વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એટલે સરપ્રાઈઝ શીરોમણી. તેઓ ગમે તેને ગમે તેવા પ્રકારનુ સરપ્રાઈઝ આપી શકે. આંચકો આપી શકે. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણીનું રાજીનામું એ એક પોલીટીકલ સરપ્રાઈઝ કે પોલીટીકલ અર્થકવેવ જેવું જ પગલું હતું. પરંતુ વિજયભાઈ રૂપાણીના અનુગામીની વરણીની વાત આવી ત્યારે મનસુખભાઈ માંડવીયા, પરસોતમભાઈ રૂપાલા, નીતિન પટેલ, સીઆર પાટીલ, આરસી ફળદુ, ગોરધન ઝડફીયા સહિત અડધો ડઝનથી વધુ નામો ચર્ચાયા. દાદરા નગર હવેલીના વહિવટકર્તા અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રફુલભાઈનું નામ પણ ઉમેરાયું અને પોતે પણ આવી ગયા. રવિવારે સવારે કેન્દ્રના નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમર પણ આવી ગયા તેમણે આવાતની સાથે જ સંકેત આપ્યો કે મુખ્યમંત્રી ધારાસભ્યોમાંથી જ પસંદ થશે ત્યારે ઉપર ચર્ચાતા નામોમાંથી ઘણા નામની બાદબાકી થઈ ગઈ અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનું નામ પહેલા નંબરે અને આરસી ફળદુનું નામ બીજા નંબરે ચર્ચાતું હતું. જાે કે ત્રીજા નંબરે મોટા ભાગના પ્રચાર માધ્યમોએ મનસુખભાઈ માંડવીયાનું નામ વહેતું રાખ્યું હતું. ભાજપના કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં કોર કમિટિની બેઠક મળી અડધા પોણા કલાકમાં આ બેઠક પૂરી થઈ. કોર કમિટિના સભ્યો ભાજપના ધારાસભ્યોની બેઠકમાં હાજરી આપવા પહોંચી ગયા.
આ સમયગાળામાં પણ તમામ ટીવી ચેનલો પર વારંવાર એક જ વાત કહેવાતી હતી અને ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ની બહાર એકઠા થયેલા ભાજપના કોઈપણ આગેવાનોને પૂછવામાં આવે તો એક જ વાત કહેવાતી હતી કે આ ત્રણમાંથી કોક આવશે ધારાસભ્યોની બેઠક બાદ બ્રેકીંગ ન્યૂઝ તરીકે જે નામ જાહેર થયું તે તમામને આંચકો આપી ગયુંં. ભાજપના લો પ્રોફાઈલ છતાં તેમના મત વિસ્તારમાં ઘાટલોડિયામાં લોકપ્રિય એવા ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલનું નામ જાહેર થયું. છેલ્લા ૨૪ કલાકથી ચાલતી કોઈ પણ પ્રકારની ચર્ચામાં આ નામ હતું જ નહિ. ભાજપના ધારાસભ્યો માટે પણ આ સરપ્રાઈઝ ગીફ્ટ કે આંચકા જેવું હતું. ૨૦૧૭માં પ્રથમવાર અમદાવાદના ઘાટલોડીયા મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ૧ લાખ ૧૭ હજાર કરતા વધુ મતની સરસાઈથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા આ મહાનુભાવને પ્રધાન બન્યા વગર સીધા મુખ્ય પ્રધાન બનવાની તક મળી ગઈ. જાે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ધારાસભ્ય પણ નહોતા અને કોઈ ચૂંટણી પણ લડ્યા નહોતા. રાજકોટ-૨માંથી લડીને પેટા ચૂંટણીએ તેમની કારકિર્દીની પ્રથમ ચૂંટણી હતી. અગાઉ ઘનશ્યામ ઓઝા કેન્દ્રીય પ્રધાનપદ માટે કોંગ્રેસના નેતા તરીકે ગુજરાતની ગાદી પર બીરાજમાન હતા જાે કે તેઓ થોડા સમય માટે જ ટક્યા હતા તે અલગ વાત છે. નરેન્દ્રભાઈના વડાપ્રધાન બન્યા ત્યારે તેમના અનુગામી તરીકે અમિત શાહ અને નીતિન પટેલ એ બે નામો ચર્ચાતા હતા. જ્યારે મુખ્યમંત્રી પદે આનંદીબેનની પસંદગી થઈ આનંદીબેને ૨૦૧૬ના ઓગષ્ટમાં રાજીનામું આપ્યું ત્યારે તેમના અનુગામી તરીકે નીતિનભાઈ પટેલનું નામ લગભગ નક્કી હતું પણ તે વખતના પ્રદેશ ભાજપ પ્રમુખ અને ગુજરાતના કેબિનેટ મંત્રી તરીકેનો બેવડો હવાલો સંભાળતા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા. આ પણ એક આશ્ચર્ય હતું પરંતુ ૨૦૨૧ની ૧૨મી સપ્ટેમ્બરે જે નામ મુખ્યમંત્રી પદ માટે જાહેર થયું તે તો સૌના માટે આશ્ચર્યજનક હતું. મુખ્યપ્રધાન તરીકે જેમનું નામ જાહેર થયું તે ભુપેન્દ્રભાઈ પટેલે પણ નીખાલસતાથી સ્વીકાર્યું કે મારી ગુજરાતના સુકાની પદે થશે એનો મને જરાપણ અણસાર નહોતો. ભુપેન્દ્રભાઈ અમદાવાદ માટે અજાણ્યું નામ નથી. તેઓ મેમનગર નગરપાલિકામાં પ્રમુખનો હોદ્દો અને બે વર્ષ સુધી અમદાવાદ શહેર સત્તા વિકાસ મંડળ એટલે કે ઓડાના ચેરમેન તરીકેનો હોદ્દો સંભાળી ચુક્યા છે.
તેઓ ભાજપની દ્રષ્ટિએ જૂઓ તો પુર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તરપ્રદેશ જેવા દેશના સૌથી મોટા રાજ્યનું રાજ્યપાલ પદ સંભાળી રહેલા આનંદીબેન પટેલના નીકટના સાથીદાર મનાય છે. ઘાટલોડિયામાં ૨૦૧૨માં ધારાસભ્ય તરીકે આનંદીબેન પટેલ ચૂંટાયા હતા. ૨૦૧૭માં ભુપેન્દ્રભાઈને ધારાસભ્યની ટિકિટ અપાવવામાં પણ આનંદીબેનની ભૂમિકા હતી તેવું ભાજપના ઘણા આગેવાનો કહે છે.
૨૦૧૭ના એપ્રિલ માસમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથની પસંદગી આંચકાજનક હતી તાજેતરમાં જ્યાં સાત માસમાં બે મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત અને ભરતસિંહ રાવત એમ બે મુખ્યમંત્રીને વિદાય લેવી પડી છે.
તે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તરીકે પુષ્ટકરસિંહ ધામીની પસંદગી પણ ઉત્તરાખંડના ભાજપના આગેવાનોને આંચકો આપનારી જ હતી.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જીતુભાઈ વાઘાણીના કાર્યકાળ પૂર્ણ થતો હતો ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખપદ માટે અનેક નામો ચર્ચાતા હતા અને પસંદગી તો નવસારીના લોકપ્રિય અને ૨૦૧૯માં વિક્રમસર્જક સરસાઈથી ચૂંટાયેલા સાંસદ સી આર પાટીલની થઈ જે તે વખતે આ નામની પણ કોઈએ કલ્પના કરી નહોતી. કેન્દ્રીય પ્રધાન મંડળની પુનઃ રચના વખતે રૂપાલા અને માંડવીયાનું પ્રમોશન નક્કી હતું પણ રાજ્યકક્ષાના પ્રધાનો તરીકે દર્શનાબેન જરદોશ, ડો. મહેન્દ્ર મુંજપરા કે દેવુસિંહ ચૌહાણની પસંદગી થશે તેવી કોઈને કલ્પના પણ નહોતી. તે વખતે પણ મોદી – શાહ અને નડ્ડાની ત્રિપુટીએ સૌને આશ્ચર્ય આપ્યું હતું આમ મોદીએ અનેક વખતે આશ્ચર્ય આપ્યું છે તેનું આ વખતે પણ પૂનરાવર્તન કર્યું છે પોતાની સરપ્રાઈઝ આપવાની પરંપરા જાળવી રાખી છે વિજયભાઈ રૂપાણીએ જ્યારે મુખ્યમંત્રી પદેથીરાજીનામું આપ્યું ત્યારે ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મંતવ્ય સાથેની મુલાકાતમાં સાફ શબ્દોમાં કહેલ કે તમે બધા ગમે તે નામ કહો પણ કોઈ નવું જ નામ આવશે. અંતે વજુભાઈ આ બાબતમાં સાવ સાચા પડ્યા છે. તે વાતની નોંધ લીધા વગર તો ચાલે તેવું નથી જ.
નીતિનભાઈ પટેલ બાબતમાં સોશ્યલ મિડિયામાં જાત – જાતની કોમેન્ટો શરૂ થઈ ગઈ છે. તેઓ ત્રીજી વખત મુખ્યમંત્રી પદની ગાડી ચૂકી ગયા. એક કોમેન્ટમાં તો નીતિન પટેલને એવું કહેતા ટાંકવામાં આવ્યા કે તમે એટલે કે મીડીયાવાળા મને મુખ્યમંત્રી બનાવો છો પણ (ભાજપ) ક્યાં બનાવે છે. સોશ્યલ મીડિયામાં વહેતી થયેલી કોમેન્ટમાં નીતિનભાઈએ એવું કહેતા ટાંકવામાં આવ્યા છે કે મારા હારા આ વખતે પણ મને છેતરી ગયા. પોતાના મત વિસ્તાર મહેસાણા પહોચ્યા પછી પણ નીતિન પટેલે કહ્યું કે હું એક નહિ ભલ ભલા રહી ગયા છે હું ભલે મુખ્યમંત્રી ન બની શક્યો પણ પ્રજાના દિલમાં મારૂ સ્થાન અકબંધ છે ત્યાંથી મને કોઈ કાઢી શકવાનું નથી મેં તો વિરોધપક્ષમાંથી જ કારકિર્દીની શરૂઆત કરી છે સત્તા પાછળ દોડ્યો નથી જાે કે નીતિનભાઈને મોદી શાહ નડ્ડાની ત્રિપુટીએ આંચકો તો આપ્યો જ છે તે નોંધવું જ પડે હવે ભુપેન્દ્રભાઈ ચૂંટણીના ૧૫ માસ પહેલા મુખ્યમંત્રી બન્યા છે તેનો અર્થ એવો પણ કરી શકાય કે તેઓ વન નાઈટ વોચમેન તરીકે મેદાનમાં ઉતર્યા છે.
હવામાન / રાજકોટના લોધિકામાં આભ ફાટ્યું, 12 કલાકમાં 21 ઇંચ વરસાદ