Not Set/ સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યો જ ગઢ બચાવી શક્યા

ભાજપના ત્રણ મંત્રીઓ સહિત છ થી વધુ ધારાસભ્યોના પરંપરાગત વિસ્તારોમાં અન્ય પક્ષો ઘૂસી ગયા

Gujarat Mantavya Exclusive Others
congress e1618063933507 સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યો જ ગઢ બચાવી શક્યા

ભાજપના ત્રણ મંત્રીઓ સહિત છ થી વધુ ધારાસભ્યોના પરંપરાગત વિસ્તારોમાં અન્ય પક્ષો ઘૂસી ગયા

@હિમ્મતભાઈ ઠક્કર, ભાવનગર 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ અને મહાનગરોમાં તો નવા ચૂંટાયેલા પદાધિકારીઓએ સત્તાના સૂત્રો સંભાળી પણ લીધા. આની સાથે દાવાઓ – પ્રતિદાવાઓના દોર શરૂ થયા છે અને ભાજપના મોવડીઓએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આધારે એવો દાવો પણ કરી નાખ્યો છે કે ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ભાજપને ૧૬૦ થી વધુ મતવિસ્તારોમાં સરસાઈ મળી હતી. આજ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પ્રમાણે ભાજપ ૨૦૨૨માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ૧૬૦ પ્લસ બેઠકો સાથે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સમયગાળામાં ભાજપને જે બેઠકો મળી હતી તેનો વિક્રમ તોડી નાખશે તે નિશ્ચિત છે.

જ્યારે આ ચૂંટણી અંગે વિશ્લેષકો કહે છે કે લોકસભા વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માપદંડો અલગ હોય છે પરંતુ ભાજપને ચૂંટણી ગમે તે હોય પણ મત તો મોદીના નામે જ માગવાના છે. તેમાંય ગુજરાતમાં તો આ જ માપદંડ ચાલવાનો છે. ૨૦૧૫ની સ્થાનિક ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનનો લાભ કોંગ્રેસને થોડો ઘણો શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મળ્યો હતો. તે વખતે એટલે કે ૨૦૧૫ની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને ૧૦૦ વિધાનસભા બેઠકો પર સરસાઈ મળી હતી. પરંતુ ૨૦૧૬માં નેતાગીરી પરિવર્તન બાદ વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ (મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી)ની જોડીએ વડાપ્રધાન મોદી અને અમીત શાહના માર્ગદર્શન હેઠળ જે વ્યૂહરચના ગોઠવી તેના કારણે કોંગ્રેસ ૭૭ બેઠકો પર અટકી ગઈ અને ભાજપે ૮૮ બેઠકો જીતી સત્તા મેળવી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે ફરી ભાજપે લોકસભાની તમામ બેઠકો જીતી લઈ ૧૬૦ કરતા વધુ બેઠકો પર સરસાઈ મેળવી લીધી.

himmat thhakar સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યો જ ગઢ બચાવી શક્યા

૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના ૧૫ જેટલા ધારાસભ્યોએ પક્ષપલ્ટો કર્યો તેમાંના બે જ ધારાસભ્યો ચૂંટણી હાર્યા, બાકીના જીત્યા. ટૂંકમાં આ ધારાસભ્યોના વર્ચસ્વવાળી બેઠકો ભાજપના ફાળે ગઈ. અત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની સભ્યસંખ્યા ૬૫ પર અટકી ગઈ છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ છ મહાનગરપાલિકાઓની ૫૭૬ પૈકી ૪૨૫ કરતાં વધુ બેઠકો જીતી ભાજપે તમામ છ મહાનગરોમાં ભારે સરસાઈ પ્રસ્થાપિત કરી દીધી છે. અમદાવાદમાં કોંગ્રેસના જે ચાર ધારાસભ્યો છે તે પૈકી માત્ર બે જ ધારાસભ્યો પોતાનો ગઢ જાળવી શક્યા છે. જિલ્લા પંચાયતની તમામ ૩૧ અને તાલુકા પંચાયતની ૨૩૧ પૈકી ૧૯૬માં ભાજપે જીત મેળવી છે. કોંગ્રેસ માત્ર ૧૭ તાલુકા પંચાયતોમાં સત્તા જાળવી શકી છે. નગરપાલિકાઓમાં પણ ૮૧ પૈકી ૭૯ નગરપાલિકાઓમાં ભાજપે સત્તા કબ્જે કરી છે. કોંગ્રેસને માત્ર એક જ નગરપાલિકામાં સત્તા મળી છે. કોંગ્રેસના અમરેલી જિલ્લામાં તમામ ચાર ધારાસભ્યો, જૂનાગઢ જિલ્લાના સાત ધારાસભ્યો તેમજ મોરબીના ૩, બોટાદના એક, ગીરઢડા, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના વિવિધ વિસ્તારોના કોંગ્રેસી ધારાસભ્યો ગઢ જાળવી શક્યા નથી.

bjp congress સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યો જ ગઢ બચાવી શક્યા

આ ચૂંટણીનું તારણ કાઢીએ. કોંગ્રેસના ૬૫ પૈકી માત્ર ચાર કે વધુમાં વધુ પાંચ ધારાસભ્યો એવા હશે કે જે પોતાનો ગઢ જાળવી શક્યા હોય. વાંકાનેર અને ઉના જેવા કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ પૂરી તાકાત સાથે ભાજપ ઘૂસી ગયું છે. મધ્ય ગુજરાતમાં આણંદનો કિસ્સો કે જે વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે અને તેમાંય ગ્રામ્ય વિસ્તારમાં તો સોલંકી ચાવડા સહિતના નેતાઓને અભુતપુર્વ વર્ચસ્વ છે ત્યાંથી કોંગ્રેસને એકમાત્ર હવે પૂર્વ થઈ ચૂકેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના મતવિસ્તારની આંકલાવ તાલુકા પંચાયતમાં જીત મેળવી સંતોષ માનવો પડ્યો છે. કોંગ્રેસની પરંપરાગત બેઠક મનાતી બોરસદ વિધાનસભા મત વિસ્તારમાં પણ કોંગ્રેસનો સફાયો થયો છે. આણંદ જિલ્લામાં માત્ર ઉમરેઠ અને ખંભાત સિવાયની બધી વિધાનસભા બેઠકો કોંગ્રેસની હતી હવે ત્યાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોના પગલે તમામ બેઠકો ભયમાં મૂકાઈ ગઈ છે.

sardarnagar 10 સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યો જ ગઢ બચાવી શક્યા

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે ૨૦૧૫ સ્થાનિક ચૂંટણી અને ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં નોંધપાત્ર સફળતા મેળવી હતી પરંતુ આ વિસ્તારોમાં ભાજપના બુલડોઝરે કોંગ્રેસને કચડી નાખી છે. પાટીદાર અનામત આંદોલન વખતે હબ બનેલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદે હાર્દિક પટેલ બિરાજમાન હોવા છતાં તે ઉત્તર ગુજરાતના પોતાના કિલ્લાને ભાજપના હાથે ધ્વસ્ત થતો બચાવી શક્યા નથી. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો કચ્ચરઘાણ નીકળી ગયો હોય તો પછી દક્ષિણ ગુજરાતમાં પણ કોંગ્રેસ પોતાનો એકમાત્ર વર્ચસ્વવાળો વિસ્તાર તાપી પંથકને પણ જાળવી શકી નથી.

congress sunday સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યો જ ગઢ બચાવી શક્યા

હવે ભાજપની વાત કરીએ તો તેના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના જસદણ અને વિંછીયા તાલુકા તેમજ પ્રવાસન રાજ્યમંત્રી જવાહરભાઈ ચાવડાના મતવિસ્તાર માણાવદર તાલુકામાં કોંગ્રેસને જીત મળી છે તો વંથલી તાલુકા પંચાયતોમાં ટાઈ થઈ છે. જ્યારે બીજા એક રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના મતવિસ્તારમાં બસપાનો હાથ ઘૂસી ગયો છે. અમદાવાદમાં ઓવૈસીએ ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખના મતવિસ્તારમાં આંશિક પ્રવેશ મેળવ્યો છે તેવું જામનગરમાં પણ બન્યું છે.

A 37 સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યો જ ગઢ બચાવી શક્યા

આમ આદમી પાર્ટીએ છ મહાનગરો પૈકી પાંચ મહાનગરોમાં ખાતું પણ ખોલ્યું નથી પરંતુ સુરતમાં ૨૭ બેઠકો જીતી તમામ વિધાનસભા અને બે લોકસભા મતવિસ્તારોની તોતીંગ સરસાઈવાળી ભાજપની બેઠકમાં ગાબડું પાડ્યું છે. આમ આદમી પાર્ટીએ જીતેલી બેઠકો પૈકી ૧૪ કોંગ્રેસની હતી અને ૧૩ ભાજપની હતી પરંતુ ૨૦૧૭ની વિધાનસભા અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી અને કપરાડા વિધાનસભાની બેઠક તો ભાજપ જ જીત્યો હતો. સુરતમાં આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણી સહિત ચાર જેટલા ભાજપી ધારાસભ્યોના મતવિસ્તારને ભલે કોંગ્રેસ ગાબડું ન પાડી શકી તે ગાબડુ આમ આદમી પાર્ટીએ તો પાડી જ દીધું છે. આ કાંઈ જેવી તેવી વાત તો ન જ કહેવાય. ટૂંકમાં ભલે ભાજપે કોંગ્રેસની પ૫થી વધુ બેઠકો આંચકી લેવાની તૈયારી કરી લીધી હોય તો સામે પક્ષે ભાજપને આંચકો આપે તેવા મત આમ આદમી પાર્ટીએ ૧૦ થી વધુ વિધાનસભા મતવિસ્તારોમાં મેળવ્યા છે. આમ આદમી પાર્ટીની વધતી તાકાત કોંગ્રેસને તો સફાયા ભણી દોરી જાય છે પણ આમ આદમી પાર્ટીનું ઝાડું કેટલાક વિસ્તારોમાંથી ભાજપની પણ સફાઈ કરી નાખશે તે વાત તો ભાજપના શીર્ષસ્થ નેતાઓ પણ કરતાં થઈ ગયા છે. ભાવનગર અને અમરેલી જિલ્લા પંચાયતની જે ૧-૧ બેઠક મળી કુલ બે બેઠકો ભાજપ જે રીતે જીતી તે બન્ને બેઠકો વર્ષોથી ભાજપની જ હતી. તેમાંય અલંગની બેઠક તો ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળના વતન વિસ્તારની છે. આ બેઠક પરથી ૨૦૦૦ની સાલમાં ભારતીબેન શિયાળ જિલ્લા પંચાયતમાં પ્રવેશી ૨૦૦૩ બાદ અઢી વર્ષ સુધી કોંગ્રેસમાં જાગેલા અસંતોષનો લાભ મેળવીને જિલ્લા પંચાયતનું પ્રમુખપદ પણ ભોગવ્યું હતું. જ્યારે ધારી બગસરાની વિધાનસભા બેઠક હાલ ભાજપ પાસે છે ત્યાં લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને જ વધુ મતો મળ્યા હતા.

ટૂકમાં સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના ૬૫ પૈકી ૬૦ જેટલા અને ભાજપના ઓછામાં ઓછા છ ધારાસભ્યોએ જનાધાર ગુમાવ્યો છે.