આ મંદિર બેંગકોકથી 140 કિમી દૂર કંચનાબુરીમાં છે. ટાઈગર ટેમ્પલ તરીકે પ્રખ્યાત આ મંદિરના પરિસરમાં પ્રકૃતિમાં હિંસક ગણાતા વાઘ અને મનુષ્યો એકસાથે રહે છે. આ ખાસિયતને કારણે દેશ-દુનિયામાંથી અનેક લોકો આ મંદિરને જોવા આવે છે. પ્રાચીન મંદિરો તેમની વિશિષ્ટતા તેમજ તેમના રહસ્યો માટે જાણીતા છે. આવું જ એક મંદિર બેંગકોકમાં છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં મનુષ્ય અને વાઘ એક સાથે રહે છે. થોડું અવિશ્વસનીય લાગે છે, પરંતુ તે સાચું છે!
જો તમને વાઘમાં રસ હોય અને તમે વાઘને નજીકથી જોવા માંગતા હોવ, તેમની સાથે રમવા માંગતા હોવ અથવા તેમની સાથે ફોટા પડાવવા માંગતા હો, તો તમારે કોઈપણ ઝૂને બદલે થાઈલેન્ડના ટાઈગર ટેમ્પલમાં જવું જોઇયે. ટાઈગર ટેમ્પલ થાઈલેન્ડના કંચનાબુરી પ્રાંતમાં આવેલું છે, જે થાઈલેન્ડ-બર્મા બોર્ડર પાસે છે. તેને ‘વાટ પા લુઆંગ તા બુઆ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર વિદેશી પર્યટકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર છે.
વાઘ મંદિર વાસ્તવમાં એક બૌદ્ધ મંદિર છે. જેની સ્થાપના 1994માં કરવામાં આવી હતી. આ મંદિરની સ્થાપના સાથે, બૌદ્ધ સાધુઓએ તેને વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમ સાથે જોડ્યું. શરૂઆતમાં માત્ર થોડા નાના જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ હતા. 1999માં અહીં પહેલીવાર વાઘનું બચ્ચું આવ્યું હતું, જેને ગ્રામીણ દ્વારા જંગલમાંથી લાવવામાં આવ્યું હતું. તેની માતાની શિકારીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે થાઈલેન્ડમાં દાણચોરી માટે મોટા પ્રમાણમાં પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે. જો કે, તે બાળક લાંબું જીવ્યું નહીં. પરંતુ તે પછી ગામલોકો દ્વારા વાઘના અનાથ બાળકોને આ મંદિરમાં લાવવામાં આવ્યા.
ધીમે ધીમે આ મંદિરમાં વાઘની સંખ્યા ઘણી વધી ગઈ અને તેનું નામ ટાઈગર ટેમ્પલ પડ્યું. હાલમાં અહીં 150થી વધુ વાઘ છે. આ વાઘની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમને બૌદ્ધ સાધુઓ દ્વારા એવી રીતે તાલીમ આપવામાં આવે છે કે તેઓ મનુષ્યો સાથે ભળી જાય અને તેમને કોઈપણ રીતે નુકસાન ન પહોંચાડે.
વાઘ મંદિરની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ વાઘ સાથે રમે છે અને તેમના ફોટા પડાવે છે. આ મંદિર થાઈલેન્ડનું મુખ્ય પ્રવાસી આકર્ષણ બની ગયું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં આવે છે. આજ સુધી વાઘે કોઈને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી.