Ahmedabad News: જમીન NA કરવાની અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે સમય મર્યાદા નિયત કરી હોવા છતાં અમદાવાદ કલેક્ટરે સમયમર્યાદામાં નિર્ણય ન કરતા કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અરજદારને ખોટી રીતે હેરાન કરવા બદલ કોર્ટે કલેક્ટરને 1 લાખ રૂપિયાનો કોસ્ટ કર્યો છે. કલેક્ટરે આ રકમ પોતાના પગારમાંથી એક મહિનાની અંદર હાઈકોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવી પડશે. જમા થયેલી રકમ અરજીના ખર્ચ પેટે અરજદારને ચૂકવાશે.
Collectorએ અરજી કાઢી નાખતા અરજદાર હાઈકોર્ટમાં ગયા હતા
અરજદારે પોતાની ખેતીની જમીનને બિન-ખેતી કરવા માટે કલેક્ટર સમક્ષ જમીન મહેસૂલ સંહિતાની કલમ 65(Land Revenue Code Section 65) હેઠળ અરજી કરી હતી. કલેક્ટરે ગણોત ધારાની કલમ 63(Tenancy Act Section 63)ની મંજૂરી ન હોવાના જૂના સોદાઓના કારણોસર અરજી ફગાવી દીધી હતી. આ હુકમ સામે અરજદાર હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે 2 માર્ચ, 2026ના રોજ કલેક્ટરનો આદેશ રદ કર્યો હતો અને અગાઉના ચુકાદાના આધારે અરજદારની નવી અરજી 90 દિવસની સમયમર્યાદામાં નક્કી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સમયમર્યાદા વીત્યા પછી ફરી અરજી નામંજૂર
હાઈકોર્ટના આદેશ મુજબ અરજદારે 7 એપ્રિલ, 2026ના રોજ ફરીથી NAની અરજી કરી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટરે 90 દિવસની કાનૂની સમયમર્યાદા વીતી ગયા પછી, 6 ઓગસ્ટ, 2026ના રોજ ફરીથી એ જ જૂના કારણોસર અરજી નામંજૂર કરી હતી. કલેક્ટરે એવું પણ કારણ દર્શાવ્યું હતું કે રાજ્ય સરકાર હાઈકોર્ટના 2 માર્ચ, 2026ના આદેશ સામે અપીલ દાખલ કરવા વિચારણા હેઠળ છે. જોકે 7 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સરકારે એવી કોઈ અપીલ દાખલ કરી ન હતી.
હાઈકોર્ટે શું નોંધ્યું
હાઈકોર્ટે નોંધ્યું કે કલમ 65 હેઠળ NA પરવાનગી આપતી વખતે કલેક્ટરે ફક્ત અરજદારનો કબજો અને જમીનનો પ્રકાર જ જોવાનો હોય છે. માલિકી કે જૂના ટાઇટલની તપાસ કરવાનો અધિકાર કલેક્ટર પાસે નથી. અગાઉ સ્પષ્ટ આદેશ હોવા છતાં કલેક્ટરે પોતાને કાયદાથી ઉપર સમજીને એ જ ભૂલનું પુનરાવર્તન કર્યું, એમ કોર્ટે કહ્યું. કોર્ટે એ પણ નોંધ્યું કે આ કોઈ પહેલો કિસ્સો નથી જ્યાં કલેક્ટર પોતાની મરજી મુજબ કામ કરતા હોય. કોર્ટના આદેશનું પાલન ન કરવું અને સમયસર યોગ્ય પગલાં ન લેવા એ કોર્ટની સત્તા અને ન્યાય પ્રણાલીની અવમાનના(Contempt of Court Order) સમાન છે.
Collectorને પગારમાંથી 1 લાખ જમા કરાવવાનો આદેશ
હાઈકોર્ટે 6 ઓગસ્ટ, 2026નો કલેક્ટરનો આદેશ રદ કર્યો છે. અરજદારની NA અરજી મૂળ ફાઇલ પર પુનઃસ્થાપિત કરી કલેક્ટરને નિયત કાનૂની સમયમર્યાદામાં નક્કી કરવાનો આદેશ અપાયો છે. 1 લાખ રૂપિયાનો કોસ્ટ કલેક્ટરે પોતાના ખિસ્સામાંથી, એટલે કે પગારમાંથી, એક મહિનામાં જમા કરાવવાનો રહેશે. જો કલેક્ટર રકમ જમા ન કરાવે તો રાજ્ય સરકારે તે જમા કરાવીને કલેક્ટરના પગારમાંથી વસૂલ કરવાની રહેશે. ચકાસણી બાદ ઇલેક્ટ્રોનિક માધ્યમથી રકમ અરજદારને ચૂકવાશે.
આ પણ વાંચો: આણંદમાં નકલી ડેપ્યુટી કલેકટર ઝડપાયો; નોકરીની લાલચ આપી યુવક પાસેથી 7.70 લાખ પડાવ્યા
આ પણ વાંચો: સુરત શહેરમાં પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે જિલ્લા કલેકટરનો મોટો નિર્ણય 65 નવી સર્વે ટીમો મેદાનમાં
આ પણ વાંચો: વરસાદી પાણી સંગ્રહ વધારવા કલેકટરોને મુખ્યમંત્રીનું આહવાન
