IND vs ENG 4th Test Day 4 :રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમે રાંચીમાં પણ ઈંગ્લેન્ડને હરાવ્યું છે. રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું છે. પ્રથમ ટેસ્ટમાં હાર બાદ ભારતીય ટીમે જોરદાર વળતો પ્રહાર કર્યો અને વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડ સામે જીતની હેટ્રિક લગાવી. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની આ ટેસ્ટ શ્રેણી એક મેચ બાકી રહેતાં જીતી લીધી અને 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી. પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ 7 થી 11 માર્ચ સુધી ધરમશાલાના HPCA સ્ટેડિયમમાં રમાશે.
રાંચીમાં વિજય સાથે શ્રેણી પર કબજો કર્યો
ભારતને રાંચી ટેસ્ટ મેચ જીતવા માટે ચોથી ઇનિંગમાં 192 રનનો ટાર્ગેટ હતો. ભારતીય ટીમના બેટ્સમેનોએ કંઈપણ અનિચ્છનીય બનવા દીધું ન હતું અને 61 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને ધમાકેદાર જીત મેળવી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ રાંચી ટેસ્ટના ચોથા દિવસે અંગ્રેજોને હરાવ્યું. ભારતીય ટીમ તરફથી બીજી ઇનિંગમાં શુભમન ગિલે સૌથી વધુ અણનમ 52 રન બનાવ્યા હતા. આ સિવાય ધ્રુવ જુરેલે અણનમ 39 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે 3 વિકેટ લીધી હતી. જો રૂટ અને ટોમ હાર્ટલીએ 1-1 વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા ઈંગ્લેન્ડનો બીજો દાવ 145 રનમાં સમેટાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
ભારતની જીતમાં ધ્રુવ જુરેલે મોટી ભૂમિકા ભજવી હતી.
ઈંગ્લેન્ડ તરફથી બીજી ઇનિંગમાં જેક ક્રાઉલીએ સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 4 વિકેટ લીધી હતી. આ સિવાય રવિન્દ્ર જાડેજાને 1 વિકેટ મળી છે. ભારતનો પ્રથમ દાવ 307 રનમાં સમેટાઈ ગયો હતો. પ્રથમ દાવના આધારે ઈંગ્લેન્ડને ભારત સામે 46 રનની લીડ મળી હતી. ભારતીય ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે પ્રથમ દાવમાં 90 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય યશસ્વી જયસ્વાલે 73 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. આ પહેલા ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 353 રન પર સમાપ્ત થયો હતો. જો રૂટે અણનમ 122 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દાવમાં સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
ભારત V/S ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી (અત્યાર સુધીના પરિણામો)
- પહેલી ટેસ્ટ (હૈદરાબાદ) – ઈંગ્લેન્ડ 28 રનથી જીત્યું
- બીજી ટેસ્ટ (વિશાખાપટ્ટનમ) – ભારત 106 રનથી જીત્યું
- ત્રીજી ટેસ્ટ (રાજકોટ) – ભારત 434 રનથી જીત્યું
- ચોથી ટેસ્ટ (રાંચી) – ભારત 5 વિકેટે જીત્યું
- પાંચમી ટેસ્ટ (ધર્મશાલા) – 7 થી 11 માર્ચ (મેચો બાકી)
આ પણ વાંચો:આંકલાવની કોસિન્દ્રા સ્કૂલમાં શિક્ષણ જગતને કલંક લગાડતી ઘટના
આ પણ વાંચો:વેરાવળ બંદર પરથી 350 કરોડનું હેરોઈન પકડાયું, 9 ખલાસીની ધરપકડ