Industrial Accident/ સુરતમાં એથર કંપનીમાં આગની ઘટનામાં સાત કામદારોના મૃતદેહ મળ્યા

સુરતમાં સચીન જીઆઇડીસી ખાતે આવેલી એથર કેમિકલ કંપનીના યુનિટ-2ના પ્લાન્ટમાં મંગળવારે મોડી રાત્રે કેમિકલ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ બાદ આગ ભભૂકી હતી. આ આગના પગલે 27 કર્મચારીઓ દાઝી ગયા હતા. તેમા ગુમ થયેલા સાત કર્મચારીઓના મૃતદેહ મળતા હાહાકાર મચી ગયો છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2023 11 30T091512.189 સુરતમાં એથર કંપનીમાં આગની ઘટનામાં સાત કામદારોના મૃતદેહ મળ્યા

સુરતઃ સુરતમાં સચીન જીઆઇડીસી ખાતે આવેલી એથર કેમિકલ કંપનીના યુનિટ-2ના પ્લાન્ટમાં મંગળવારે મોડી રાત્રે કેમિકલ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ બાદ આગ ભભૂકી હતી. આ આગના પગલે 27 કર્મચારીઓ દાઝી ગયા હતા. તેમા ગુમ થયેલા સાત કર્મચારીઓના મૃતદેહ મળતા હાહાકાર મચી ગયો છે. આ કામદારોના મોત અંગે કંપનીનું ટોચનું મેનેજમેન્ટ, કલેક્ટર અને પોલીસ કશું બોલવા તૈયાર નથી

આ ઉપરાંત હજી પણ ત્રણ કામદારની સ્થિતિ ગંભીર છે. ઇજાગ્રસ્ત કામદારોને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટ પછીની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મંગળવારે રાત્રે દોઢ વાગે પહેલો બ્લાસ્ટ થયો હતો અને બીજો બ્લાસ્ટ રાત્રે ત્રણ વાગે થયો હતો.

બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો આદર્યા હતા. નવ કલાકની જહેમત પછી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.  આ અંગે કંપનીને હાલમાં ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને આ મુદ્દે કલેક્ટરે ઔદ્યોગિક સેફટી વિભાગનો ઉધડો લીધો હોવાની માહિતી મળી છે. આ ઘટનાના લીધે વિભાગના કેટલાય કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

આ દુર્ઘટના બની તે સમયે કંપનીમાં 150 કર્મચારીઓ હતા. આગ પહેલા લાગેલા બ્લાસ્ટના લીધે આસપાસના બિલ્ડિંગની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. આ દુર્ઘટના હજી કેવી રીતે સર્જાઈ તે હજી સુધી જાણી શકાયું નથી. કંપનીના પ્લાન્ટમાં આગના સમાચાર મળવાની સાથે ગઈકાલે કંપનીના શેરમાં પણ ગાબડુ જોવા મળ્યું હતું. બજારમાં જબરજસ્ત તેજી છતાં કંપનીનું હજાર કરોડનું માર્કેટકેપ ધોવાઈ ગયું હતું.

ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતો હવે જાણે એક સિલસિલો બની ગયો છે, એક પછી એક ઔદ્યોગિક ક્ષેત્રમાં વારંવાર બનતા અકસ્માતો છતાં કોઈપણ પ્રકારની ચૂં કે ચા થતી નથી. દર વખતે એકને એક ગાણા ગાઈને ઘોડો ભાગી ગયા પછી તબેલાને તાળા દેવા જેવો ઘાટ સર્જાય છે.  આ કિસ્સામાં પણ થોડા ઉહાપોહ પછી સમગ્ર ઘટના પર ટાઢુ પાણી જ રેડી દેવામાં આવશે તેમ મનાય છે. જવાબદારો સામે કોઈ કાર્યવાહી થશે નહીં.