IND vs SA/ અંતિમ મેચમાં સદી ફટકારી ડી કોકે તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ

સચિન ઉપરાંત ડી કોકે વીરેન્દ્ર સેહવાગનાં રેકોર્ડને તોડીને દેશબંધુ એબી ડી વિલિયર્સનાં રેકોર્ડની પણ બરાબરી કરી હતી. દક્ષિણ આફ્રિકાએ ત્રીજી વનડેમાં ભારતને 4 રને હરાવી સીરીઝ 3-0થી ક્લીન કરી લીધી છે.

Sports
De Kock

ભારત માટે હંમેશા ખતરો સાબિત થનાર વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક ફરી એકવાર પોતાની જૂની સ્ટાઈલમાં જોવા મળ્યો છે. દક્ષિણ આફ્રિકાનાં ઓપનર ડી કોકે રવિવારે કેપટાઉનનાં ન્યુલેન્ડ્સ સ્ટેડિયમમાં ભારત સામેની ત્રીજી અને અંતિમ મેચમાં સદી ફટકારી હતી. તેણે 130 બોલમાં 12 ચોક્કા અને બે છક્કાની મદદથી 124 રન બનાવ્યા હતા. આ ઇનિંગ બાદ ડી કોકે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો જૂનો રેકોર્ડ તોડ્યો હતો.

આ પણ વાંચો – IND vs SA / ટીમ ઈન્ડિયાની Captaincy માં સુપર ફ્લોપ સાબિત થયો કે.એલ.રાહુલ

સચિન ઉપરાંત ડી કોકે વીરેન્દ્ર સેહવાગનાં રેકોર્ડને તોડીને દેશબંધુ એબી ડી વિલિયર્સનાં રેકોર્ડની પણ બરાબરી કરી હતી. દક્ષિણ આફ્રિકાએ ત્રીજી વનડેમાં ભારતને 4 રને હરાવી સીરીઝ 3-0થી ક્લીન કરી લીધી છે. ક્વિન્ટન ડી કોકે 109 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ તેની ODI કારકિર્દીની 17મી સદી છે. આ સાથે તેણે ભારત વિ. દક્ષિણ આફ્રિકા વચ્ચેની દ્વિપક્ષીય વનડે સીરીઝમાં સૌથી વધુ સદીનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની દ્વિપક્ષીય વનડે સીરીઝમાં સૌથી વધુ પાંચ સદી ફટકારી હતી. પરંતુ હવે ડી કોકે ભારત સામે વનડેમાં છ સદી ફટકારી છે. આ પણ ડી કોકની ભારત સામેની વનડેમાં છઠ્ઠી સદી હતી અને તેણે ઓસ્ટ્રેલિયાનાં મહાન રિકી પોન્ટિંગ અને શ્રીલંકાનાં ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાનાં રેકોર્ડની બરોબરી કરી છે, જેમણે વન-ડેમાં ભારત સામે છ-છ સદી ફટકારી હતી. ભારત વિરૂદ્ધ વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સનથ જયસૂર્યાનાં નામે છે. જયસૂર્યાએ ભારત સામે 85 ઇનિંગ્સમાં 7 સદી ફટકારી છે.

આ પણ વાંચો – પુષ્પા ફિલ્મ ક્રેઝ / ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ક્રિકેટે પરિવાર સાથે કર્યુ પુષ્પા ફિલ્મનું હૂક સ્ટેપ

તેની ODI કારકિર્દીની 17મી સદી સાથે, ડી કોકે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટનો રેકોર્ડ તોડ્યો હતો, જેણે ODIમાં વિકેટકીપર તરીકે બીજી સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ મામલામાં શ્રીલંકાનાં કુમાર સંગાકારા હજુ પણ ટોપ પર છે, જેમની પાસે વિકેટકીપર તરીકે 23 સદી છે. દક્ષિણ આફ્રિકાનાં ઓપનર ડી કોકે વિરોધી ટીમ સામે સૌથી ઝડપી છ સદી પૂરી કરી છે. તેણે આ મામલામાં સેહવાગનો રેકોર્ડ તોડ્યો છે. સેહવાગે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 23 ઇનિંગ્સમાં સૌથી ઝડપી છ સદી ફટકારી હતી, જ્યારે ડી કોકે ભારત સામે 16 ઇનિંગ્સમાં છ સદી ફટકારી હતી.