રાજકોટ,
શેરબજાર કે પ્રોપર્ટી કે અન્ય કોઈ પણ જગ્યાએ આજથી 7 વર્ષ પહેલા જેણે રિટર્ન ફાઇલ નથી કર્યું અને 10 લાખથી વધુ રકમની કેશ ડિપોઝિટ કરી છે અથવા તો રોકાણ કર્યું છે, તે તમામના કેસ રિએસેસમેન્ટમાં ગયા છે. જેમાં 148 કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જેને કારણે ચા, પાણી, પાનના ધંધાર્થી, બિલ્ડર, સોની વ્યાપારીઓ વગેરેને નોટિસ આપવામાં આવી રહી છે. જેમાં આવકવેરા વિભાગે નાણાં કયાંથી આવ્યા?, કેટલી આવક છે?, આવક અને રિટર્ન મેચ નથી થતા તો નાણાં કોણે ક્યાંથી આપ્યા? જેવા અનેક મુદ્દાની પૂછપરછ કરવામાં આવી રહી છે.
નાણાકીય વર્ષ 2010-11ના વર્ષના કેસ હાલમાં આવકવેરા વિભાગમાં રિઓપન થયા છે. જેની સંખ્યા સૌરાષ્ટ્રમાં બે હજારથી પણ વધુ છે. એક પણ શંકાસ્પદ કેસ આવકવેરા વિભાગે મુકયા નથી.
કરચોરોની તો પૂછપરછ કરી જ છે સાથે તેના પરિવારજનો, સગાં વહાલા દરેકની આવક શું છે. તેની તમામ માહિતી આવકવેરા વિભાગે એકત્રિત કરી રહ્યા છે. જે કેસમાં કરદાતાઓએ માહિતી નથી આપી તેઓની માહિતી બેંક, સ્ટોક એક્સચેન્જ પાસેથી મેળવી લેવામાં આવી છે.
આવકવેરા વિભાગે લેટર લખી નામાનાની માહિતી મેળવી લીધી છે. જે કોઈને નોટિસ મળી છે તેઓને પણ ડિસેમ્બર સુધીમાં જવાબ આપવાના છે. સમયગાળો ઓછો છે અને કામગીરી વધારે છે માટે મુદત વધારવા માટે માંગ ઊઠી છે.
જો કે એસેસમેન્ટના કેસમાં વધુ માહિતી માગવામાં આવે છે, જ્યારે જે કેસ રિઓપન થયા છે તેમાં જરૂર પૂરતી જ માહિતી આપવાની રહે છે. એક બાજુ હાલમાં એસેસમેન્ટની કામગીરી ચાલુ છે અને કેસ પણ રિઓપન થયા છે. બન્નેની મર્યાદા ડિસેમ્બર માસ છે તો આ સમય મર્યાદા વધારવામાં આવે તેવી માંગ ઊઠી છે.
હાલ ઈ-એસેસમેન્ટ કરવાનું છે પણ આ પધ્ધતિ હજુ સૌરાષ્ટ્રમાં જોઈએ તેવી શરૂ નથી થઈ, કેટલાક કિસ્સામાં અધિકારીઓ સામેથી કહે છે કે, પ્રિન્ટ આઉટ આપી જાવ સાબિત નહીં થાય તો પેનલ્ટી, 7વર્ષનું વ્યાજ બન્ને ભરવા પડશે એસેસમેન્ટ બે વર્ષમાં કરવાનું હોય છે. જે બે વર્ષમાં નથી થયા તેવા કેસો સાત વર્ષ પછી પણ ખુલી શકે છે. 148ની કલમ એવા જ લોકો સામે લાગુ થઈ છે.