Jamnagar/ PM મોદી આજે જામનગર-અમદાવાદ વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી, આ સ્થળોએ અપાયું છે સ્ટોપેજ

આ 9 વંદે ભારત સંચાલિત થયા બાદ દેશમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 પર પહોંચી જશે

Top Stories Gujarat Others
PM Narendra Modi to flag off Jamnagar Ahmedabad Vande Bharat PM મોદી આજે જામનગર-અમદાવાદ વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી, આ સ્થળોએ અપાયું છે સ્ટોપેજ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવ જેટલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. જેમાં સૌરાષ્ટ્રને પહેલી અને ગુજરાતને ત્રીજી વંદે ભારત ટ્રેન મળશે. વડાપ્રધાન દ્વારા ફ્લેગ ઓફ કરતા વંદે ભારત ટ્રેન બપોરે જામનગરથી અમદાવાદ આવા રવાના થશે.

PM મોદી આજે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે જેમાં અમદાવાદ-જામનગર, ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ-બેંગ્લોર, વિજયવાડા-ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કસરાગોડ-તિરુવનંત વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે. આ 9 વંદે ભારત સંચાલિત થયા બાદ દેશમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 પર પહોંચી જશે.

વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ કરતા વંદે ભારત ટ્રેન બપોરે જામનગરથી અમદાવાદ આવા રવાના થશે જે સાંજે છ વાગ્યે કાલુપુર રેલવે સ્ટેશન પર પહોંચશે. રેલવે સ્ટેશન પર ભાજપના નેતાઓ દ્વારા મુસાફરોનું સ્વાગત કરવામાં આવશે. સોમવારથી જામનગર-અમદાવાદ વચ્ચેની વંદે ભારત ટ્રેન રેગ્યુલર દોડશે.

ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવે તે પહેલા અમદાવાદથી વિરમગામ વચ્ચે ટ્રાયલ લેવાઈ હતી. ટ્રાયલમાં સ્પીડ ટેસ્ટ સહિત સુરક્ષા અને તમામ બાબતની ખાતરી કરવામાં આવી હતી. જોકે પશ્ચિમ રેલવે દ્વારા હજી સુધી વંદે ભારત ટ્રેનના ભાડા અંગેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

પશ્ચિમ રેલવેએ જાહેર કરેલી અખબારી યાદી મુજબ, ટ્રેન નંબર 22925 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે.

આ ટ્રેન અમદાવાદથી 17.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.35 કલાકે જામનગર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન જામનગરથી 05.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને બુધવારે નહીં ચાલે.

આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. ટ્રેન નંબર 22925 અને 22926 માટે બુકિંગ 24 સપ્ટેમ્બર, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

ટ્રેનની શું છે ખાસિયત
વંદે ભારત ટ્રેન આધુનિક સુવિધાથી સજ્જ છે. ટ્રેનમાં આરામદાયક સીટ, સ્લાઇડિંગ દરવાજા, વ્યક્તિગત રીડિંગ લાઇટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ડોર, સીસીટીવી કેમેરા વગેરે જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.