આણંદ જિલ્લાની વાસદ પોલીસે ગતરોજ ટોલનાકા નજીકથી મીણીયાની કોથળીઓ સાથે બાંધીને લવાયેલ વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્શોને ઝડપી પાડયા હતા. પોલીસે બોલેરો કાર સહિત વિદેશી દારૂનો જથ્થો મળી કુલ્લે રૂા.૩.૫૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાસદ પોલીસની ટીમ ગઈકાલ સાંજના સુમારે ટોલનાકા ખાતે વાહન ચેકિંગમાં હતી. દરમ્યાન વડોદરા તરફથી એક બોલોરે પીકઅપ આવી ચઢતા પોલીસે તેને શંકાને આધારે અટકાવી તલાશી લેતાં પાછળના ભાગે મીણીયાની કોથળીઓ ભરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. જો કે પોલીસને શક જતા પોલીસે મીણીયાની કોથળીઓ હટાવી તપાસ કરતા વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બોલેરો કારના ચાલક સહિત બંને શખ્શોના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે આશીષ દામજીભાઈ ભાનુશાલી અને દિનેશકુમાર લક્ષ્મીદાસ ભાનુશાલી (બંને રહે.અંજાર, જિ.કચ્છ) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર પોલીસ મથકે લાવી તપાસ કરતા અંદરથી વિવિધ બ્રાન્ડની કુલ ૧૨૦ નંગ બોટલો મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂા.૫૯૬૦૦ જેટલી થવા જાય છે. પોલીસે બંને શખ્શો પાસેથી બે મોબાઈલ તથા વિદેશી દારૂનો જથ્થો અને બોલેરો કાર મળી કુલ્લે રૂા.૩,૭૭,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો તેઓ સેલવાસથી લઈ કચ્છના અંજાર ખાતે જતા હોવાની કબુલાત કરી હતી.