નવી દિલ્હી,
૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ દેશભરમાં લાગુ કરાયેલા એક સમાન કર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) બાદ સમયાંતરે ટેક્સની પ્રણાલીને લઇ આંકલન કરવામાં આવે છે, ત્યારે હવે ગુરુવારે વધુ એક GST કાઉન્સિલની બેઠક મળી હતી.
GST કાઉન્સિલની ૩૨મી બેઠકમાં દેશના નાના વેપારીઓ માટે મોટી રાહત આપવામાં આવી છે.
કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં વેપારીઓ માટે કમ્પોઝીશન સ્કીમની સીમા ૧ કરોડથી વધારી ૧.૫ કરોડ રૂપિયા કરવામાં આવી છે. આ સ્કીમનો લાભ લેનારી કંપનીઓ હવે માત્ર એક જ એન્યુઅલ રિટર્ન ભરવાનું રહેશે, જયારે ટેક્સની ભરપાઈ દર ત્રણ મહિનામાં કંપનીઓ એક જ વાર કરી શકશે. આ નિયમ નવા નાણાકીય વર્ષ ૧ એપ્રિલથી લાગુ થશે.
આ ઉપરાંત મોદી સરકાર GSTની લિમીટ પણ વધારવામાં આવી છે. અત્યારસુધી ૨૦ લાખ રૂપિયા સુધીના ટર્નઓવર વાળી કંપનીઓ જ GSTના ડાયરામાં આવતી હતી, પરંતુ હવે આ લિમીટ ૪૦ લાખ રૂ.ના ટર્નઓવર સુધી કરવામાં આવી છે. એટલે કે, ૪૦ લાખ રૂપિયાના ટર્નઓવર સુધી વેપારીઓને GST લાગશે નહિ.
GST કાઉન્સિલ બેઠક બાદ અરુણ જેટલીએ જણાવ્યું, “કેરળને બે વર્ષ માટે રાજ્યની અંદર જ વેચાણ પર ૧ ટકા સેસ લગાવવાની મંજૂરી આપવામાં આવી છે”.
જો કે આ બેઠકમાં પણ રિયલ એસ્ટેટ મામલે કોઈ નિર્ણય કરાયો નથી.