રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેના પગલે સરકાર કેટલાક પ્રતિબંધો ફરી લગાવી રહી છે. ત્યારે આવામાં નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે, હોળી અને ધુળેટી અંગે સીએમની અધ્યક્ષતામાં નિર્ણય કરાયો છે. હોળી અને ધુળેટી ધાર્મિક રીતે હોળી પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવશે. હોળીની ઉજવણીમાં ટોળાશાહી કરવા, એકબીજા પર રંગ નાંખવા અને પાણી નાંખવાની કોઈ મંજૂરી આપવામાં નથી આવી. માત્ર ધાર્મિક રીતે હોળી દહનની જ મંજૂરી રહેશે.
આગામી 28 માર્ચે હોળી અને 29 માર્ચે ધૂળેટી છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ મુદ્દે જાહેરાત કરતા જણાવ્યું કે, લોકો હોળીનું પ્રાગટ્ય કરી શકશે અને દરેક મહોલ્લા, શેરીમાં સંપૂર્ણ વિધિ વિધાન કોવિડની ગાઇડલાઇનનું પાલન કરતા હોળી પ્રગટાવી શકાશે પરંતુ ઘૂળેટીના દિવસે રંગોત્સવ મનાવવા પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે. નાયબ મુખ્યમંત્રીએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હોળીના પ્રાગટ્ય સમયે પણ સામાજિક અંતર અને માસ્ક સહિતના કોવિડના નિયમોને અનુસરવું જરૂરી રહશે.
કરફ્યૂ વિશે નાયબ મુખ્યમંત્રી બોલ્યા કે, જરૂર છે ત્યાં રાત્રિ કરફ્યૂ મૂક્યો છે, કેટલાક બજારો શનિ રવિમાં બંધ રાખ્યા છે. ખરીદી માટે લોકો માર્કેટમાં શનિ રવિમાં આવતા જતા હોય છે, તેથી મોલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વેપાર ધંધા કે નાના માણસની રોજગારી પર અસર ના થાય તેનું ધ્યાન રાખી રહ્યા છીએ. હાલ 4 થી 5 પ્રકારના કોરોનાના નવા સ્ટ્રેઈનના કેટલાક શહેરના દર્દીઓ જોવા મળ્યાં છે. સદનસીબે UK સ્ટ્રેઈન જે ખૂબ સંક્રમણ ફેલાવે છે તેની જે ચિંતા હતી, એવી ચિંતાજનક કોઈ સ્ટ્રેઈન માલુમ પડ્યું નથી.
કોરોના મામલે સરકારી વ્યવસ્થા અંગે તેમણે જણાવ્યું કે, સરકારની બધી હોસ્પિટલમાં 70 ટકા કરતા વધુ પ્રમાણમાં પથારી ખાલી છે. કોઈએ ડરવાની જરૂર નથી. કોઈપણ જાતના કરફ્યૂની વિચારણા રાજ્ય સરકાર નથી કરી રહી. રાત્રિ કરફ્યૂ એટલે છે કે નાગરિકો હોટેલ રેસ્ટોરન્ટ પર એકત્ર થાય અને જોખમ વધે નહિ. નેતા હોય કે કોઈ સાધુ સંત હોય, ખેલાડી હોય કે ઉદ્યોગપતિ હોય. સૌ કોઈ માનવી છે, ગમે તેને ગમે ત્યારે રોગ થઈ શકે.
ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં ફરી કોરોનાની મહામારીએ માથું ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1565 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 6 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં 969 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,74,249 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.08 ટકા પર પહોંચ્યો છે. હાલ 6737 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 લોકો વેન્ટિલેટર પર અને 6668 લોકો સ્ટેબલ છે.