Not Set/ સુરેન્દ્રનગરમાં ભેળસેળ ડિસ્કો ખાદ્યતેલોનું અલગ-અલગ માર્કાથી ધૂમ વેચાણ

સુરેન્દ્રનગરમાં મોંઘવારીએ માઝા મુકી છે. સીંગતેલ સહિતનાં ખાદ્યતેલોનાં ભાવ ભડકે બળે છે,

Gujarat Others
2 204 સુરેન્દ્રનગરમાં ભેળસેળ ડિસ્કો ખાદ્યતેલોનું અલગ-અલગ માર્કાથી ધૂમ વેચાણ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મોંઘવારીએ માઝા મુકી છે. સીંગતેલ સહિતનાં ખાદ્યતેલોનાં ભાવ ભડકે બળે છે, ત્યારે જિલ્લામાં આરોગ્ય માટે હાનિકારક ભેળસેળીયા ડીસ્કો ખાદ્યતેલોનું ધૂમ વેચાણ થઈ રહયું હોવાનું જાણવા મળે છે. જિલ્લાનાં પુરવઠાતંત્રની ઘોર નિષ્ક્રિયતાથી ડીસ્કો તેલનાં વેચાણને મોકળુ મેદાન મળતુ હોવાનું જાણવા મળે છે.

આ અંગે જાણવા મળતી વિગત એવી છે કે, સુરેન્દ્રનગરમાં મોંઘવારી અગાઉનાં તમામ રેકોર્ડ તોડીને સૌથી ઉંચા સ્તરે પહોંચી છે. સામાન્ય પરિવારોનું જીવન દોહળાયેલું બની ગયુ છે. ઈંધણ અને જીવનજરૂરી ચીજોનાં ભાવ વધારાથી ટૂંકી આવકવાળા અનેક પરિવારો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહયુ છે. સીંગતેલ સહિતનાં ખાદ્યતેલોનાં ભાવો પણ રેકોર્ડબ્રેક ઉંચાઈએ પહોંચ્યા છે. આ સ્થિતીમાં સુરેન્દ્રનગરની બજારમાં સીંગતેલનાં નામે સોયાબીનનાં માર્કાવાળુ ભેળસેળીયુ ડીસ્કો તેલ મોટાપાયે વેચાઈ રહયું હોવાનું જાણવા મળે છે. ગંભીર અને તપાસ માંગતી બાબત છે કે, આવા ભેળસેળીયા ડીસ્કો તેલમાં આરોગ્ય માટે હાનિકારક સીંગતેલનાં એસેન્સની ભેળસેળ કરવામાં આવે છે. જેનાથી હ્રયદયરોગ અને ચામડીનાં રોગ થવાની શકયતા વધી જાય છે. વઢવાણ જીઆઈડીસી અને સુરેન્દ્રનગરનાં ઉદ્યોગનગરમાં ધમધમતી ઓઈલ મીલોમાંજ આવું જથ્થાબંધ ભેળસેળીયુ ડીસ્કો તેલ તૈયાર કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે.

બજારનાં વર્તુળોર્થી જાણવા મળતી વિગતો મુજબ સીંગતેલનાં નામે વેચાતુ ભેળસેળીયુ ડીસ્કો તેલ મોટાભાગે ફરસાણનાં વેપારીઓ, ફુડ ઈન્ડસ્ટ્રીઝ, હોટલ-રેસ્ટોરન્ટ તથા ફાસ્ટફુડની લારીઓ ઉપર વપરાય છે! સ્ટાન્ડર્ડ ખાદ્યતેલો કરતા આ ડીસ્કો તેલ સસ્તુ હોવાથી વ્યાપારીક હેતુ માટે તેનો વધુ ઉપયોગ થતો હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર શહેર નકલી અને ભેળસેળયુકત ચીજવસ્તુઓનાં વેચાણ માટે કુખ્યાત છે. ખાસ કરીને ખાદ્યપદાર્થોનાં વેચાણમાં મોટાપાયે ગેરરીતિઓ થાય છે! ખાદ્યતેલોમાં ભેળસેળ એ લોકોનાં આરોગ્ય સાથે જોડાયેલી ગંભીર બાબત હોવા છતાં પુરવઠાતંત્ર દ્વારા ચેકીંગમાં ઘોર નિષ્ક્રિયતા દાખવવામાં આવે છે..! તેથી તંત્રવાહકો અને વેપારીઓની મીલીભગતથી આ કારોબાર બેરોકટોક ચાલતો હોવાનું જાણવા મળે છે. આ અંગે ગાંધીનગર ઉચ્ચકક્ષાએથી સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવે તો ભેળસેળીયા ડીસ્કો તેલનાં વેચાણની ચોંકાવનારી વિગતો બહાર આવવાની શકયતા નકારી શકાતી નથી.

GST ની બેફામ ચોરીઃ સાચું સિંગતેલ ફ્રીઝમાં જામતું નથી

સુરેન્દ્રનગરમાં ભેળસેળીયા ડીસ્કો તેલનાં ધૂમ વેચાણથી લોકોનાં આરોગ્યને નુકસાન થાય છે, તો સરકારી તિજોરીને પણ મોટુ નુકસાન થતું હોવાનું જાણવા મળે છે. ડીસ્કો તેલનાં વેપારીઓ ગ્રાહકોને પાક્કા બીલ આપવાનો બદલે રોડ-વેનાં કાચા બીલ આપીને જી.એસ.ટી ની બેફામ ચોરી કરતા હોવાનું જાણવા મળે છે. જી.એસ.ટી વિભાગનાં અધિકારીઓ ચેકીંગ કરે તો કરચોરીની ઘણી વિગતો બહાર આવવાની શકયતા નકારી શકાતી નથી..! એવું પણ જાણવા મળે છે કે, શુદ્ધ સીંગતેલ ફ્રિજમાં મુકો તો પણ જામતું નથી..! જયારે સીંગતેલનાં નામે વેચાતુ ડીસ્કો તેલ ફ્રિજમાં રાખવામાં આવે તો ઘી ની જેમ જામી જતું હોય છે.

ડિસ્કોતેલમાં સિંગતેલનું એસેન્સ હૃદયરોગ- ત્વચારોગ નોંતરે છે

સોયાબીનનાં સ્ટીકર સાથે બજારમાં વેચાતું ડીસ્કો તેલ સીંગતેલનાં નામે વેચાય છે. ઓઈલ મીલોમાં હલકા ખાદ્યતેલનાં ડબ્બામાં સીંગતેલનું એસેન્સ નાંખવામાં આવે છે જેનાથી ડીસ્કો તેલ સીંગતેલની સુવાસ વાળુ બની જાય છે. સીંગતેલનું આ એસેન્સ રૂ.10,000 નું 5 લિટર આવે છે. અને તેમાંથી 1500 ડબ્બા ડીસ્કો તેલ તૈયાર થતું હોય છે. સૌથી ગંભીર અને તપાસ માંગતી બાબત એવી જાણવા મળે છે કે, સીંગતેલનાં આ એસેન્સથી હ્ય્દયરોગ અને ચામડીનાં રોગ થવાની શકયતા વધી જાય છે. તેથી ડીસ્કો તેલનો વેપાર વહેલી તકે બંધ કરાવવો જોઈએ.

ચેકિંગની જાણ થઈ જતાં મિલો- દુકાનો બંધ થઈ જાય

સુરેન્દ્રનગરમાં ભેળસેળીયા ડીસ્કો તેલનાં મોટાપાયે વેચાણ સામે સ્થાનિક પુરવઠાતંત્ર આંખ આડા કાન જ કરે છે. કયારેક ચેકીંગનાં નાટકો થાય છે. જેમાં અગાઉથી જાણ થઈ જતી હોય તેમ ચેકીંગ આવવાનું હોય તે અગાઉ જ ઓઈલ મીલો અને મોટાભાગની દુકાનો ફટાફટ બંધ થઈ જાય છે..! મસમોટા હપ્તા બાંધેલા હોવાથી આકરી કાર્યવાહી થતી નથી. ચેકીંગમાં પણ શુદ્ધ સીંગતેલનાં નમુના લઈને આકરો દંડ ન થાય તેનુ ધ્યાન રખાતું હોય છે. ગાંધીનગર ઉચ્ચ કક્ષાએથી સરપ્રાઈઝ ચેકીંગ થાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવવાની શકયતા નકારી શકાતી નથી.

સ્ટાન્ડર્ડ તેલ કરતા થોડુ સસ્તુ ડીસ્કોતેલ

સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલોની જથ્થાબંધ બજારમાં સ્ટાન્ડર્ડ તેલ કરતા થોડા સસ્તાદામે ડીસ્કોતેલનુ વેચાણ થાય છે. બજારમાંથી મળતી વિગત મુજબ રાણી સીંગતેલ(15 લિટર)નાં રૂ.2400 કપાસીયા તેલનાં રૂ.2320 નાં ભાવ હોય છે, ત્યારે ભેળસેળીયા ડીસ્કો તેલનાં ડબ્બાનાં રૂ.2200 નો ભાવ હોય છે.

અલગ અલગ માર્કાનો ઉપયોગ

સુરેન્દ્રનગરમાં સીંગતેલના નામે સોયાબીનના સ્ટીકર સાથે વેચાતું ભેળસેળીયુ ડીસ્કોતેલ અલગ અલગ માર્કાથી વેચાય છે. એક્કા રાણી, મહારાણી, આ સોયાલવ, દોલત, મધુર, ડબલ એક્કા જેવા માર્કા સાથે ડીસકોતેલ બજારમાં ઠલવાય છે અને મોટાપાયે વેચાણ થાય છે

majboor str 20 સુરેન્દ્રનગરમાં ભેળસેળ ડિસ્કો ખાદ્યતેલોનું અલગ-અલગ માર્કાથી ધૂમ વેચાણ