MANTAVYA Vishesh/ ચીનનું એક જાસૂસી જહાજ હિન્દ મહાસાગરમાં ; 5 વર્ષમાં ભારતની આસપાસ ફરકવાનો આ ચીનનો છઠ્ઠો પ્રયાસ

ચીનનું એક જાસૂસી જહાજ 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિન્દ મહાસાગરમાં પ્રવેશી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં ભારતની આસપાસ ફરકવાનો આ ચીનનો આ છઠ્ઠો પ્રયાસ છે

Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh

ચીનનું એક જાસૂસી જહાજ 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિન્દ મહાસાગરમાં પ્રવેશી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં ભારતની આસપાસ ફરકવાનો આ ચીનનો આ છઠ્ઠો પ્રયાસ છે. તેનો ઉદ્દેશ્ય ભલે ભારતની જાસૂસી કરવાનો હોય, પરંતુ આ વખતે તેનું ઠેકાણું બદલાઈ ગયું છે. ઓપન સોર્સ ઈન્ટેલિજન્સ કંપની OSINT ડિફેન્ડરે દાવો કર્યો છે કે ચીનનું જાસૂસી જહાજ ‘જિયાંગ યાંગ હોંગ 03’ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં માલદીવ્સ પહોંચી જશે. ચાર મહિના પહેલાં શ્રીલંકાએ ચીનના જાસૂસી જહાજને તેના બંદર પર ઉભા રહેવાની ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં ભારત-માલદીવ્સ વિવાદ વચ્ચે ચીનના જાસૂસી જહાજનું માલદીવ્સ આવવું ચિંતાનો વિષય છે.

OSINT ડિફેન્ડરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કહ્યું છે કે ચીની રિસર્ચશિપ ‘જિયાંગ યાંગ હોંગ 03’ હિન્દ મહાસાગરમાં પ્રવેશી ચૂક્યું છે. સોમવારે આ જહાજ ઈન્ડોનેશિયાના સુંડા સ્ટ્રેટથી હિન્દ મહાસાગરમાં એન્ટ્રી કરી છે. તેનું ઠેકાણું માલદીવ્સની રાજધાની માલે નજીક હોવાનું કહેવાય છે. આ પહેલીવાર નથી જ્યારે ચીનનું જાસૂસી જહાજ ભારતના ચક્કર લગાવી રહ્યું હોય. અગાઉ 2019 અને 2020માં પણ આ જહાજ હિન્દ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં દરિયાઈ સર્વેક્ષણ માટે જોવા મળ્યું હતું. ત્યારે એક અહેવાલ મુજબ ભારત સરકારના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે જાસૂસી જહાજ માલદીવ્સ તરફ આગળ વધી રહ્યું છે. એક ભારતીય અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે આ એક રૂટિન મૂવમેન્ટ હોઈ શકે છે. જો કે ભારતીય નેવી આ જહાજ પર ચાંપતી નજર રાખી રહી છે.

તો ડિફેન્સ એક્સપર્ટ જે.એસ.સોઢી ચીની જાસૂસી જહાજને માલદીવ્સ પહોંચવાને માત્ર એક રૂટિન મૂવમેન્ટ માનવાથી ઈનકાર કરે છે. તેમનું કહેવું છે કે ચીન કોઈપણ યુદ્ધ કે અન્ય બાબતોની તૈયારી દાયકાઓ પહેલાથી જ શરૂ કરી દે છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી હિન્દ મહાસાગરમાં ચીની જાસૂસી જહાજોની તહેનાતીમાં નોંધપાત્ર વધારો થયો છે. હિન્દ મહાસાગરમાં આ જાસૂસી જહાજોની મોટાભાગની હાજરી ભારતની આસપાસ જોવા મળી છે. આ ચીની જહાજો સમુદ્રમાં ટ્રાવેલ કરતી વખતે માત્ર રિસર્ચ જ નથી કરતા પરંતુ જરૂરી ડેટા પણ એકત્રિત કરે છે. આ માટે તેમાં શક્તિશાળી ઉપકરણ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ચીની જાસૂસી જહાજો તેમના દરિયાઈ માર્ગમાં તહેનાત અન્ય કોઈપણ દેશના જહાજો અને સબમરીનને પણ શોધી કાઢે છે. આ જહાજ સમુદ્રની અંદરની દરેક વસ્તુને ટ્રેક કરે છે.અને દરિયાઈ માહિતીને ચીનને મોકલી રહ્યું છે. જેથી સમય આવે ત્યારે આ માહિતીનો ઉપયોગ કરીને ચીનની સબમરીન હિન્દ મહાસાગરમાં પોતાના ઉદ્દેશ્યમાં સફળ થઈ શકે.

જેએસ સોઢી જણાવે છે કે ચીન ભારતને જમીન અને સમુદ્ર બંને જગ્યાએ ઘેરવા માગે છે. ચીને આપણને સમુદ્રમાં ઘેરવા માટે ત્રણ મુખ્ય બંદર-પાકિસ્તાનમાં ગ્વાદર, શ્રીલંકામાં હંબનટોટા અને બાંગ્લાદેશમાં કોક્સ બજાર બનાવ્યું છે. આ સિવાય હવે ચીન ભારતના નજીકના વધુ બંદર માલદીવ્સમાં લામૂ એટૉલ અને મ્યાન્મારમાં ક્યાઉકફ્યૂ બનાવી રહ્યું છે. હિન્દ મહાસાગરમાં ચીનના જાસૂસી જહાજોનો પ્રવાસ આ કડીનો એક ભાગ છે. ચીની જાસૂસી જહાજ માલદીવ્સની નજીક આવવાથી ભારતનું સમગ્ર પશ્ચિમી નેવલ ફ્રન્ટ ચીની જહાજની રેન્જમાં આવી જશે. માલદીવ્સ ભારતથી માત્ર 300થી 400 કિલોમીટર દૂર છે. આવી સ્થિતિમાં તે સરળતાથી ભારતની નજીક આવી શકે છે અને જરૂરી માહિતી એકત્રિત કરી શકે છે.

વેપારની દૃષ્ટિએ પણ હિન્દ મહાસાગર અને માલદીવ્સની નજીકનો દરિયાઈ વિસ્તાર ભારત માટે ખૂબ જ ખાસ છે. ભારત મોટાભાગનું તેલ અહીંથી આયાત કરે છે. આવી સ્થિતિમાં જો અહીં ચીનના જહાજોની હાજરી જોવા મળે તો ભારતને મોટો ખતરો છે. આ સિવાય છેલ્લા કેટલાક દિવસોમાં ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે,ત્યારે માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઈજ્જૂ ભારતને પોતાના સૈનિકો પરત ખેંચવા માટે 15 માર્ચ સુધીની સમયમર્યાદા આપી છે. તે જ સમયે, માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂ, આ મહિનાની શરૂઆતમાં ચીનની પાંચ દિવસની રાજકીય યાત્રાથી પરત ફર્યા છે. કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા અને નાયબ વિદેશ મંત્રી સન હૈયાન હાલમાં માલદીવ્સમાં છે. ત્યારે સોમવારે રાષ્ટ્રપતિ મુઇજ્જૂને મળ્યા બાદ હૈયાને કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા પર સહમતિ બની છે. આ કારણોસર પણ તે ભારત માટે ચિંતાનો વિષય છે.

આપને જણાવી દઈએ કે આ 8 વર્ષમાં છઠ્ઠી વખત ચીની જહાજ ભારતની જાસુસીની ફિરાકમાં છે.. 2014 માં કોલંબોમાં ચીની સબમરીન ચાંગઝેગ -2 હંબનટોટા બંદર પાસે આવી ગઈ હતી અને ત્યારે ભારત સરકારે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી… 2019 પણ ભારતીય નેવીએ આંદમાન ટાપુઓની નજીક આવતા ચીની નેવલ શિપ શી યાન 1 ને ચેતાવણી આપી અને ત્યાથી જવાનું કહ્યું હતું… તો 2020માં જાન્યુઆરીમાં હિન્દ મહાસાગર ક્ષેત્રમાં 4 થી 6 ચીની રિસર્ચ જહાજો જોવા મળ્યાં હતાં, ત્યાર બાદ ભારતીય નેવી સતર્ક થઈ ગઈ હતી.. 2022 માં 16થી 22 ઓગસ્ટ સુધી ચીનનું જાસૂસી મહાજ યુઆન વાંગ 5 શ્રીલંકાનાં બંદર પર રોકાયું હતું અને ત્યારે પણ ભારતે શ્રીલંકા સામે વિરોધ નોંધવ્યો હતો

ચીન પોતાના જિયાંગ યાંગ હોંગ 03 અને યુઆન વાંગ-6 જેવા જાસૂસી જહાજોને રિસર્ચ વેસલ કહે છે. સાથે જ ભારત તેને જાસૂસી જહાજ કહે છે. તેનું કારણ એ છે કે આ જહાજને ચીની સેના ઓપરેટ કરે છે. તેઓ સમગ્ર પેસિફિક, એટલાન્ટિક અને હિન્દ મહાસાગરમાં કાર્ય કરવામાં સક્ષમ છે. આ જહાજો જાસૂસી કરે છે અને બેઇજિંગમાં જમીન-આધારિત ટ્રેકિંગ સ્ટેશનોને સંપૂર્ણ માહિતી મોકલે છે. ચીન યુઆન વાંગ વર્ગના જહાજો દ્વારા ઉપગ્રહો, રોકેટ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલોના પ્રક્ષેપણ પર નજર રાખે છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર આ જહાજ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ દ્વારા સંચાલિત છે. SSF થિયેટર કમાન્ડ લેવલની સંસ્થા છે. તે PLAને સ્પેસ, સાયબર, ઈલેક્ટ્રોનિક, માહિતી, સંચાર અને મનોવૈજ્ઞાનિક યુદ્ધ મિશનમાં મદદ કરે છે.

તો ચીનના જાસૂસી જહાજો શક્તિશાળી ટ્રેકિંગ જહાજ છે. જ્યારે ભારત અથવા અન્ય કોઈ દેશ મિસાઈલ પરીક્ષણ કરે છે ત્યારે આ જહાજો તેમની હિલચાલ શરૂ કરે છે. આ જહાજમાં હાઇટેક ઇવડ્રોપિંગ ઇક્વિપમેન્ટ ફીટ કરવામાં આવ્યા છે. તેની મદદથી તે 1,000 કિમી દૂરથી થતી વાતચીત સાંભળી શકે છે, અને મિસાઇલ ટ્રેકિંગ શિપ રડાર અને એન્ટેના ધરાવતી ઇલેક્ટ્રોનિક સિસ્ટમથી સજ્જ છે. આ સિસ્ટમ તેની રેન્જમાં આવતી મિસાઈલને ટ્રેક કરે છે અને તેની માહિતી એર ડિફેન્સ સિસ્ટમને મોકલે છે. એટલે કે મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમની રેન્જમાં આવે તે પહેલાં જ તેની માહિતી મળી જાય છે અને હુમલાને નિષ્ફળ બનાવી શકાય છે.

તો ચીનના દરિયાઈ કાફલા પર નેવીએ એલર્ટ જાહેર કર્યું છે નેવી રિપોર્ટ દર્શાવે છે કે ચીની નેવીનો કાફલો ભારત માટે કેટલો મોટો પડકાર ઊભો કરે છે. વાસ્તવમાં, એપ્રિલ 2023માં ભારતીય નેવી દ્વારા સંરક્ષણ પરની સંસદીય સ્થાયી સમિતિને કહેવામાં આવ્યું હતું કે માત્ર એક દાયકામાં ચીનના જહાજો 250થી વધીને 350થી વધુ થઈ ગયા છે, આ આંકડા અનુસાર ચીન પાસે હાલમાં વિશ્વની સૌથી મોટી નેવી છે. સમિતિને એમ પણ કહેવામાં આવ્યું હતું કે ચીનના જહાજોની સંખ્યા ઉપરાંત, તેમની કામગીરીમાં પણ વધારો થયો છે અને હાલમાં અગાઉની તુલનામાં હિન્દ મહાસાગર વિસ્તારમાં 5ને બદલે 9 જહાજો સક્રિય છે. તેનાથી ભારતીય દરિયાઈ સુરક્ષાને અસર થઈ શકે છે.

આપને જણાવી દઈએ કે માત્ર ચીન પાસે જ નહિ પરંતું ભારત અમેરીકા સહિતનાં કુલ પાચ દેશો પાસે ટ્રેકિંગ મિસાઈલ છે, 10 સપ્ટેમ્બર 2021એ ભારતની પહેલી મિસાઈલ ટ્રેકિંગ શિપ ‘ધ્રુવ’ લોન્ચ થઈ હતી. ન્યૂક્લિયર અને બેલેસ્ટિક મિસાઈલને ટ્રેક કરનારી આ ભારતની પહેલી શિપ છે,તો અમેરિકા પાસે ટ્રેકિંગ શિપનો મોટો કાફલો છે. તેમાંથી કેટલાકનો ઉપયોગ NASA પણ કરે છે, અને હાલમાં તેમની 2 ટ્રેકિંગ શિપ ઍક્ટિવ છે. રશિયા પાસે પણ માર્શલ ક્રિલોવ ટ્રેકિંગ શિપ છે. 2018માં રશિયાએ આ શિપને અપગ્રેડ કરી હતી. ફ્રાન્સની નેવી પાસે મોંજ (A601) ટ્રેકિંગ શિપ એક્ટિવ છે અને ફ્રાન્સની સ્પેસ એજન્સી પણ આનો ઉપયોગ કરે છે. તો ચીનની ટ્રેકિંગ શિપને યુઆન વાંગ ક્લાસ શિપ કહે છે. ચીન અત્યાર સુધી આ સિરિઝની 7 શિપ લોન્ચ કરી ચૂક્યું છે.

ટ્રેકિંગ જહાજ બનાવવાના કોન્સેપ્ટની શરૂઆત સૌથી પહેલા અમેરિકાએ કરી હતી. તેના મિસાઇલ પ્રોગ્રામને ટેકો આપવા માટે અમેરિકાએ બીજા વિશ્વ યુદ્ધ પછીના બાકીના જહાજોને ટ્રેકિંગ જહાજોમાં રૂપાંતરિત કર્યા. ત્યારથી અમેરિકાએ 25થી વધુ ટ્રેકિંગ જહાજો બનાવ્યા છે.