિશ્વસનીયતા માટે ક્લાઉડ આધારિત સોલ્યુશન પણ આમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.