નવી દિલ્હી,
વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા હતા. ૧૫ ઓગષ્ટ, સ્વતંત્રતા દિવસ પર ૨૦૧૪ બાદ તેઓ અત્યારસુધીમાં ચાર વાર દેશવાસીઓને સંબોધિત કરી ચુક્યા છે. લાલ કિલ્લાની પ્રાચીન પરથી દેશવાસીઓને સંબોધતા આ ચાર વર્ષોમાં તેઓએ દેશના વિકાસ માટે અનેક કાર્યક્રમોની જાહેરાત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભારતનો સમુચિત વિકાસ કરીને ન્યુ ઇન્ડિયા બનાવવા માટે સાત દાયકા જુના યોજના આયોગને બંધ કરીને નીતિ આયોગનું ગઠન, મેક ઇન ઇન્ડિયા, પ્રધાનમંત્રી જનધન યોજના, સાસંદ આદર્શ ગ્રામ યોજના, સ્કીલ ઇન્ડિયા તેમજ સ્ટેન્ડ અપ ઇન્ડિયા સહિતના અનેક યોજનાઓની શરૂઆત કરી છે.
ત્યારે હવે ૭૨ માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે પીએમ મોદી પોતાના અંતિમ ભાષણ આપવા જઈ રહ્યા છે, ત્યારે જાણો, આ પહેલાના ભાષણ દરમિયાન તેઓએ દેશવાસીઓને સંબોધતા જે વાયદાઓ આપ્યા હતા તેની જમીની હકીકત શું છે.
૧. પ્રધાનમંત્રી જનધન યોજના :
૨૦૧૪માં પોતાના પ્રથમ ભાષણમાં પીએમ મોદીએ પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાના એલાન દરમિયાન તેઓએ દેશના ગરીબ લોકોને બેંક સાથે જોડી ડેબિટ કાર્ડ આપવા અને સાથે પ્રતિ વ્યક્તિને ૧ લાખ રૂપિયાનો જીવન વીમો આપવાની ઘોષણા કરાઈ હતી.
જો કે ત્યારબાદ આ યોજનાની ઘોષણા બાદ આગળ વધારવામાં આવી અને મોટી સંખ્યામાં જનધન ખાતા ખોલવામાં આવ્યા, પરંતુ અ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે ગરીબ પરિવાર હજી પણ રાહ જોઈ રહ્યા છે.
૨. સ્કિલ ઇન્ડિયા :
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, દેશની ૬૫ ટકા જનસંખ્યા ૩૫ વર્ષની ઉંમરથી નીચે છે. આ તાકાતનો મહત્તમ ફાયદો ઉઠાવવા માટે સરકાર સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમ દ્વારા એક મોટી સ્કિલ વર્ક ફોર્સ તૈયાર કરવા માટેની યોજના પર લાગી છે.
આ ઉપરાંત દુનિયાભરને વર્ક ફોર્સ આપવા માટે યુવાનોને તૈયાર કરવા પર જોર અજમાવવામાં આવ્યું, પરંતુ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આ મહત્વના કાર્યક્રમ માટે કોઈ ખાસ પહેલની જરૂરત છે.
૩. સ્ટેન્ડઅપ ઇન્ડિયા :
કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના અંતર્ગત દેશના નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે એક ખાસ બીડું ઉપાડ્યું હતું. આ યોજનાથી નાના વેપારીઓને પ્રોત્સાહન આપી તેઓને સક્ષમ બનાવવા અને આ દ્વારા તેઓ દેશમાં યુવાનો માટે મોટી સંખ્યામાં રોજગારી ઉભી કરી શકે. જો કે અત્યારસુધી આ યોજનામાં પણ સાર્થક પરિણામ મળ્યું નથી.
૪. મેક ઇન ઇન્ડિયા :
દેશમાં વેપાર આને ધંધાને પ્રોત્સાહન આપવા માટે પીએમ મોદીએ અત્યારસુધીની સૌથી મોટી મેક ઇન ઇન્ડિયાની યોજની ઘોષણા લાલ કિલ્લા પરથી કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ હતો કે, ભારતને સમગ્ર દુનિયા માટે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં આવે અને આ ક્ષેત્રમાં બ્રાંડ ઇન્ડિયા ઉભી કરાય.
આ ઉપરાંત યોજના હેઠળ કેન્દ્ર સરકારની કોશિશ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં દુનિયાની કંપનીઓને એ શરત પર કરાર કરવામાં આવે કે તેઓની કંપની ભારતમાં પોતાનું મેન્યુફેક્ચરિંગ કરવા માટે તૈયાર થાય. પરંતુ યોજનાના એલાન બાદ પણ અત્યારસુધીમાં કોઈ સફળતા મળી નથી.
૫. આદર્શ ગામ :
લાલ કિલ્લા પરથી પોતાના પ્રથમ ભાષણમાં પીએમ મોદીએ દેશના તમામ સાંસદોને એક ગામ દત્તક લેવા માટે અપીલ કરી હતી. એક વર્ષની અંદર તમામ સાંસદોએ પોતાના પસંદ કરેલા ગામને એક વિકાસના મોડલ તરીકે બનાવવાનું હતું. પરંતુ આ યોજના હેઠળ અત્યારસુધીમાં એક પણ ગામને આદર્શ ગામ તરીકે બતાવવામાં આવ્યું નથી.
૬. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ :
૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ મધરાત્રે દેશમાં વન નેશન વન ટેક્સ હેઠળ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની શરૂઆત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારને ભરોષો હતો કે, આ પગલા દ્વારા સરકારની તિજોરીની સાથે દેશના વેપારમાં પણ એક નવી દિશા મળશે.
પરંતુ આ ટેક્સ પ્રણાલીના લાગુ થયા બાદ એક વર્ષ કરતા વધુનો સમય વીતી ગયો છે, પરંતુ GST લાગુ કર્યા બાદ સામે આવી રહેલી ખામીઓને દૂર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત કોશિશ કરી રહી છે.