છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓ સાથે થયેલી અથડામણ બાદ લાપતા સુરક્ષાદળના જવાન નક્સલીઓના કબ્જામાં છે. નક્સલીઓએ મીડિયાકર્મીઓને ફોન કરીને આ દાવો કર્યો છે. તેમણે ફોન પર કહ્યું છે કે જવાનને કોઇ નુકસાન નહીં થાય, પરંતુ તેને છોડવાના બદલે શરત રાખી છે.
લાપતા જવાનનું નામ રાજેશ્વર સિંહ મનહાસ છે. તે જમ્મૂ-કાશ્મીરના નિવાસી છે અને કોબરા બટાલિયનનો હિસ્સો છે. નક્સલીઓએ પત્રકારોને ફોન પર શરત રાખી છે કે જવાન પોલીસની નોકરી છોડે અને કોઇ બીજુ કામ કરે તો તેને છોડવામાં આવશે.
લાપતા સૈનિકની પત્નીએ કહ્યું કે છેલ્લીવાર ફોન પર થયેલી વાતચીતમાં તેણે કહ્યું હતું કે શનિવારે વાત કરીશ. અમે સતત ફોન કરી રહ્યા છીએ, પરંતુ કોઇ સૂચના નથી. કન્ટ્રોલ રુમવાળા જણાવી રહ્યા છે કે તે લાપતા છે. ટીવી ન્યૂઝમા આવી રહ્યું છે કે તે નક્સલીઓના કબ્જામાં છે. હું છત્તીસગઢ સરકાર પાસે માંગ કરું છું કે નક્સલીઓની જે પણ માંગ છે તેને પૂરી કરીને મારા પતિને છોડાવવામાં આવે.
સુકમામાં નક્સલીઓની સાથે અથડામણ દરમિયાન 21 જવાન લાપતા થઇ ગયા હતા. તેમાંથી 20ના શબ રવિવારે એરફોર્સની મદદથી શોધવામાં આવ્યા, જ્યારે એક જવાન લાપતા છે. હવે નક્સલીઓએ તેને પોતાના કબજામાં હોવાનો દાવો કર્યો છે. અથડામણ પછી નક્સલી પોતાના ઇજાગ્રસ્ત અને મૃત સાથીઓને ટ્રેક્ટરમાં ભરીને લઇ ગયા હતા. આશંકા છે કે આની સાથે તેઓ ઘાયલ જવાનને પણ પોતાની સાથે લઇને ગયા.