સુરેન્દ્રનગર/ લીંબડી રાજ મહેલમાં 56 કિલો ચાંદીની ચીજો સહિત એન્ટિક વસ્તુઓની ચોરી

લીંબડી સ્ટેટના રાજવી પરિવારના દિગ ભવન પેલેસમાં તા.16થી 26 ફેબ્રુઆરી વચ્ચે ગ્રાઉન્ડ ફ્લોર પાસે બારીની લોખંડની જાળી તીક્ષ્ણ હથિયાર વડે કાપીને ચોર ટોળકી મહેલમાં દાખલ થઈ હતી

Gujarat
10 2 લીંબડી રાજ મહેલમાં 56 કિલો ચાંદીની ચીજો સહિત એન્ટિક વસ્તુઓની ચોરી

લીંબડી સ્ટેટના રાજવી પરિવારના દિગ ભવન પેલેસમાં તા.16થી 26 ફેબ્રુઆરી વચ્ચે ગ્રાઉન્ડ ફ્લોર પાસે બારીની લોખંડની જાળી તીક્ષ્ણ હથિયાર વડે કાપીને ચોર ટોળકી મહેલમાં દાખલ થઈ હતી. તસ્કરોએ પેલેસના પ્રથમ અને બીજા માળે દસેક જેટલા સ્ટોર રૂમના તાળાં તોડી નાંખ્યા હતા. અલગ-અલગ સ્ટોરમાં રાખેલી વસ્તુ ફંફોળીને સામાનને અસ્ત-વ્યસ્ત કરી નાંખ્યો હતો.

મહેલના બીજા માળે સ્ટોર રૂમમાં પતરાની 4 પેટીમાંથી 56 કિલો 150 ગ્રામ ચાંદીની 45 ચીજ વસ્તુઓની ચોરી કરી હતી. સાથે રાજમાતા સાહેબના સમયના 2 રેડિયો, હાર્મોનિયમ અને બેન્જો જેવી એન્ટિક ચીજવસ્તુઓની ચોરી કરી તસ્કર ટોળકી ભાગી છૂટી હતી. મહેલમાં કામ કરતા બહેને તૂટેલી બારી જોઈને કશું બન્યું હોવાનું લીંબડી સ્ટેટ જયદીપસિંહ ઝાલાને જણાવ્યું હતું.

લીંબડી સ્ટેટની સ્કૂલનું સંચાલન કરતા નટુભા ઝાલાએ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ડીવાયએસપી સી.પી.મુંધવાની સુચનાને ધ્યાનમાં રાખીને પીએસઆઈ વી.એન.ચૌધરી ટીમ ડોગ સ્કવોર્ડ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

વર્ષ-1960માં રાજસ્થાન જેસલમેરમાં રહેતા લીંબડી સ્ટેટ જયદીપસિંહબાપુના નાનાજીએ તેમના બહેન (જયદીપસિંહના મમ્મી)ને કરિયાવરમાં રાજાશાહી વખતની શુદ્ધ ચાંદીની ફુલદાની, ચુસ્કી, જારી, ટ્રે, હેફ ગ્લાસ, પ્યાલા, કટોરી, વાઈનકપ, ફોટોફ્રેમ, પલંગ પાયા સહિતની એન્ટિક વસ્તુઓ સાથે જ સદ્દગત ઠાકોરસાહેબ જસવંતસિંહજી બાપુની પિતળની પગ પાદુકાઓ અને રાજમાતાની એન્ટિક વસ્તુઓની ચોરી થઈ હતી.
રાજ મહેલમાં આવતી કોઈ જાણભેદુ ચોરીમાં સામેલ હોય શકે છે

જયદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે  ચોરી એક રાતમાં થઈ હોય તે શક્ય નથી. તસ્કરો 3થી 4 રાત્રે મહેલમાં ઘૂસીને ચોરી કરી હશે એવું લાગે છે. પેલેસમાં આવતી-જતી કોઈ જાણભેદુ વ્યક્તિ ચોરીમાં સંડોવાયેલ હોય તેવું પણ બની શકે છે. કારણ કે ચોર ટોળકી મહેલમાં દાખલ થઈ, ચોરી કરીને બહાર નીકળી તે મહેલના એકપણ સીસીટીવી કેમેરામાં દેખાઈ નથી.

રાજાશાહી વખતની શુદ્ધ ચાંદીની કિંમત આંકવી મુશ્કેલ

લીંબડીના દેવાભાઇ સોનીએ કહ્યું કે રાજાશાહી વખતની શુદ્ધ ચાંદી કે એન્ટિક વસ્તુ અમુલ્ય હોય છે. રજવાડા વખતની ચાંદીની કિંમત આંકવી મુશ્કેલ છે. પરંતુ તા.1 માર્ચે ચાંદીના 1 કિલોનો ભાવ રૂ.65,500 છે. જેટલા કિલો ચાંદીની ચોરી થઈ છે તેની આજની તારીખમાં કિંમત 36 લાખથી વધુ થાય છે. એન્ટિક વસ્તુઓની કિંમત થઈ શકે તેમ જ નથી.

જૂના-નવા સ્ટાફની પુછપરછ કરી આગળ વધીશું

જયારે લીંબડીના પીએસઆઈ વી.એન.ચૌધરીએ જણાવ્યું કે  ચોર ટોળકી મહેલની પાછળના ભાગથી પ્રવેશી હોય તેવું પ્રાથમિક તપાસમાં લાગે છે. એફએસએલ ટીમની પણ મદદ લેવાશે. પેલેસમાં કામ કરતા જૂના અને નવા સ્ટાફની પુછપરછ કરવામાં આવશે. સુરેન્દ્રનગર સહિત અન્ય જિલ્લામાં રાજ મહેલમાં થયેલી ચોરીની ઘટનામાં સામેલ શખ્સો પણ હોઈ શકે છે.
(ફોટો લાઈન) લીંબડી રાજ મહેલમાં ચાંદી સહિત એન્ટિક વસ્તુઓની ચોરી થઈ હતી.