સિડની,
સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ ડ્રો રહેવાની સાથે જ ભારતીય ટીમે એક ઐતિહાસિક શ્રેણી વિજય પોતાનો નામે કર્યો છે. આ જીત સાથે જ ભારતે છેલ્લા ૭૧ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોઈ ટેસ્ટ શ્રેણીમાં વિજય પ્રાપ્ત કર્યો છે અને એક દુકાળ સમાપ્ત થયો છે.
ભારતને મળેલી ૨-૧ના શ્રેણી વિજય બાદ વિરાટ બ્રિગેડની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે. ભારતીય ક્રિકેટના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓની સાથે દુનિયાની ટીમોના અન્ય ખેલાડીઓ દ્વારા પણ ભારતીય ટીમના પરફોર્મન્સને બિરદાવવામાં આવી રહ્યું છે, ત્યારે લિટલ માસ્ટર સુનિલ ગવાસ્કરનું એક ખાસ નિવેદન સામે આવ્યું છે.
સુનિલ ગવાસ્કરે જણાવ્યું હતું કે, “ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિત અન્ય ખેલાડીઓએ જયારે પોતાના હાથમાં બોર્ડર – ગવાસ્કર ટ્રોફી હાથમાં ઉઠાવી હતી ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા હતા”.
તેઓએ વધુમાં કહ્યું, “ભારતીય ટીમને ટ્રોફી ઉઠાવતા જોઈ મને ગર્વ થયો હતો. ઐતિહાસિક પળને જોઈ મારી આંખમાં આવી ગયા હતા. આ અવસર ત્યારે વધુ શાનદાર રહ્યો હોત જયારે હું પણ ત્યાં હાજર હોત. આ પહેલીવાર છે જયારે ભારતે ઓસ્ટ્રેલિયન ટીમને પોતાની ધરતી પર હરાવી છે”.