બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરીના કૈફને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલામાં વિકીએ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પછી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી. આદિત્ય રાજપૂત નામના વ્યક્તિ પર સોશિયલ મીડિયા પર ધમકી આપવાનો આરોપ છે. વિકી કૌશલની ફરિયાદના આધારે પોલીસ આદિત્ય વિરુદ્ધ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વિકી કૌશલ અને કેટરીના કૈફ ગયા વર્ષે 9 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ બંને સ્ટાર્સ તેમના નજીકના મિત્રો સાથે કેટરીનાનો જન્મદિવસ મનાવવા માટે માલદીવ ગયા હતા. 16 જુલાઈએ કેટરિનાએ તેનો 39મો જન્મદિવસ ઉજવ્યો. ત્યાંથી બંને સ્ટાર્સની ઘણી ખાસ તસવીરો પણ સામે આવી હતી.
સલમાન ખાનને ધમકીઓ મળી છે
આ પહેલીવાર નથી જ્યારે કોઈ સ્ટારને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. તાજેતરમાં જ અભિનેતા સલમાન ખાનને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ મામલામાં સલમાન ખાન તરફથી પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા સલમાન ખુદ મુંબઈના પોલીસ કમિશનરને મળ્હયા હતા. અહેવાલો અનુસાર, તેણે બંદૂકના લાયસન્સ માટે પણ અરજી કરી હતી.