Politics/ શંકરસિંહનાં U-ટર્નની વાતો વચ્ચે આ સત્ય છે કે, ગુજરાતમાં કોંગ્રેસને ‘આયાતી’ નેતાઓ બહું ફળ્યા નથી

૧૯૯૨ બાદ ચીમનભાઈ પટેલની ઘરવાપસી અને મૂળ જનસંઘ ગોત્રના શંકરસિંહ વાઘેલાના ૧૯૯૯માં આગમન બાદ કોંગ્રેસને બહુ મોટો ફાયદો થયો નથી, જ્યારે સામે કોંગ્રેસ છોડી ભાજપમાં જનારાઓની શીરપાવ મળ્યો છે

Gujarat Mantavya Exclusive Mantavya Vishesh Politics
congress guj શંકરસિંહનાં U-ટર્નની વાતો વચ્ચે આ સત્ય છે કે, ગુજરાતમાં કોંગ્રેસને ‘આયાતી’ નેતાઓ બહું ફળ્યા નથી

૧૯૯૨ બાદ ચીમનભાઈ પટેલની ઘરવાપસી અને મૂળ જનસંઘ ગોત્રના શંકરસિંહ વાઘેલાના ૧૯૯૯માં આગમન બાદ કોંગ્રેસને બહુ મોટો ફાયદો થયો નથી, જ્યારે સામે કોંગ્રેસ છોડી ભાજપમાં જનારાઓની શીરપાવ મળ્યો છે

ગુજરાતમાં કોંગ્રેસ એક એવો પક્ષ છે (આમ તો આખા દેશમાં) જેમાં આયારામ કરતાં ગયારામની સંખ્યા વધારે હોય છે. પક્ષપલ્ટાના કારણે જે પક્ષોને નુકસાન થયું હોય તેની જાે યાદી બનાવવામાં આવે તો તેમાં કોંગ્રેસ કદાચ પ્રથમ નંબર મેળવે તો કોઈને આશ્ચર્ય નહિ થાય. ભલે ભૂતકાળમાં કોંગ્રેસે પક્ષપલ્ટા પણ ખૂબ કરાવ્યા છે અને ફાયદો પણ મેળવ્યો છે. ૧૯૮૦ના દાયકામાં ભજનલાલે હરિયાણામાં જનતાદળનું સો ટકા ફીંડલુ વાળી દઈને જાણે કે કોઈ વેપારી પોતાની પેઢીનું પાટિયું ફેરવતો હોય તેમ હરિયાણા જનતાદળ વિધાનસભા પક્ષમાંવિલીનીકરણ કરી નાખ્યું હતું. જ્યારે ૧૯૯૦માં ભાજપના ટેકાથી ગુજરાતમાં મુખ્યમંત્રી બનનાર ચીમનભાઈ પટેલ ૧૯૯૧ બાદ ભાજપે રામ રથયાત્રાના મામલે ભાજપે ટેકો પાછો ખેંચ્યા બાદ તેમણે જનતા દળ (ગુજરાત) બનાવી કોંગ્રેસના ટેકા સાથે સરકાર ટકાવી હતી અને ટૂંકાસમયગાવામાં પોતાના પક્ષનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરી નાખી ૧૯૭૪ના નવનિર્માણ આંદોલન પહેલાના ચીમનભાઈ બની ગયા હતા. જાે કે આ સમયગાળો કોંગ્રેસ માટે અત્યાર કરતાં ઘણો સારો હતો. જાેકે અત્યારે એવી સ્થિતિ છે કે પક્ષપલ્ટુઓ ભાજપને ફળે છે. ભાજપની તાકાત વધારે છે અને જિલ્લા અને તાલુકા કક્ષાએ ભાજપને સત્તા પણ પાછી અપાવે છે.

himmat thhakar શંકરસિંહનાં U-ટર્નની વાતો વચ્ચે આ સત્ય છે કે, ગુજરાતમાં કોંગ્રેસને ‘આયાતી’ નેતાઓ બહું ફળ્યા નથી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશ અંગે તખ્તો ગોઠવાઈ રહ્યો છે. શંકરસિંહ વાઘેલાએ એક વિડિયો વાયરલ કરીને કહ્યું છે કે મારે કોંગ્રેસના ઉચ્ચ મોવડીઓ શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી વગેરે સાથે ઘણા સારા સંબંધો છે અને ઘણા મિત્રોએ હું કોંગ્રેસમાં પર આવું તેવી લાગણી વ્યક્ત કરી છે અને મને કોંગ્રેસનું મોવડી મંડળ બોલાવશે એ આમંત્રણ આપશે તો હું ચોક્કસ કોંગ્રેસમાં પાછો ફરીશ. કારણ કે ખેડૂત આંદોલન અંગે ભાજપ સરકારે જે વલણ અપનાવ્યું તે નિંદનીય છે અને ભાજપનો સામનો કરવાની લડતમાં સામેલ થવા મને બોલાવશે તો હું વિના શરતે જઈશ. કારણ કે મને જાહેર જીવનમાં અત્યાર સુધી ઘણું બધું મળ્યું છે તેથી હાલના તબક્કો બીજી કોઈ મહત્વાકાંક્ષા મને નથી.

હવે શંકરસિંહ બાપુની વાત કરીએ તો મૂળ તે સંઘ જનસંઘ અને ભાજપના છે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ગામડે ગામડે ફરી ભાજપનો પાયો નાખ્યો હતો. ૧૯૯૫ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી પણ મળી હતી. પરંતુ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ બન્યા અને પછી શંકરસિંહ બાપુએ ભાજપ સાથે છેડો ફાડી રાજપાની રચના કરી અને કોંગ્રેસના ટેકા સાથે સરકાર ચલાવી ૧૯૯૮ની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભલે શંકરસિંહ મેદાનમાં નહોતા ઉતર્યા પરંતુ રાજપા બન્ને ચૂંટણી લડ્યો હતો. લોકસભામાં તેનું ખાતું ન ખૂલ્યું પણ વિધાનસભામાં ચારથી પાંચ બેઠક મળી હતી. જાેકે ૧૯૯૯ના સમયગાળા બાદ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો અને ૨૦૦૨માં તો તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો હોદ્દો પણ મળ્યો હતો. ૨૦૦૪માં લોકસભાની ચૂંટણી જીતી તેઓ કેન્દ્રમાં કોંગ્રેસના નેતા મનમોહનસિંહ સરકારમાં ટેક્સટાઈલ વિભાગના કેબીનેટ મંત્રી બન્યા હતા. ત્યારબાદ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં કપડવંજ બેઠક પર વિજય મેળવી વિપક્ષના નેતા પણ બન્યા હતા. જાેકે ૨૦૧૭માં રાજ્યસભાની ચૂંટણી આસપાસના સમયગાળામાં તેમણે કોંગ્રેસને મુક્ત કરી હોવાની પોતાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા સમારોહમાં જાહેરાત કરી હતી. ત્યારબાદ તેઓ એન.સી.પી.માં પણ ગયા અને પછી જનવિકલ્પ પાર્ટી રચી.

વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રણ અપક્ષ ઉમેદવારોનો પ્રચાર કર્યો હતો અને તે વખતે તેમની ઓળખ મોટાભાગના વિવેચકોએ ભાજપની બી ટીમ તરીકે કરી હતી. જેના કારણે કોંગ્રેસનો તમામ બેઠકો પર પરાજય થયો હતો. આ શંકરસિંહ બાપુની રાજકીય સફરની વાત થઈ. પરંતુ કોંગ્રેસ એ દેશના આઝાદી જંગમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ગાંધીજી અને સરદારનો પક્ષ છે. રાજકીય વિશ્લેષકોના કહેવા પ્રમાણે જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ પ્રધાન બન્યા હતા અને ત્યારબાદ નહેરૂજીના પ્રધાનમંડળમાં હતા. કાશ્મીર પ્રશ્ને મતભેદ પડતા તેમણે કોંગ્રેસનો સાથ છોડ્યો હતો. સંઘના પ્રારંભિક નેતાઓ પણ કોંગ્રેસ સાથે ગાઢ નાતો ધરાવનારા નેતાઓ હતા તેવું ઘણા વિશ્લેષકો કહે છે. એક વિશ્લેષકે તો એમ પણ કહ્યું હતું કે સામ્યવાદીઓ અને તેની સાથે સંકળાયેલા બે ચાર પક્ષોને બાદ કરતાં બાકીના તમામ પક્ષોનું મૂળ કોંગ્રેસમાં છે. અત્યારની વાત કરીએ તો ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકના પિતા અને બીજેડીના સ્થાપક બીજુ પટનાયક કોંગ્રેસી હતા. પસ્ચિમ બંગાળના હાલના મુખ્યમંત્રી અને ટીએમસીના સુપ્રિમો મમતા બેનરજી મૂળ કોંગ્રેસી છે. આંધ્રના મુક્યમંત્રી જગન મોહન રેડ્ડી પણ મૂળ કોંગ્રેસી છે. જ્યારે તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પણ મૂળ કોંગ્રેસી ગોત્રના છે. ડીએમકેના નેતા સીએન અન્નાદુરાઈ પણ પોતાની રાજકીય કારકિર્દીના પ્રારંભમાં કોંગ્રેસ સાથે નાતો ધરાવતા હતા તેવું વિશ્લેષકો કહે છે. ટૂંકમાં જેના નામ પાછળ કોંગ્રેસ લાગે છે તેવા પક્ષો કોંગ્રેસના જ મૂળવાળા જ છે.

ફરી પાછા ગુજરાત પર આવીએ તો ગુજરાતના સ્થાપનાકાળથી કોંગ્રેસમાં જૂથબંધી ઘર કરી ગઈ હતી. કોંગ્રેસના વિભાજન બાદ પણ સંસ્થા કોંગ્રેસ અને શાસક કોંગેસ એમ બે કોંગ્રેસ અસ્તિત્વમાં હતી. હવે ૧૯૯૦ની ચૂંટણીમાં કોંગ્રેસ સાવ તળિયે ગઈ અને વિધાનસભાની ચૂંટણીમાં માત્ર સમ ખાવા પૂરતી ૨૯ બેઠક મળી હતી. આ કોંગ્રેસનો સૌથી ખરાબ દેખાવ હતો. જાે કે તે વખતે કોંગ્રેસ પાસે લોકસભામાં ૩ બેઠકો તો હતી. હવે ૧૯૯૨ બાદ ચીમનભાઈ પટેલનું જુથ જનતાદળ (ગુજરાત)ના કોંગ્રેસમાં વિલીનીકરણ સાથે કોંગ્રેસમાં ભળ્યું તેના કારણે ૧૯૯૫ અને ૧૯૯૮ની વિધાનસભા ચૂંટણીમાં બેઠકોનો આંક ૫૦ આસપાસ પહોંચ્યો પણ સત્તાથી તો દૂર જ રહી હતી. જ્યારે ૧૯૯૯ બાદ શંકરસિંહ વાઘેલાના પક્ષ રાજપાનું કોંગ્રેસમાં વિલીનીકરણ થયા બાદ પણ ૨૦૦૨ની ચૂંટણીમાં કોંગ્રેસની તાકાત ૫૫થી વધી નહોતી. કેશુબાપાના પક્ષ જીપીપીની હાજરીવાળી ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો આંક ૬૦ને વટાવી ગયો હતો. જીપીપીને માત્ર સમ ખાવા પૂરતી બેઠક મળી હતી. જેમાં એક બેઠક એટલે કે વિસાવદરમાં કેશુબાપા જીત્યા હતા.

પાટીદાર અનામત આંદોલન બાદ ૨૦૧૫ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમં શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ ભલે સત્તા પર ન આવી પરંતુ તાકાત મજબૂત બનાવી હતી. જ્યારે ૨૦૧૨માં વિધાનસભાની ચૂંટણી જીતનારા ૧૪ કોંગ્રેસી ધારાસભ્યોએ પાટલી બદલી. તેમાંના ૯ને ભાજપની ટિકિટ મળી તેમાંથી માત્ર બે જ જીત્યા હતા. તે વખતે પ્રથમ વખત કોંગ્રેસની તાકાત ૭૭ને વટાવી ગઈ હતી. જાેકે ૧૫ ધારાસભ્યોના પક્ષાંતર અને પેટાચૂંટણીમાં કોંગ્રેસની હારના કારણે આ તાકાત ઘટીને ૬૫ થઈ ગઈ છે. વ્યારા, રાધનપુર અને બાયડની પેટાચૂંટણી સિવાય કોઈ પેટાચૂંટણી કોંગ્રેસ જીતી નથી. તે પણ વાસ્તવિક હકિકત છે. જ્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા પાંચથી વધુ આગેવાનોને પ્રધાનપદું મળ્યું છે. બે થી ત્રણ આગેવાનો તો તે મલાઈવાળા નિગમો મળ્યા છે. આમ કોંગ્રેસ છોડનારાને અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતાં પક્ષપલ્ટો ફળ્યો છે. પણ કોંગ્રેસને ફળ્યો નથી. હવે માનો કે શંકરસિંહ બાપુ અને તેમના ટેકેદારો કોંગ્રેસમાં પાછા ફરે તો પણ કોંગ્રેસને ગુજરાતમાં કેટલો અને કેવો ફાયદો થશે તે સમય જ કહેશે. પણ કોંગ્રેસમાં હાલ જે જૂથો છે તેમાં એક જૂથનો વધારો થશે તે ચોક્કસ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…