Singur land case/ સિંગુર જમીન વિવાદમાં ટાટાની મોટી જીત, બંગાળ સરકારે ₹766 કરોડ ચૂકવવા પડશે

બંગાળની ધરતી પર લખતકિયા કાર ‘નેનો’ના ઉત્પાદન માટેની ફેક્ટરી સ્થાપવાની હતી. ત્યારે મમતા બેનર્જી વિપક્ષમાં હતા અને ડાબેરી સરકારની નીતિઓ વિરુદ્ધ હતા.

Top Stories India
1 3 11 સિંગુર જમીન વિવાદમાં ટાટાની મોટી જીત, બંગાળ સરકારે ₹766 કરોડ ચૂકવવા પડશે

પશ્ચિમ બંગાળના સિંગુર જમીન વિવાદમાં ટાટાને મોટી જીત મળી છે. ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સ આ વિવાદમાં ₹766 કરોડની વસૂલાત માટે હકદાર છે.  સિંગુરમાં ટાટા મોટર્સના નેનો પ્લાન્ટને મમતા બેનર્જીની અગાઉની ડાબેરી સરકારે મંજૂરી આપી હતી. આ અંતર્ગત બંગાળની ધરતી પર લખતકિયા કાર ‘નેનો’ના ઉત્પાદન માટેની ફેક્ટરી સ્થાપવાની હતી. ત્યારે મમતા બેનર્જી વિપક્ષમાં હતા અને ડાબેરી સરકારની નીતિઓ વિરુદ્ધ હતા. જ્યારે વિપક્ષમાં હતા ત્યારે મમતા બેનર્જી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા. આ મુદ્દાએ મમતા બેનર્જીને સત્તામાં આવવામાં મદદ કરી હતી. મમતા બેનર્જી સત્તામાં આવતાની સાથે જ તેમણે સિંગુરની લગભગ 1000 એકર જમીન 13 હજાર ખેડૂતોને પરત કરવા કાયદો ઘડવાનું નક્કી કર્યું જેમની પાસેથી તે સંપાદિત કરવામાં આવી હતી.

આ નિર્ણય વિશે માહિતી આપતાં ટાટા મોટર્સે જણાવ્યું – ત્રણ સભ્યોની આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે ટાટા મોટર્સ લિમિટેડ (TML)ની તરફેણમાં ચુકાદો આપ્યો છે. TML હવે પ્રતિવાદી પશ્ચિમ બંગાળ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (WBIDC) પાસેથી વાર્ષિક 11%ના દરે વ્યાજ સાથે રૂ. 765.78 કરોડની રકમ વસૂલવા માટે હકદાર છે. તમને જણાવી દઈએ કે WBIDC પશ્ચિમ બંગાળ સરકાર હેઠળ છે.

સિંગુરમાં જમીનનો વિવાદ એટલો મોટો હતો કે ટાટા મોટર્સે પ્રોજેક્ટ રોકવો પડ્યો હતો. આ પછી કંપની ગુજરાત આવી અને ટાટા નેનો બનાવવા માટે સાણંદમાં પ્લાન્ટ સ્થાપ્યો. જો કે ટાટાનો આ પ્રોજેક્ટ સફળ રહ્યો ન હતો. 2011માં ટાટા મોટર્સે મમતા સરકારના કાયદાને પડકાર્યો હતો, જેના દ્વારા કંપની પાસેથી જમીન છીનવી લેવામાં આવી હતી. જૂન 2012માં, કલકત્તા હાઈકોર્ટે સિંગુર એક્ટને ગેરબંધારણીય જાહેર કર્યો અને જમીન લીઝ કરાર હેઠળ કંપનીના અધિકારો પુનઃસ્થાપિત કર્યા. આમ છતાં ટાટા મોટર્સને જમીનનો કબજો પાછો મળ્યો નથી. ત્યારબાદ રાજ્ય સરકારે ઓગસ્ટ 2012માં સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ઓગસ્ટ 2016 માં, સુપ્રીમ કોર્ટે નેનો પ્રોજેક્ટ માટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા કરાયેલ જમીન સંપાદનને ગેરકાયદેસર જાહેર કર્યું અને જમીન માલિકોને જમીન પરત કરવાનો નિર્દેશ આપ્યો.