Ahmedabad News : અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં કાર ચોરી(Theft)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાસ વાત એ છે કે ચોરી કરવા આવેલા શખ્સો પોતે પણ ક્રેટા કારમાં આવ્યા હતા અને બીજી ક્રેટા કાર ચોરીને ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, નારણપુરામાં રહેતા પ્રશાંત રાજ્યગુરુએ 2024માં તેમની ક્રેટા કાર ખરીદી હતી. 17 એપ્રિલ, 2026ના રોજ તેમણે કારને ઘરની બહાર પાર્ક કરી હતી. પરંતુ 20 એપ્રિલની વહેલી સવારે જ્યારે તેઓ પોતાના ભાઈને લેવા માટે બહાર નીકળ્યા ત્યારે તેમની કાર ગાયબ હતી.

ઘટનાની તપાસ દરમિયાન સામે આવ્યું કે કાર સાથે જ મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ ચોરી(Theft) થઈ ગયા હતા, જેમાં ડ્રાઈવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ અને ઈલેક્શન કાર્ડનો સમાવેશ થાય છે.
આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં જોવા મળે છે કે ચોરો મોઢે બુકાની બાંધીને આવ્યા હતા અને કોઈ અવાજ ન થાય તે માટે કારને ધક્કા મારીને લઈ ગયા હતા.
નારણપુરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે અને CCTV ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
