હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં લેબનોન પણ કૂદી પડ્યું છે. લેબનોન અને ઇઝરાયેલ વચ્ચેની સરહદ પર ફરી સંઘર્ષ ફાટી નીકળ્યો છે. ગાઝામાં લડાઈ શરૂ થતાં જ ઈઝરાયેલ અને લેબેનોનના સશસ્ત્ર જૂથો વચ્ચે છૂટાછવાયા અથડામણો શરૂ થઈ ગઈ છે. સફિડમાં જીવા મેડિકલ સેન્ટરે જણાવ્યું હતું કે મંગળવારે લેબનોનથી છોડવામાં આવેલી એન્ટિ-ટેન્ક મિસાઇલ ઉત્તર ઇઝરાયેલના મેટુલામાં પડી હતી, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.અમેરિકાએ પોતાના સૈનિકોને એલર્ટ પર રાખવાની માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે રાષ્ટ્રપતિ જો બિડેન ઈઝરાયેલની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે શિખર બેઠક માટે બિડેન જોર્ડનની પણ મુલાકાત લેશે.
આ મિસાઈલ હુમલાની કોઈ લેબનીઝ સંગઠને તાત્કાલિક જવાબદારી લીધી નથી. જો કે એ સ્પષ્ટ નથી થયું કે આ મિસાઈલ હુમલામાં ઘાયલ થયેલા લોકો નાગરિક હતા કે સૈનિકો, પરંતુ ઈઝરાયલે લેબેનોનની સરહદે આવેલા વિસ્તારોમાં રહેતા લોકોને આ વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો છે.લેબનોનની સત્તાવાર સમાચાર એજન્સી, નેશનલ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ઇઝરાયેલે દક્ષિણ લેબનોનના સરહદી વિસ્તારોમાં ઘણા શેલ છોડ્યા અને સફેદ ફોસ્ફરસ છોડ્યા.
ઇઝરાયેલી સેનાએ કહ્યું કે સરહદ પારથી ટેન્ક વિરોધી મિસાઇલો છોડવામાં આવ્યા બાદ તેની ટેન્કોએ જવાબી કાર્યવાહી કરી. ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર, લેબનોનથી ઉત્તરી ઇઝરાયેલના યેફ્તાહ કિબુત્ઝ ખાતે વધુ બે એન્ટી ટેન્ક મિસાઇલો છોડવામાં આવી હતી પરંતુ તેમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. તેણે કહ્યું કે જવાબી કાર્યવાહીમાં હિઝબુલ્લાહના સ્થાનો પર શેલ છોડવામાં આવ્યા હતા.