Gujarat News: ગુજરાત રાજ્યમાં વીજક્ષેત્રના સંચાલન અને નિયમન માટે મહત્વનું સ્થાન ધરાવતા ગુજરાત વીજ નિયમન પંચ (GERC) માં આજે નવું નેતૃત્વ સ્થાપિત થયું છે. CM ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષીને નવા અધ્યક્ષ તરીકે હોદ્દા તથા ગુપ્તતાનો શપથ અપાવ્યો. સાથે જ નવા નિયુક્ત સભ્ય હિરેન શાહે પણ હોદ્દાનો શપથ લઈને પોતાના કાર્યભારનો પ્રારંભ કર્યો.
શપથવિધિમાં આ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
આ શપથ વિધિમાં ઊર્જામંત્રી ઋષિકેશભાઈ પટેલ, હાઇકોર્ટના નિવૃત જસ્ટિસ રાજેન્દ્ર સરીન અને ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર તેમજ CMના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ અને વીજ નિયમન પંચના સભ્યો સહિત વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
CMએ પંકજ જોષીને પુષ્પગુચ્છ અર્પણ કરીને GERC અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળવા માટે શુભેચ્છા પાઠવી અને તેમના અનુભવથી રાજ્યને વધુ સુદૃઢ વીજ નીતિ મળશે તેવી આશા વ્યક્ત કરી.
GERC: રાજ્યના વીજવ્યવસ્થામાં અગત્યની ભૂમિકા
ગુજરાત વીજ નિયામન પંચ (GERC) રાજ્યમાં વીજ દરો, વિતરણ, લાઈસન્સિંગ, ગ્રાહક હિતોનું રક્ષણ તથા ઊર્જા કાર્યક્ષમતા જેવા મુદ્દાઓ પર નીતિનિર્ધારક તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે. પંકજ જોષી જેવા અનુભવી એડમિનિસ્ટ્રેટર અધ્યક્ષ બનવાથી રાજ્યની વીજ વ્યવસ્થા વધુ પારદર્શક, જવાબદાર અને જનહિતાધારિત બનશે એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. તેઓ અગાઉ ગુજરાત સરકારના મુખ્ય સચિવ રહી ચૂક્યા છે અને નીતિ અમલીકરણ તથા શાસન વ્યવસ્થાના વિવિધ મહત્વના વિભાગોમાં સેવા આપી ચૂક્યા છે.
હિરેન શાહનો શપથ,GERCમાં નવા વિચારનું આગમન
અધ્યક્ષ સાથે GERCના નવા સભ્ય તરીકે હિરેન શાહે પણ હોદ્દા અને ગુપ્તતાનો શપથ લીધો. તેમની નિમણૂકથી પંચમાં વ્યાવસાયિક કુશળતા, ક્ષેત્રજ્ઞાન અને નવું દ્રષ્ટિકોણ ઉમેરાશે. ઊર્જા ક્ષેત્રના વિધિવત્ સંચાલન માટે સભ્યોની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે, કારણ કે વીજ દર, વિતરણ પરવાનગીઓ, વીજક્ષેત્રમાં થતા સુધારાઓ અને વિવાદ ઉકેલવા જેવા મુદ્દાઓમાં સભ્યો સક્રિય યોગદાન આપે છે.

