Not Set/ કેન્સરથી સડી ગયું અડધું મોં જાણો કેવી રીતે આપ્યો ચહેરાને નવો ઓપ

તમાકુ ખાવાની આદતથી કરજણના 52 વર્ષીય આધેડના મોંમાં પડેલી ગાંઠમાં કીડા પડ્યા હતા. જેના પછી તેના ચહેરાના અડધા ભાગમાં આંખ સિવાયનો આખો હિસ્સો ખવાઈ ગયો હતો

Gujarat Vadodara
Untitled 272 કેન્સરથી સડી ગયું અડધું મોં જાણો કેવી રીતે આપ્યો ચહેરાને નવો ઓપ

તમાકુ ખાવાની આદતથી કરજણના 52 વર્ષીય આધેડના મોંમાં પડેલી ગાંઠમાં કીડા પડ્યા હતા. જેના પછી તેના ચહેરાના અડધા ભાગમાં આંખ સિવાયનો આખો હિસ્સો ખવાઈ ગયો હતો. એટલું જ નહીં, આ પરિસ્થિતીને કારણે તેના મોંમાંથી એવી દુર્ગંધ ફેલાતી હતી કે આસપાસના લોકોનું માથું ફાટી જાય . આ આધેડની 11 કલાક લાંબી સર્જરી વડોદરાના 3 તબીબની ટીમે કરી ચહેરાને નવો ઓપ આપ્યો છે. સંભવત: રાજ્યમાં આ પ્રથમ સર્જરી છે.

સર્જરી કરનાર ડો. હિમાંશુ નાયકે જણાવ્યું હતું કે ‘એક વર્ષ અગાઉ જ્યારે આ દર્દી મારી પાસે આવ્યો ત્યારે તેને માત્ર નાની ગાંઠ હતી. નિદાન કરતાં મેં તેને સારવારની વિગતો જણાવી હતી, પણ એક વર્ષ સુધી તેણે આયુર્વેદ સહિત અન્ય દવાઓ લેતાં કોઇ અસર થઇ નહીં અને કપરી હાલતમાં હતો.’ આ સર્જરી દરમિયાન પહેલા 4 કલાકમાં તેના મોંનો ગાલ સહિતનો અડધો ભાગ કાઢી નાખવો પડ્યો હતો. આ ગાંઠ 18 સેન્ટિમીટર લાંબી અને 15 સેન્ટિમીટર પહોળી હતી. તેની અડધી જીભ, ઉપર-નીચેના જડબાંનો ભાગ પણ કાઢી નાખવો પડ્યો હતો. સદભાગ્યે આંખના ભાગે ગાંઠ પહોંચી ન હોવાથી તેને યથાવત્ રખાઈ હતી.’

વધુમાં ડોક્ટરે કહ્યું હતું કે ‘ત્યાર બાદ બીજા 4 કલાક તેની જાંઘમાંથી ચામડી સહિતનો મોટો ફ્લેપ કઢાયો હતો, જેને તરત જ ગાલના ભાગે ફિટ કર્યો હતો. આ માટે માઇક્રોવાસ્ક્યુલર સર્જરી કરવી પડી હતી, જેમાં સ્નાયુઓને તેની ધમની અને શિરાને લૂપ નામના આંખ પર પહેરાતા માઇક્રોસ્કોપ વડે કૌશલ્યપૂર્વક જોડવામાં આવે છે. આ માટે જે ટાંકા લેવાય છે એનો દોરો વાળથી પણ પાતળો હોય છે. આવા લગભગ 1000થી વધુ ટાંકા લેવાયા હતા.’ અઠવાડિયા બાદ તે સંપૂર્ણપણે રિકવર થશે તેવું તબીબોએ જણાવ્યું હતું. આ સર્જરીમાં પ્લાસ્ટિક સર્જન ડો. નાયક, ડો. નીરવ મહારાજા ઉપરાંત કેન્સર તજ્જ્ઞ ડો. પ્રિયાંક રાઠોડ પણ જોડાયા હતા.

આ સર્જરીના મુખ્ય તબીબ પ્લાસ્ટિક સર્જન ડો. હિમાંશુ નાયકે જણાવ્યું હતું કે ‘મારી 26 વર્ષની કારકિર્દીમાં મેં આવું ઓપરેશન પહેલીવાર કર્યું છે. વિશ્વકક્ષાએ સુપ્રસિદ્ધ મેડિકલ જર્નલમાં અમે આ સર્જરીની વિગતો મોકલવાનું વિચારી રહ્યા છીએે, કારણ કે આ અત્યંત દુર્લભ કહી શકાય એવી બાબત છે.