World News/ સાઉદીના MBSને મોટો ઝટકો? UAEએ કિંગ સલમાન સાથે સીધો સંપર્ક કર્યો

UAEના રાષ્ટ્રપતિ દ્વારા સઉદી કિંગ સલમાનને સીધો પત્ર મોકલવામાં આવતા, ક્રાઉન પ્રિન્સ MBS ને બાજુ પર મૂકીને સંબંધો સુધારવાની ચર્ચાઓ શરૂ થઈ છે. જાણો વિગતવાર અહેવાલ.

international Top Stories World
UAE

UAE Saudi Arabia Relations Tension MBS: ખાડીના બે મહત્વપૂર્ણ દેશો સાઉદી અરેબિયા અને UAE વચ્ચેના સંબંધોમાં વધતા તણાવની ચર્ચા વચ્ચે એક મહત્વપૂર્ણ રાજદ્વારી ઘટનાએ ધ્યાન ખેંચ્યું છે. યુનાઈટેડ આરબ અમીરાત (United Arab Emirates)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદે સાઉદી અરેબિયાના કિંગ સલમાનને પત્ર મોકલ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ પત્ર રિયાધમાં UAEના રાજદૂત માતેર સેલેમ અલી મર્રાન અલ-ધેહેરીએ સાઉદીના ઉપ વિદેશમંત્રી વલીદ અલ-ખુરેજીને સોંપ્યો હતો.

કિંગ સલમાનને સીધો સંદેશ કેમ?

સાઉદી મીડિયા અહેવાલો મુજબ, પત્રમાં બંને દેશો વચ્ચેના સંબંધોની સ્થિતિ અંગે વાત કરવામાં આવી હતી. જોકે, UAEની સત્તાવાર સમાચાર એજન્સી WAMએ જણાવ્યું હતું કે આ પત્ર ડિસેમ્બરમાં યુનાઈટેડ આરબ અમીરાત (United Arab Emirates)માં યોજાનારી સંયુક્ત રાષ્ટ્રની જળ પરિષદમાં ભાગ લેવા માટે કિંગ સલમાનને આપવામાં આવેલું વ્યક્તિગત આમંત્રણ હતું. આ ઘટનાને લઈને કેટલાક પશ્ચિમી અને ખાડી ક્ષેત્રના રાજદ્વારી વર્તુળોમાં અલગ અર્થઘટન થઈ રહ્યું છે. કેટલાક અધિકારીઓના મતે, UAEએ સાઉદીના વાસ્તવિક સત્તાકેન્દ્ર ગણાતા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન એટલે કે MBSને બદલે સીધા કિંગ સલમાન સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે. જોકે, આ દાવાની સ્વતંત્ર સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

UAE

MBS સાઉદીના મુખ્ય નિર્ણયકર્તા

કિંગ સલમાન 2015માં સત્તા પર આવ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જાહેર જીવનમાં તેમની હાજરી મર્યાદિત રહી છે. બીજી તરફ તેમના પુત્ર મોહમ્મદ બિન સલમાન સરકારના મોટા ભાગના મહત્વપૂર્ણ કામકાજ સંભાળે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સાઉદી અરેબિયાનું પ્રતિનિધિત્વ પણ કરે છે. એવામાં UAEના રાષ્ટ્રપતિનો સીધો કિંગને પત્ર મોકલવાનો નિર્ણય રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

યમન અને સુદાન મુદ્દે બંને દેશો આમને-સામને

સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ અમીરાત (United Arab Emirates) અગાઉ નજીકના સહયોગી રહ્યા છે, પરંતુ યમન અને સુદાન જેવા મુદ્દાઓ પર બંને દેશોના હિતો અલગ પડ્યા છે. યમનમાં UAE સમર્થિત અલગતાવાદી જૂથો સામે સાઉદી કાર્યવાહી કરી ચૂક્યું છે. બીજી તરફ સુદાનના ગૃહયુદ્ધમાં પણ બંને દેશો અલગ-અલગ પક્ષોને સમર્થન આપતા હોવાના અહેવાલો છે. આ પહેલાં સાઉદી ક્રાઉન પ્રિન્સે યુનાઈટેડ આરબ અમીરાત (United Arab Emirates)ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તહનૂન બિન જાયદ મારફતે યમન અને સુદાનમાં યુનાઈટેડ આરબ અમીરાત (United Arab Emirates)ની ભૂમિકા અંગે રિયાધની ચિંતાઓ વ્યક્ત કરી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

હવે કિંગ સલમાનને મોકલવામાં આવેલા આ પત્રને કારણે UAE-સાઉદી સંબંધોમાં વાસ્તવમાં કેટલો તણાવ છે અને બંને દેશો વચ્ચે આગામી દિવસોમાં કઈ દિશામાં વાતચીત આગળ વધે છે, તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો: નેપાળમાં પૂરની તબાહી વચ્ચે તિબેટમાં 5.0નો ભૂકંપ, લાપતા લોકોની આશા ધૂંધળી

આ પણ વાંચો:વિનાશક પૂર-ભૂસ્ખલનથી નેપાળમાં તારાજી, 1200થી વધુનાં મોત અને 4000થી વધુ લાપતા

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ તૂર્કિયેનો બદલાયો સૂર, ભારત સાથે સંબંધો સુધારવા તૈયાર!