Mahesana News/ સુરતની ઘટનાના મહેસાણામાં પડઘા, વિસનગરના બાજીપુરા ગામે એકસૂરે કર્યો મતદાનનો બહિષ્કાર

સુરતના અલથાણમાં સગીરાની છેડતી અને ત્યારબાદ થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં મહેસાણાના Visnagarના બાજીપુરા ગામે મતદાનનો બહિષ્કાર કર્યો છે. જાણો શું છે પૂરો મામલો.

Others Top Stories Gujarat
Visnagar Bajipura Village Voting Boycott:

Visnagar Bajipura Village Voting Boycott: સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીની ઘટનાએ હવે રાજકીય અને સામાજિક વળાંક લીધો છે. સુરતમાં બનેલી આ ઘટનાના વિરોધમાં મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બાજીપુરા ગામના ગ્રામજનોએ એકસૂરે મતદાનનો બહિષ્કાર કર્યો છે. પીડિતા બાજીપુરા ગામની વતની હોવાથી અને સુરતમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર થયેલા પોલીસ લાઠીચાર્જથી રોષે ભરાયેલા ગ્રામજનોએ આજે લોકશાહીના પર્વથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી એટલાન્ટા મોલ પાસેની એક ટ્યુશન ક્લાસમાંથી 12 વર્ષીય સગીરા ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન અઝીઝ ઈમ્તિયાઝ નામના શખ્સે સગીરાની છેડતી કરી હતી. સગીરાએ હિંમત બતાવી બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને આરોપીને પકડીને મેથીપાક ચખાડ્યો હતો.

પોલીસ સ્ટેશન પર હંગામો અને લાઠીચાર્જ

આ ઘટના બાદ જ્યારે પોલીસ આરોપીને લઈ જઈ રહી હતી ત્યારે રોષે ભરાયેલા ટોળાએ વિરોધ કર્યો હતો. મોડી રાત્રે અલથાણ પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી જોઈ પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટિયર ગેસના શેલ પણ છોડ્યા હતા. આ કાર્યવાહીમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચારથી પીડિતાના વતન બાજીપુરામાં ભારે રોષ ફેલાયો હતો.

Visnagarના બાજીપુરા ગામે કેમ કર્યો બહિષ્કાર?

પીડિત સગીરા વિસનગરના બાજીપુરા ગામની દીકરી હોવાથી સમગ્ર ગામમાં શોક અને રોષનું મોજું ફરી વળ્યું છે. ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે કે દીકરીની છેડતી કરનાર વિધર્મી સામે કડક કાર્યવાહી કરવાને બદલે ન્યાય માંગતા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સુરક્ષિત ગુજરાતના દાવાઓ વચ્ચે દીકરીઓ પર વધી રહેલા અત્યાચાર અને પોલીસની આ દમનકારી નીતિના વિરોધમાં આજે ગામના એક પણ મતદારે મતદાન મથક સુધી ન જવાનો મક્કમ નિર્ણય લીધો છે.

તંત્ર દ્વારા સમજાવટના પ્રયાસો

ગામમાં મતદાનનો શૂન્ય આંકડો જોઈને વહીવટી તંત્ર અને પોલીસ કાફલો બાજીપુરા પહોંચ્યો હતો. અધિકારીઓએ ગ્રામજનોને સમજાવવા અને મતદાન કરવા વિનંતી કરી હતી, પરંતુ ગ્રામજનો પોતાની માંગ અને વિરોધ પર અડગ રહ્યા હતા. સુરતના આ કિસ્સાએ હવે ઉત્તર ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે.


આ પણ વાંચો:રાજકોટમાં ચૂંટણી સાથે ગરમીનો ડબલ ચેલેન્જ, બપોરે તાપમાન 43 ડિગ્રી પહોંચવાની શક્યતા

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મતદાન કર્યું

આ પણ વાંચો:રાજકોટમાં મતદાન વચ્ચે હંગામો! વોર્ડ નંબર 15ના કોંગ્રેસ ઉમેદવાર સહિત 20ની અટકાયત