નવસારી,
નવસારી જિલ્લામાં બે દિવસથી અવિરત વરસી રહેલા મુશલાધાર વરસાદને પગલે નવસારીમાં જળબંબાકાર થયું હતું. જોકે સાંજના સમયે વરસાદનું જોર ઘટતા વરસાદી પાણી ઓસરવા લાગ્યા હતા. પરંતુ સાંજ બાદ વરસાદે ફરી બેટિંગ કરી હતી.
સાથે જ નવસારીના ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં પણ નવા નીરની આવક થતા નદીઓ બંને કાંઠે વહેવા માંડી છે. જેમાં નવસારીની પૂર્ણા નદીની જળ સપાટી સતત વધી રહી છે.
જેને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પુરની શક્યતા પ્રબળ બની હતી. નદીનું જળ સ્તર વધતા તંત્ર દ્વારા પણ સતર્કતાના ભાગ રૂપ વડોદરાની એનડીઆરએફની ટીમને બોલાવી લેવામાં આવી હતી. જેને હાલ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને પગલે નવસારી અને વિજલપોર શહેરમાંથી સાંજ સુધીમાં 650 થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે પૂર્ણમાં પાણીની આવક વધતા નદી કિનારાના વિસ્તાર એવા તરોટા બજાર નજીક પારસી અગિયારી પાસેથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યુ હતું. જોકે હજી પૂર્ણા નદી ભય જનક સપાટીથી ત્રણ ફુટ નીચે વહી રહી છે. જેથી તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.