Akhilesh Yadav Elections: સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવે કન્નૌજ બેઠક પરથી 2024ની લોકસભા ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે. અખિલેશ યાદવે કન્નૌજમાં પત્રકારોના સવાલોના જવાબમાં જણાવ્યું કે, ‘કેમ, તમે ખાલી બેસીને શું કરશો? અમારું કામ ચૂંટણી લડવાનું છે. જ્યાં અમે પહેલી ચૂંટણી લડ્યા હતા ત્યાં ફરીથી ચૂંટણી લડીશું. અખિલેશ યાદવને પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું હતું કે કન્નૌજથી પહેલા સાંસદ રહેલા ડિમ્પલ યાદવ હવે મૈનપુરી લોકસભા પેટાચૂંટણી લડી રહી છે, તો શું તેઓ પોતે 2024માં કન્નૌજથી ચૂંટણી લડશે? સપા પ્રમુખ પૂર્વ પાલિકા પ્રમુખ સુનિલ કુમાર ગુપ્તાના પુત્રના તિલક સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા. અખિલેશ યાદવે એમ પણ કહ્યું કે કન્નૌજ તેમની કર્મભૂમિ છે અને કન્નૌજના લોકોએ તેમને ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટ્યા છે. તેમણે કહ્યું કે, અહીંના લોકોએ મને હંમેશા સ્નેહ અને પ્રેમ આપ્યો છે, તેથી હું કનૌજને ક્યારેય નહીં છોડી શકું.
જણાવી દઈએ કે, હાલ અખિલેશ યાદવ કરહાલ સીટથી ધારાસભ્ય છે. નોંધપાત્ર વાત એ છે કે, તેમણે વર્ષ 2000માં કન્નૌજ લોકસભા સીટથી જ જનપ્રતિનિધિ તરીકે પોતાની સફર શરૂ કરી હતી. તે વર્ષે તેઓ આ લોકસભા બેઠક પર પેટાચૂંટણી જીતીને પ્રથમ વખત સંસદના સભ્ય બન્યા હતા. તે પછી 2004 અને 2009માં પણ તેઓ કન્નૌજથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2012માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. વર્ષ 2012માં જ તેમની પત્ની ડિમ્પલ યાદવે કન્નૌજ લોકસભા પેટાચૂંટણી જીતી હતી. તે 2014ની સામાન્ય ચૂંટણીમાં કન્નૌજથી સાંસદ પણ ચૂંટાઈ હતી. જોકે, 2019ની લોકસભા ચૂંટણીમાં ડિમ્પલને ભાજપના સુબ્રત પાઠકના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. સપાના સ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધનને કારણે ખાલી પડેલી મૈનપુરી લોકસભા સીટની પેટાચૂંટણીમાં હવે ડિમ્પલને પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પેટાચૂંટણી માટે 5 ડિસેમ્બરે મતદાન થશે.
આ પણ વાંચો: ગુજરાત/બાપુના જન્મસ્થળની પ્રથમ લેડી ડોન જે પહોંચી વિધાનસભા, પતિના 14 હત્યારાઓને