અગ્રણી અધિકાર કાર્યકર્તા અને નોબલ શાંતિનો પારિતોષિક જીતનાર મલાલા યુસુફઝઈએ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પર આઘાત વ્યક્ત કર્યો છે, અને મલાલાએ કહ્યું કે તે અશાંત દેશમાં રહેતી મહિલાઓ, લઘુમતીઓ અને માનવાધિકાર કાર્યકરો માટે ચિંતિત છે. છોકરીઓના શિક્ષણ માટે અવાજ ઉઠાવવા બદલ પાકિસ્તાનની મલાલાને સ્વાત વિસ્તારમાં તાલિબાન આતંકવાદીઓએ માથામાં ગોળી મારી હતી. ગંભીર રીતે ઘાયલ મલાલાને પહેલા પાકિસ્તાનમાં સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ તેને વધુ સારી સારવાર માટે બ્રિટન લઈ જવામાં આવી હતી.
હુમલા બાદ તાલિબાને એક નિવેદન બહાર પાડ્યું હતું કે જો મલાલા બચી જશે તો તે તેના પર ફરી હુમલો કરશે. મલાલાએ વૈશ્વિક અને પ્રાદેશિક શક્તિઓ પાસેથી તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી અને અફઘાનિસ્તાનમાં નાગરિકોને મદદ કરવાની અપીલ કરી.તેમણે રવિવારે ટ્વિટ કર્યું, ‘તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે અને અમે આઘાતમાં આ જોઈ રહ્યા છીએ. હું મહિલાઓ, લઘુમતીઓ અને માનવાધિકાર કાર્યકરો માટે ચિંતિત છું. મલાલાએ લખ્યું, ‘વૈશ્વિક અને પ્રાદેશિક દળોએ તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરવી જોઈએ. તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડો, શરણાર્થીઓ અને નાગરિકોનું રક્ષણ કરો.
ઉલ્લેખનીય છે્ કે વિદેશી સૈનિકો અફઘાનિસ્તાન છોડતાની સાથે જ તાલિબાને દેશ પર કબજો કરી લીધો હતો અને રવિવારે તેઓ રાજધાની કાબુલ પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો હતો. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો છે અને હવે દેશમાં સર્વત્ર અરાજકતાનું વાતાવરણ છે.