Kenya Helicopter Crash: કેન્યાના સામ્બુરુ કાઉન્ટીમાં બુધવારે પ્રવાસીઓને લઈ જતું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં સાત લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ઇક્વાડોરના નેશનલ ઇન્ટેલિજન્સ સેન્ટરના વડા મિશેલ સેન્સી-કોન્ટુગી, તેમની પત્ની સ્ટેફની અને પાંચ અમેરિકન નાગરિકોનો સમાવેશ થાય છે.
કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટી (KCAA) મુજબ, નૈરોબીથી ઉત્તર તરફ આવેલા સામ્બુરુ કાઉન્ટીમાં લોઇસાબા વાઇલ્ડલાઇફ રિઝર્વથી હેલિકોપ્ટરે સવારે આશરે 9:13 વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન બાદ થોડા સમય પછી જ અકસ્માત સર્જાયો હતો.
અકસ્મતમાં હેલિકોપ્ટરમાં સવાર એક પાઇલટ સહિત તમામ સાત લોકોનાં મોત થયાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ખરાબ હવામાન, અંધારું અને દુર્ગમ ભૂપ્રદેશને કારણે બચાવ અને શોધ કામગીરીમાં મુશ્કેલી ઊભી થઈ હતી.
કેન્યા રેડ ક્રોસ દ્વારા જાહેર કરવામાં આવેલા દૃશ્યોમાં ક્રેશ બાદ સ્થળ પર આગ લાગેલી જોવા મળી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેસ્ક્યૂ ટીમને ભારે પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ અકસ્માતમાં પાંચ અમેરિકન નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે. જોકે, તેમની ઓળખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ, સ્પેનિશ ભાષાના મીડિયા અહેવાલોમાં ફ્લોરિડામાં રહેતા ટેલિમુન્ડોના એક વરિષ્ઠ મેનેજર જોસ આલ્બર્ટો સુઆરેઝનું નામ સામે આવ્યું છે.
ઇક્વાડોરના પરિવહન મંત્રી રોબર્ટો લુકેએ પણ ઇક્વાડોરના ગુપ્તચર વડા મિશેલ સેન્સી-કોન્ટુગી અને તેમની પત્નીના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
સામ્બુરુ વિસ્તાર તેની કુદરતી સુંદરતા અને વન્યજીવન માટે જાણીતો છે. અહીં પ્રવાસીઓ માટે હેલિકોપ્ટર મારફતે એરિયલ ટૂરની સુવિધા પણ ઉપલબ્ધ છે. હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમેરિકામાં અપાચે હેલિકોપ્ટર ક્રેશ; બે પાયલટના મોત, ખેતરમાં ફાટી નીકળી ભીષણ આગ
આ પણ વાંચો: અરબ સાગરમાં અમેરિકી નેવીનું હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ ક્રૂ સભ્યોનો બચાવ
આ પણ વાંચો: ચીનમાં મોતનો લાઈવ તાંડવ! હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ પણ એન્જિન ચાલુ રહેતાં પાયલટ લોહીલુહાણ
