Heart Attack/ હાર્ટએટેકનું જોખમ દૂર કરવા સામાન્ય એવી ખરાબ આદતો અત્યારે જ બદલો

હૃદયરોગનો હુમલો કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારીથી પણ વધુ ગંભીર બની રહ્યો છે. આજકાલ નાની વયના લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. આથી તમામ લોકોએ હાર્ટ સંબંધિત બાબતોથી વધુ સભાન રહેવાની જરૂર છે.

Health & Fitness Lifestyle
મનીષ સોલંકી 2023 12 01T163834.409 હાર્ટએટેકનું જોખમ દૂર કરવા સામાન્ય એવી ખરાબ આદતો અત્યારે જ બદલો

આજકાલ આપણે સાંભળીએ છીએ કે અનેક લોકો હાર્ટએટેકના કારણે મૃત્યુ પામી રહ્યા છે.  હૃદયરોગનો હુમલો કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારીથી પણ વધુ ગંભીર બની રહ્યો છે. આજકાલ નાની વયના લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. આથી તમામ લોકોએ હાર્ટ સંબંધિત બાબતોથી વધુ સભાન રહેવાની જરૂર છે. તબીબ જગત પણ વધતા જતા હાર્ટએટેકને લઈને ચિંતિત છે. ત્યારે નિષ્ણાતો હાર્ટએટેકની ઘટનાઓ વધવા પાછળ આધુનિક જીવનશૈલીને પણ એક કારણ માની રહ્યા છે. આથી હાર્ટએટેકના જોખમથી બચવા તમારે કેટલીક આદતો બદલવી પડશે. હાર્ટએટેકનું જોખમ બનતી આ ખરાબ ટેવો વિશે જાણીએ.

હૃદય એ આપણા શરીરનું પમ્પિંગ મશીન છે જે આખા શરીરમાં લોહી પંપ કરે છે. આ લોહી દ્વારા શરીરના દરેક અંગો સુધી ઓક્સિજન અને પોષક તત્વો પહોંચે છે. જો આ પમ્પીંગ મશીન તૂટી જાય તો જીવ જોખમમાં મુકાઈ શકે છે. તેથી હૃદયને મજબૂત બનાવવું જરૂરી છે. પરંતુ આપણી આધુનિક જીવનશૈલીમાં આપણી ઘણી ખરાબ આદતો છે જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. ચાલો આપણે આ ખરાબ ટેવો વિશે જાણીએ અને તેનાથી બચવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનું અન્વેષણ કરીએ.

તણાવથી દૂર રહો:  અમેરિકન હાર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તણાવ, ચિંતા અથવા ડિપ્રેશનથી હૃદયના સ્નાયુઓને ઘણું નુકસાન થાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો વધુ તણાવમાં હોય છે તેઓ વધુ આલ્કોહોલ અથવા સિગારેટનું સેવન કરવાનું શરૂ કરે છે. જેના કારણે હૃદયની સમસ્યા વધુ વધી જાય છે. તેથી, જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગતા હો, તો તણાવ ઓછો કરો. આ માટે, શોખ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી જાતને સકારાત્મક લોકોની વચ્ચે રાખો

આલ્કોહોલનું સેવન : આલ્કોહોલ માત્ર લીવરને જ નુકસાન પહોંચાડતું નથી પરંતુ તે હૃદયને પણ ઘણું નુકસાન પહોંચાડે છે. વધુ પડતો આલ્કોહોલ પીવાથી હાઈ બ્લડ પ્રેશર, કાર્ડિયોમાયોપેથી, સ્ટ્રોક, કેન્સર અને અન્ય રોગોનું જોખમ પણ વધે છે. તેથી, કોઈપણ સંજોગોમાં આલ્કોહોલનું સેવન ન કરો. જો તમે પહેલાથી જ આલ્કોહોલના વ્યસની છો તો ધીમે ધીમે તેને છોડી દેવાનો પ્રયાસ કરો. ધૂમ્રપાન-તમાકુ કે તમાકુની બનાવટોનું કોઈપણ સ્વરૂપમાં સેવન હાર્ટ એટેક માટે સૌથી ખતરનાક છે. તમાકુમાં હાજર નિકોટિન હૃદયના ધબકારા ઝડપી બનાવે છે, જેનાથી બ્લડ પ્રેશર વધે છે અને હૃદયના સ્નાયુઓ નબળા પડે છે. જો તમે વ્યસન છોડવા ઇચ્છો તો, વ્યાવસાયિકની મદદ લઈ શકો છો.

મોડી રાત સુધી જાગવાનું ટાળો: આજકાલ લોકોમાં મોડી રાત સુધી બહાર ફરવાનું તેમજ મિત્રો સાથે ફોન પર ચેટિંગ કરવાનું ચલણ વધ્યું છે. જ્યારે કેટલાક લોકો આખી રાત વેબ સિરીઝ અને ફિલ્મો જોતા હોય છે. જેના કારણે તેમને પૂરતી ઉંઘ મળતી નથી. ખાસ કરીને યુવાનો રાતના 3 કે 4 વાગ્યા સુધી મિત્રો સાથે તેમજ સોશિયલ મીડિયા સાઈટ પર સમય પસાર કરે છે. આથી તેમના શરીરને બિલકુલ આરામ મળતો નથી. અને દિવસે જ્યારે તેઓ ઉઠે છે ત્યારે વધુ થાક તેમજ સુસ્તી લાગે છે. નિયમિત આ રીતે કરતા શારીરિક તેમજ માનસિક આરામના મળવાના કારણે દબાણ વધે છે. જેના કારણે હાર્ટએટેકનું જોખમ રહે છે.

સ્થૂળતા અને ડાયાબિટીસ : -રિપોર્ટ અનુસાર, સ્થૂળતા અને ડાયાબિટીસ બંને હાર્ટ એટેકનો ખતરો અનેકગણો વધારી દે છે. તેથી, આહાર પર ધ્યાન આપો અને તંદુરસ્ત ખોરાક લો. આ સાથે જો કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો હાર્ટ એટેકનો ખતરો રહે છે.

હાર્ટ એટેકથી કેવી રીતે બચવું :  હૃદયરોગના હુમલાથી બચવા આલ્કોહલ જેવી ખરાબ ટેવો છોડી દો. દરરોજ અડધો કલાકથી 45 મિનિટ સુધી કસરત કરો. સ્વસ્થ આહાર લો. જે પણ લીલા શાકભાજી કે ફળો મોસમી હોય તે ખાઓ. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, તૈયાર ખોરાક, વધુ પડતા તળેલા ખોરાક વગેરેનું સેવન ન કરો. તણાવ ન લો અને પૂરતી ઊંઘ લો. સામાજિક જીવનમાં ખુશ રહેવાનો પ્રયાસ કરો