Earth Quake/ તુર્કી અને સીરિયાની સરહદ પર આવેલો ભૂકંપ ભયાનક સાબિત થયો

6 ફેબ્રુઆરી, સોમવારે તુર્કી અને સીરિયાની સરહદ પર આવેલો ભૂકંપ સૌથી ભયાનક સાબિત થયો હતો. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 15000થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટનામાં અનેક મહિલાઓ અને બાળકોના…

Mantavya Exclusive
Turkey and Syria earthquake

Turkey and Syria earthquake: 6 ફેબ્રુઆરી, સોમવારે તુર્કી અને સીરિયાની સરહદ પર આવેલો ભૂકંપ સૌથી ભયાનક સાબિત થયો હતો. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 15000થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટનામાં અનેક મહિલાઓ અને બાળકોના પણ મોત થયા છે. કેટલીક જગ્યાએથી સકારાત્મક સમાચારો પણ મળ્યા છે. જ્યાં જીંદગી બચી છે ત્યાં ચહેરા પર ખુશી પણ દેખાઈ રહી છે. આવો જોઈએ તુર્કીથી વિશેષ અહેવાલ. મંતવ્ય વિશેષમાં.

તુર્કીમાં 15,000થી વધુના મોત થયા છે અને હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે અને માનવામાં આવે છે કે આ આંકડો વધી શકે છે. આ ભૂકંપનું કેન્દ્ર તુર્કીના ગાઝિયાનટેપ પ્રાંતમાં નુરદાગી હતું. આ સ્થળ સીરિયા અને તુર્કીની સરહદ પર છે. 2015માં નેપાળમાં આવેલા ભૂકંપ બાદ તેને સૌથી ભયાનક ભૂકંપ કહેવામાં આવી રહ્યો છે. નેપાળમાં આવેલા ભૂકંપમાં લગભગ નવ હજાર લોકોના મોત થયા હતા.

જીવનની આશાઓ ઓછી થતી જાય છે

આ સમયે તુર્કી અને સીરિયા બંનેમાં ઠંડી પડી રહી છે. થીજી ગયેલી ઠંડીના કારણે રાહત અને બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થયો છે. ઠંડીના કારણે આ આશા પણ ખતમ થઈ રહી છે કે કાટમાળમાં કોઈ જીવતું હશે. 6500 ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને ટનબંધ કાટમાળમાંથી લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. તુર્કીના વિદેશ મંત્રીએ કહ્યું કે તેમનો દેશ સીરિયામાં તબાહી માટે આંતરરાષ્ટ્રીય મદદ મોકલવાના પ્રયાસોમાં પણ વ્યસ્ત છે. પરંતુ નુકસાન એટલું મોટું છે કે તમામ પ્રયાસો મુશ્કેલ બની રહ્યા છે.

તાપમાન માઈનસ 5 ડિગ્રી સુધી ઘટી ગયું

આ સમયે ગાઝિયાનટેપમાં હવામાન માઈનસ 5 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે. આ સિઝનમાં, ભૂકંપ પીડિતોને કાર અને ટેન્ટમાં રાત પસાર કરવાની ફરજ પડી છે. જેમના ઘર સલામત છે તેઓ પણ પોતાના ઘરે જતા ડરે છે. લોકો ઘરની બહાર નીકળીને રસ્તા પર આવી ગયા છે અને બાળકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાલીઓ બાળકોને ધાબળામાં લપેટીને તેમને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શહેરના સત્તાવાળાઓએ લોકોને એપાર્ટમેન્ટમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ વિસ્તારમાં દરરોજ આફ્ટરશોક્સ આવી રહ્યા છે.

રાહત અને બચાવ કાર્યમાં કેટલીક ખામીઓ

તુર્કીની સરકાર ભૂકંપનો જે રીતે પ્રતિભાવ આપ્યો તેના કારણે તેની ટીકા થઈ રહી છે. રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને સ્વીકાર્યું છે કે રાહત અને બચાવ કાર્યમાં કેટલીક ખામીઓ છે. એર્દોગને કહ્યું હતું કે આટલી મોટી દુર્ઘટના માટે તૈયારી કરવી શક્ય નથી, જોકે મીડિયા રિપોર્ટ્સ હવે કહે છે કે સ્થિતિ નિયંત્રણમાં છે. ભૂકંપથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ તેમણે પત્રકારોને કહ્યું કે આ એકતાનો સમય છે. આવા સમયમાં, હું રાજકીય લાભ માટે નકારાત્મક ઝુંબેશ ચલાવનારા લોકોને કઈ કહેવા માગતો નથી.

17 કલાક બાદ કાટમાળમાંથી બંને માસુમ બહાર આવ્યા

6 ફેબ્રુઆરી, 2023નો દિવસ તુર્કી અને સીરિયાના ઈતિહાસમાંથી ક્યારેય ભૂંસાઈ શકશે નહીં. સવારે 4:17 વાગ્યે આવેલા ભૂકંપના આંચકાએ બધુ તબાહ કરી નાખ્યું. અત્યાર સુધીમાં લગભગ આઠ હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે અને ઘણી તસવીરો હ્રદયદ્રાવક છે. અનેક માસુમ બાળકોના પણ મોત થયા છે. પરંતુ આ ભૂકંપના કાટમાળમાંથી એવી તસવીરો સામે આવી છે, જે નિરાશાના સમયમાં પણ આશા જગાડે છે. સાત વર્ષની બાળકી અને તેના ભાઈએ ફરી એકવાર ભાઈ અને બહેન વચ્ચેના સુંદર સંબંધને અમર કરી દીધો જે વિશ્વમાં સૌથી સુંદર છે. આ બંને બાળકોને 17 કલાક બાદ કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

પોતાનો ડર બાજુમાં, પહેલા પોતાના ભાઈને બચાવ્યો

ભૂકંપના કાટમાળની અંદર એક છોકરી કોઈ પણ જાતના ડર વિના પોતાના ભાઈને બચાવતી રહી. તેણીને તેની પીઠ ઉપર એક પથ્થર હતો પરંતુ તેણી તેના પ્રિય ભાઈને ઇજા પહોંચાડવા માંગતી ન હતી.  સાફાએ લખ્યું, ‘આ સાત વર્ષની બાળકી તેના નાના ભાઈને માથા પર હાથ રાખીને બચાવી રહી છે જ્યારે બંને 17 કલાક સુધી કાટમાળમાં ફસાયેલા હતા. આ તસવીર કોઈએ શેર કરી નથી અને જો તે મરી ગઈ હોત તો દરેક તેને શેર કરી રહ્યાં હોત. સાફાએ અંતમાં લખ્યું, ‘સકારાત્મકતા શેર કરો.’ તુર્કી અને સીરિયા બંનેમાં ઘણો વિનાશ થયો છે. આ વિનાશમાં ઘણા બાળકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે કેટલાક જીવતા બહાર આવ્યા છે. ઠંડું તાપમાન અહીં રાહત કાર્યને અવરોધે છે. રાહત અને બચાવ કાર્યકરો બાળકોને કાટમાળમાંથી બહાર કાઢવા માટે અવિરત અને અથાક મહેનત કરી રહ્યા છે.

મૃત્યુઆંક વધી શકે છે

સેંકડો બચાવકર્મીઓ દૂર-દૂર સુધી ફેલાયેલા કાટમાળમાંથી બચેલા લોકોને બહાર કાઢી રહ્યા છે. સત્તાવાળાઓને આશંકા છે કે ભૂકંપમાં મૃત્યુઆંક વધી શકે છે. ભૂકંપ બાદ સતત આફ્ટરશોક્સના કારણે સ્થિતિ ગંભીર બની ગઈ છે. તુર્કી અને સીરિયા બંનેમાં બરફનું તોફાન છે. જેના કારણે તાપમાન શૂન્યથી નીચે ગયું છે. સીરિયામાં જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે તે વિસ્તાર સરકાર અને વિદ્રોહીઓ વચ્ચે વહેંચાયેલો છે.

1700 ઈમારતો નાશ પામી

અહેવાલો અનુસાર, હાલમાં બળવાખોરોના કબજામાં રહેલી જમીન પર સેંકડો પરિવારો કાટમાળ નીચે દટાયેલા છે. તુર્કીમાં આવેલા ભૂકંપના કારણે હજારો ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપમાં લગભગ 1700 ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. તુર્કીના દિયરબકીર ઉપરાંત સીરિયાના અલેપ્પો અને હમામાં દરેક જગ્યાએ ઈમારતોનો કાટમાળ છે. આ કાટમાળ ઉત્તર-પૂર્વ દિશામાં 330 કિલોમીટર સુધી ફેલાયેલો છે.

માતાના ગર્ભમાંથી બહાર આવતા જ મકાન ધરાશાયી, આખો પરિવાર મૃત્યુ પામ્યો

ભયાનક ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. હજારો ઈમારતો કાટમાળમાં ધકેલાઈ ગઈ હતી, જેની નીચે મોટી સંખ્યામાં લોકો દટાઈ ગયા હતા. જેમ જેમ તુર્કી અને સીરિયામાં કાટમાળ સાફ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ઘણી ભાવનાત્મક વાતો બહાર આવી રહી છે. ઉત્તર-પશ્ચિમ સીરિયામાં એક મકાનના કાટમાળમાંથી બચાવકર્મીઓ એક નવજાત બાળકીને બહાર કાઢી. બાળકીના એક સંબંધીએ જણાવ્યું કે દુર્ઘટના પછી તરત જ તેની માતાને પ્રસૂતિનો દુખાવો શરૂ થયો અને તે મૃત્યુ પામતા પહેલા તેણે બાળકીને જન્મ આપ્યો. આ દુર્ઘટનામાં બાળકના પિતા, ચાર ભાઈ-બહેન અને એક કાકીનું પણ મૃત્યુ થયું હતું.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક વ્યક્તિ સીરિયાના જિંદારિસ શહેરમાં કાટમાળમાંથી એક ધૂળવાળી બાળકીને બહાર લઈ જતો જોઈ શકાય છે. આફરીનની એક હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું કે બાળકી નવજાત છે અને તેની હાલત સ્થિર છે. છોકરીનો પરિવાર જ્યાં રહેતો હતો તે ઇમારત 7.8 ની તીવ્રતાના ભૂકંપ પછી બરબાદ થનારી જિંદયારિસ શહેરની હજારો ઈમારતોમાંથી એક હતી. આ શહેર તુર્કીની સીમાની નજીક ઇદલિબ પ્રાંતમાં છે.

ખોદકામ દરમિયાન છોકરીનો અવાજ સંભળાયો

બાળકીના કાકા ખલીલ અલ-સુવૈદીએ જણાવ્યું કે, મકાન ધરાશાયી થવાની વાત સાંભળીને સંબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેણે ન્યૂઝ એજન્સીને કહ્યું કે, ‘અમે ખોદકામ દરમિયાન અવાજ સાંભળ્યો. જ્યારે અમે ધૂળ સાફ કરી, ત્યારે અમને નાળ સાથે જોડાયેલી બાળકી મળી. અમે તેને કાપીને છોકરીને બહાર કાઢી અને મારા પિતરાઈ ભાઈઓ તેને હોસ્પિટલ લઈ ગયા. બાળરોગ ચિકિત્સક હાની મરુફે જણાવ્યું હતું કે બાળક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં પહોંચ્યું હતું. તેના આખા શરીર પર ઈજાના અનેક નિશાન હતા.

બાળકના સમગ્ર પરિવારને દફનાવવામાં આવ્યો

તેણે કહ્યું, ‘કડકડતી ઠંડીને કારણે બાળકી હાઈપોથર્મિયાનો શિકાર પણ બની હતી. અમારે તેને ગરમી આપવી પડી. એક બાજુ, બાળકી ઇન્ક્યુબેટરમાં પડી હતી અને ડ્રીપ લગાવી હતી. તો બીજી તરફ તેનો આખો પરિવાર, માતા, પિતા અને ચારેય ભાઈ-બહેનોને દફનાવવામાં આવી રહ્યા હતા. ભૂકંપના કારણે સીરિયા અને તુર્કીમાં જનજીવન ખોરવાઈ ગયું છે. જો કે ભૂકંપ પહેલા પણ સીરિયાના 41 લાખ લોકોનો જીવ કોઈ આપત્તિથી ઓછો નહોતો. મોટાભાગની સ્ત્રીઓ અને બાળકો જીવિત રહેવા માટે માનવતાવાદી સહાય પર નિર્ભર હતા.

‘આ બહુ દુ:ખદ અને ભયાવહ પરિસ્થિતિ છે અમારા માટે’

તુર્કીની વર્તમાન પરિસ્થિતિ જણાવતાં સ્થાનિકે કહ્યું કે, ‘તુર્કી સાડા આઠ કરોડની વસતિ ધરાવતો અને 81 શહેરનો બનેલો દેશ છે. પ્રતિ મિનિટે મોતનો આંકડો વધી જ રહ્યો છે ત્યારે આખા દેશમાં અત્યારે શોકનો માહોલ છે. કાટમાળ હટાવીને બચાવ કામગીરી થઇ રહી છે. કોઈએ પોતાનો દીકરો ખોયો છે, કોઇએ પોતાની માતા ગુમાવી છે. માસૂમ બાળકોની લાશો પણ મળી રહી છે. ઘણી જગ્યાએ પેટ્રોલ પંપની પાઈપો ફાટવાથી આગ લાગવાની ઘટનાઓ પણ ઘટી છે. આ બહુ દુઃખદ પરિસ્થિતિ છે અમારા માટે. તુર્કીમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થયો છે. અમે તુર્કીશ લોકો બહુ માયાળુ છીએ. લાગણીશીલ છીએ. અત્યારે ટ્રકો-કારોમાં ધાબળા-કપડાં-ફૂડ સહિતની રાહત સામગ્રીઓ સ્થાનિક મ્યુનિસિપાલિટી અને રાહત કેન્દ્રોને લોકો આપી રહ્યા છીએ. આ સેન્ટરથી ભૂકંપ પીડિતોને સહાય મોકલવામાં આવી રહી છે.’

સ્થાનિક પ્રશાસન કેવી કામગીરી કરી રહ્યું છે?

સ્થાનિક પ્રશાસન અને સરકારની કામગીરી જણાવતાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ‘તુર્કીશ સ્ટેટ અને પ્રેસિડન્ટ અત્યારે મજબૂત પગલાં ભરી રહ્યાં છે. 24 કલાક સરકાર ખડેપગે રહીને કામગીરી કરી રહી છે. અત્યારે સરકારના બધા મંત્રીઓ ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં ઓન ફિલ્ડ કામગીરી કરી રહ્યા છે. સ્થાનિક નાગરિકો અને સરકાર એકબીજા સાથે ખભેખભા મિલાવીને કામગીરી કરી રહ્યાં છે. સરકારે ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં ત્રણ મહિના માટે ઇમર્જન્સી જાહેર કરી છે. અસરગ્રસ્તોને થયેલા નુકસાનની ભરપાઇ સરકાર કરશે. સરકારે આપેલો આ ખૂબ મહત્ત્વનો સપોર્ટ છે.’

ભૂકંપગ્રસ્તો માટે ફ્રી ફલાઇટની જાહેરાત

તેમણે જણાવ્યું કે, ‘સરકાર અને એનજીઓ બધી જ રાહત સામગ્રીઓ મોકલી રહ્યા છે. સરકારે રાહત કામગીરીમાં સ્થાનિક હોટેલોની પણ મદદ લીધી છે અને એન્ટાલિયા પ્રાંતની હોટલોમાં પીડિતો માટે 52 હજારથી વધારે બેડની વ્યવ્સ્થા કરી છે. દસ જહાજો અને 54 કાર્ગો દ્વારા લોકો સહાય મોકલી રહ્યા છે. 54 હજાર જેટલા ટેન્ટસ અને એક લાખ ઉપરનાં બેડની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત તુર્કીશ એરલાઈન્સ દ્વારા ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં પીડિત સ્નેહીજનો-મિત્રોની મુલાકાત લેવા માગતા લોકો માટે અને ભૂકંપ ઝોનમાંથી બહાર અન્યત્ર ખસેડાતા લોકો માટે ફ્રી ફ્લાઇટની જાહેરાત કરી છે.

હોસ્પિટલની કામગીરી કેવી છે?

વેલ, જ્યારે આટલી માત્રામાં તબાહી થઇ હોય ત્યારે હોસ્પિટલ સ્ટાફ કામગીરી માટે પૂરતો થઇ રહ્યો છે? સ્થાનિકો કહે છે, ‘તુર્કીની હોસ્પિટલ્સ ખૂબ કેપેબલ છે. તમામ પ્રકારની સુવિધાઓથી-લેટેસ્ટ ઉપકરણોથી સજ્જ છે. અમારી પાસે પૂરતો ડૉક્ટર સ્ટાફ છે. અમારી હોસ્પિટલો ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે. મેટ્રોપોલિટન હોસ્પિટલોના નિર્માણના તુર્કી પ્રેસિડન્ટ એર્ડોગનનું મહત્વનું પ્રદાન છે.’

વર્ષ 1999નો એ ભૂકંપ….

તુર્કી માટે ભૂકંપ નવી વાત નથી. તુર્કી ચાર ટેક્ટોનિક પ્લેટોના જંકશન પર વસેલું છે. કોઈપણ પ્લેટમાં જરા પણ હલનચલન થાય એટલે અહીંની ધરા ધ્રૂજી ઊઠે છે. વર્ષ 1939 હોય કે વર્ષ 1999. ભૂકંપ અહીં હજારો જિંદગીઓનો ભોગ લેતો આવ્યો છે. વર્ષ 1939માં તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં કુલ ત્રીસ હજાર કરતાં વધારે માણસોએ પોતાના પ્રાણ ખોયા હતા. વર્ષ 1999ની સત્તરમી ઓગસ્ટ પણ તુર્કી માટે કાળમુખી પુરવાર થઇ. ભયાનક ભૂકંપ આવ્યો. સરકારી ચોપડે જોઇએ તો કુલ સત્તર હજારથી વધુ લોકોનો ભોગ લેવાયો. આ ભૂકંપની દુઃખદ સ્મૃતિઓ હજુ લોકોના માનસપટ પર કબજો જમાવીને બેઠી છે. આ સમયના ભૂકંપની કામગીરીને યાદ કરતાં સ્થાનિક લોકો કહે છે, ‘અત્યારની સરખામણીએ 1999માં દેશ આર્થિક રીતે આટલો સધ્ધર નહોતો. આર્થિક મોરચે ખાસ સહાય નહોતી મળી ત્યારે.’

તુર્કીમાં ભૂકંપ આવ્યો છે પરંતુ ત્યાં સકારાત્મકતા પણ છે અને આ જ સકારાત્મકતા તેઓને જીવતી રાખશે. જો સકારાત્મકતા ગુમાવશે તો આખા તુર્કીનો નાશ થઈ જશે.

આ પણ વાંચો: Valentine’s day/ડાર્ક ચોકલેટ અને હ્રદયનો ગાઢ સંબંધ, સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા જાણીને થશે આશ્ચર્ય