Surat News/ સુરતના ખજોદ કચરા પ્લાન્ટમાં ભયાનક આગ ત્રીજા દિવસે પણ યથાવત્, 8 કિમી સુધી ધુમાડો, કચરા કૌભાંડની શંકા

સુરતના ખજોદ કચરા નિકાલ સાઈટ પર લાગી આગ (Fire) ત્રીજા દિવસે પણ કાબુમાં નથી. SMCની આ સાઈટ પરથી ઉઠતા ધુમાડાના ગોટેગોટા 8 કિમી સુધી જોવા મળી રહ્યા છે, જેના કારણે પ્રદૂષણ અને આરોગ્યની ચિંતા વધી છે. ઘટના પાછળ કચરા કૌભાંડની શંકા પણ ઉઠી છે.

Top Stories Gujarat Surat Breaking News
Fire

Surat News: સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી કચરા નિકાલ સાઈટ ખજોદમાં મંગળવારે બપોરે લાગેલી આગ સતત ત્રીજા દિવસે પણ યથાવત્ છે. આગની (Fire) તીવ્રતા એટલી વધારે છે કે કાળા ધુમાડાના ગોટેગોટા 8 કિલોમીટર દૂર સુધી સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. આ ઘટનાએ શહેરના દક્ષિણ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર વધારી દીધું છે અને નાગરિકોમાં આરોગ્ય સંબંધિત ચિંતા વધારી છે.માત્ર 52 દિવસ પહેલા જ આ જ સાઈટ પર આગ લાગી હતી, જેને કારણે હવે આગ લાગવાની ઘટના શંકાસ્પદ બની ગઈ છે. ઘણા લોકો આગને કુદરતી કરતાં માનવસર્જિત માની રહ્યા છે અને કચરા કૌભાંડને છુપાવવા માટે આગ લગાડવામાં આવી હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

આગ મંગળવારે બપોરે અચાનક ફાટી નીકળી હતી અને તે ઝડપથી વિસ્તાર પામીને લગભગ 2 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી.જોરદાર પવનને કારણે આગ (Fire) વધુ વિકરાળ બની. સુરત ફાયર વિભાગના 50થી વધુ જવાનો મંગળવારે બપોરથી સતત ડ્યૂટી પર છે. અત્યાર સુધીમાં 25 લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમ છતાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવવો મુશ્કેલ બન્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આગ Refuse Derived Fuel (RDF) સ્ટોકમાં લાગી હતી, જે કચરામાંથી તૈયાર કરાયેલું ઈંધણ છે.પાલિકાના અધિકારીઓએ કહ્યું કે, “હાલની પ્રાથમિકતા આગને સંપૂર્ણપણે ઓલવવાની છે. ત્યારબાદ વિશેષજ્ઞોની મદદથી આગ (Fire) લાગવાના કારણોની તપાસ કરવામાં આવશે.”

બીજી વખતની આગને (Fire) કારણે કચરા કૌભાંડના આક્ષેપો ફરી તેજ   

સુરત મહાનગરપાલિકાએ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે સીડી ટ્રાન્સપોર્ટ એજન્સીને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જોકે, અત્યાર સુધીમાં એજન્સીએ માત્ર 14 લાખ ટન કચરાનો જ નિકાલ કર્યો છે, જ્યારે 30 લાખ ટનનો ટાર્ગેટ હતો. આમ, 16 લાખ ટન કચરાનો નિકાલ હજુ બાકી છે.આ સાઈટ પહેલેથી જ ક્ષમતા કરતાં વધુ ભરાઈ ગઈ છે. ત્રણ મહિના પહેલા મહુવા તાલુકાના કાંકરિયા ગામે કચરો ડમ્પ કરવાના પ્રયાસ વિરુદ્ધ સ્થાનિકોમાં વિવાદ સર્જાયો હતો.

આ બીજી વખતની આગને કારણે કચરા કૌભાંડના આક્ષેપો ફરી તેજ થયા છે. કેટલાક લોકોનું માનવું છે કે વધારાના કચરાના વજન (ડેડ વેઈટ) અને નિકાલમાં થતી ગેરરીતિઓ છુપાવવા માટે આગ (Fire) લગાડવામાં આવી હોય શકે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકએ આગ લાગવાના કારણોની તપાસ માટે પોલીસ ફરિયાદ નોંધાવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોના ઉલ્લંઘનનો રિપોર્ટ મોકલ્યો છે. અગાઉ પણ GPCBએ પાલિકાને પત્ર લખીને પુરતી વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી, પરંતુ તેનું પાલન ન થયું હોવાના આક્ષેપ છે.


આ પણ વાંચો:સુરતના પોશ સિટી લાઇટ વિસ્તારમાં ભીષણ આગ, કચરાના ઢગલામાં લાગેલી આગ વિકરાળ બની

આ પણ વાંચો:સુરતના નિધિ કાપડ માર્કેટમાં ભીષણ આગ, ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાંથી ભભૂકી ઊઠી જ્વાળા

આ પણ વાંચો:સુરતના સહારા દરવાજા વિસ્તારમાં ભયાનક આગ, સરદાર માર્કેટ સામેના ફ્રૂટ પેકેજિંગ વેરહાઉસમાં લાખોનું નુકસાન