સમસ્યા/ તંત્રની જાણ માટે, સ્થાનિકોના શબ્દોમાં | વેરાવળમાં આ ઘરોમાં બે દિવસથી પાણી ભરાયેલા છે

આદિત્‍ય પાર્ક સોસાયટીના માર્ગો પણ પાણીમાં ગરકાવ થતા લોકોને બહાર નીકળવું કષ્‍ટદાયક બન્યું છે આથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Gujarat Others Trending
વેરાવળ

વેરાવળ-સોમનાથ જોડીયા શહેરમાં બે દિવસથી સવારના સમયે પડી રહેલ ભારે વરસાદના પગલે અનેક વિસ્‍તારો, માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાવવાથી લોકો મુશ્‍કેલીનો સામનો કરી રહયા છે. તેમ છતાં આ મુશ્‍કેલીથી તંત્ર અજાણ હોય તેમ નિકાલ અર્થે કોઇ કામગીરી હાથ ન ઘરતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. આવી જ મુશ્‍કેલીનો સામનો શહેરની મઘ્‍યમાં આવેલી કલ્‍યાણ અને આદિત્‍ય પાર્ક સોસાયટીના રહીશો કરી રહયા છે. વરસાદી પાણીના યોગ્‍ય નિકાલના અભાવે બેટમાં ફેરવાઈ હોય તેવી સ્‍થ‍િતિ જોવા મળી રહી છે. આ સોસાયટીના રહીશોના અનેક ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની ઘરવખરીને નુકસાન થયુ  છે. આ સમસ્‍યા અંગે ફરીયાદો કરી હોવા છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારો કોઇ પ્રત્‍યુતર પણ આપી રહયા નથી. જયારે મત માંગવા આવતા નગરસેવકો પણ ફરકયા ન હોવાથી તેઓ સામે રોષ જોવા મળી રહ્યો છે.

વેરાવળ

પાલીકાના જવાબદાર સત્તાધીશો પાણીનો નિકાલ કયારે કરશો?: સ્થાનિક 

કલ્‍યાણ સોસાયટીમાં રહેતી કાજલબેન પાલાએ જણાવેલ કે, ગઇકાલે સવારે વરસાદ વરસ્‍યો ત્‍યારથી અમારા ઘરમાં પાણી ઘુસી ગયેલ જે સાંજ સુઘી ઉતર્યુ ન હતુ. દરમ્‍યાન આજે સવારે ફરી વરસાદ વરસતા વઘુ પાણી ઘરમાં ઘુસી જતા અમારી ઘરવખરી પલળીને તરી રહી છે. અમારા વિસ્‍તારમાં ભરાયેલ પાણીનો કોઇ નિકાલ ન થતો હોવાથી ગઇકાલે બપોરે અને આજે ફરીયાદ કરવા અંગે અનેકવાર પાલીકાનો સંપર્ક કરેલ તેમ છતા કોઇ પ્રત્‍યુતર મળતો નથી. આવી પરિસ્‍થ‍િતિમાં અમારા વડીલોને લઇને કયાં જવુ તે પ્રશ્ન મુંઝવી રહયો છે. વરસાદ થંભી થયા પછી કલાકોના કલાકો સુઘી અમારા વિસ્‍તારમાં ભરાયેલ પાણીનો નિકાલ કેમ થતો નથી? તેવો અમારો પાલીકા તંત્રને સવાલ છે. જેનો જવાબ આપે તેવી માગણી પણ છે.

વેરાવળ

મુશ્‍કેલી સમયે પ્રજાના સેવકો જ ગુમ થયા: સ્થાનિક

સ્થાનિક ઘનસુખભાઇ જુંગીએ જણાવેલ કે, ચુંટણી સમયે મત લેવા દોડી આવતા નગરસેવકો-નેતાઓ હાલ અમારી સોસાયટીમાં ભરાયેલા વરસાદી પાણીથી મુશ્‍કેલી અનુભવતા લોકોને પછવા પણ દેખાયા નથી. અમારા વિસ્‍તારોની ગટરો સમયસર સાફ ન કરી હોવાથી હાલ જામ થઇ ગઇ છે. જેના કારણે વરસાદી પાણીનો યોગ્‍ય નિકાલ થતો ન હોવાથી અમારા ઘરોમાં પાણી ઘુસી જતા રહીશો મુશ્‍કેલીમાં મુકાયા છે. અમારી સોસાયટીમાં ગોઠણડુબ પાણી ભરાયેલુ હોવાથી બહાર નિકળવામાં પણ મુશ્‍કેલી પડી રહી છે.

વેરાવળ

પાલીકાની અણઘડ કામગીરીથી લોકોને મુશ્‍કેલી: સ્થાનિક

આદિત્‍ય પાર્ક સોસાયટીમાં રહેતા કિશોરભાઇ ખાંભલાએ જણાવેલ કે, ચોમાસા પૂર્વે પાલીકા તંત્ર દ્રારા કોઇ કારણોસર અમારી સોસાયટીના સારા રોડ તોડી નાંખ્‍યા બાદ સમયસર રીપેર કરવાની અને પાણી નિકાલ અંગેની કામગીરી કરવા કોઇ તસ્‍દી ન લીઘી હતી. જેના લીઘે આજે પડેલ વરસાદથી સોસાયટીના મુખ્‍ય માર્ગ ઉપર ગોઠણડુબ પાણી ભરાઇ જતા લોકોને ઘરની બહાર નિકળવામાં હાલાકીનો સામનો કરવો પડી રહયો હતો. આમ પાલીકા તંત્રના વાંકે લોકોને ફરજીયાત ઘરોમાં કેદ થવા જેવી પરિસ્‍થ‍િતિનો સામનો કરવો પડી રહયો છે. પાણી ભરાવવાથી લોકોના વાહનોને પણ ખાસુ નુકસાન પહોચ્‍યુ છે.

વેરાવળ

શહેર જાણે ગંદકી નગર બન્યું હોય તેવા હાલ

અત્રે નોંઘનીય છે કે, પ્રથમ રાઉન્‍ડના વરસાદમાં જ મેઘરાજાએ પાલીકાએ કાગળ ઉપર કરેલ ગટર સફાઇ જેવી પ્રીમોન્‍સુન કામગીરીની પોલ ખોલી નાંખ્‍યાનો નજારો જોડીયા શહેરમાં જયાં જુવો ત્‍યાં જોવા મળી રહયો છે. જોડીયા શહેરની શેરીઓના કે મુખ્‍ય જે માર્ગો ઉપર જુઓ ત્‍યાં વરસાદી પાણી સાથે ગટરોના દુર્ગંઘ મારતા પાણીઓ ફરી વળેલા જોવા મળે છે. તો વરસાદી કચરાના ઢગલાઓ અને કાદવ-કીચડનું સામ્રાજય પણ નજર કરો ત્‍યાં દેખાય છે. આવી પરિસ્‍થ‍િતિ વચ્‍ચે પાલીકાનાં પદાઘિકારીઓ સબસલામત હોવાનો દાવાઓ કરી કામ કરતા હોવાનો દેખાડો કરી રહયા હોય જેની સામે લોકોમાં પ્રંચડ રોષ જોવા મળી રહયો છે.

આ પણ વાંચો : પાટીલે એવો કયો નિર્ણય કર્યો કે જેનાથી લાકડી પણ ના તૂટી અને સાપ પણ મારી ગયો એ કહેવત સાચી ઠરી, જાણો