Ahmedabad News : અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે પોલીસકર્મીઓના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પોલીસકર્મીઓને મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘટાડીને કસરત પર વધુ ધ્યાન આપવાની સલાહ આપી છે. આ ઉપરાંત, પરેડમાં ભૂખ્યા પેટે આવવાના બદલે નાસ્તો કરીને આવવા જણાવ્યું છે.
છેલ્લા 2 વર્ષથી પોલીસકર્મીઓનું મેડિકલ ચેકઅપ થયું નથી, જેના કારણે કયા પોલીસકર્મીને કઈ બીમારી છે તેની જાણકારી નથી. ભૂતકાળમાં દર વર્ષે ફ્રી મેડિકલ ચેકઅપ કરવામાં આવતું હતું. પોલીસ કમિશનરે 40 વર્ષથી વધુ ઉંમરના પોલીસ અધિકારીઓનું મેડિકલ ચેકઅપ કરાવવાની સૂચના આપી છે. અત્યાર સુધીમાં 40 % પોલીસ કર્મચારીઓનું ચેકઅપ પૂર્ણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ સારી છે. પોલીસના સહયોગથી શહેરમાં વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી છે. ખાનગી સોસાયટીઓ, દુકાનો અને કોમર્શિયલ જગ્યા ઉપર 14,000થી વધારે CCTV કેમેરા અત્યાર સુધી લાગી ચૂક્યા છે. સોસાયટીઓ, ફ્લેટો અને કોમર્શિયલ જગ્યા પર લાગેલા સીસીટીવી કેમેરાને પોલીસ કંટ્રોલરૂમ સાથે જોડાણ કરવા માટેનું આયોજન કરવામાં આવશે.
2025નો એક સર્વે આવ્યો છે જેમાં અમદાવાદ શહેર મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર છે અને તેમાં પ્રથમ સ્થાન મળ્યું છે. જ્યારે બીજા નંબર પર ઇન્દોર અને ત્રીજા નંબરે મુંબઈ છે. તેઓએ વધુમાં જણાવ્યું કે પોલીસ એકદમ ઇફેક્ટિવ રીતે કામગીરી કરે અને પીસીઆરનો રિસ્પોન્સ ટાઈમ સૌથી ઝડપી થાય તે જરૂરી છે. પોલીસ અધિકારીઓ અરજદારોને સાંભળે અને તેમની ન્યાયિક કાર્યવાહી કરવી જરૂરી છે. ખાસ કરીને ગુનેગારોમાં ડર ઉભો થાય અને ગુનેગારો પોલીસથી ડરવા લાગે તે રીતની પણ કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર
આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી
આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી