ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ થોડા દિવસો માટે બંધ થઈ શકે છે. ઈઝરાયેલે હમાસને એક પ્રસ્તાવ મોકલ્યો છે જેમાં તેને 2 મહિના માટે યુદ્ધ રોકવાની વાત કહેવામાં આવી છે. આ પ્રસ્તાવ કતાર અને ઈજિપ્ત દ્વારા મોકલવામાં આવ્યો હતો, જેઓ આ લડાઈમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ઇઝરાયેલ હમાસને યુદ્ધ રોકવા સામે એક શરત મૂકી છે. આ શરત મુજબ ગાઝામાં બંધક બનાવવામાં આવેલા તમામ લોકોને મુક્ત કરવામાં આવે તો 2 મહિના જેટલા સમય સુધી યુદ્ધ બંધ રાખવામાં આવી શકે. હવે જોવાનું રહેશે કે શું હમાસ ઇઝરાયેલના પ્રસ્તાવના સ્વીકાર કરશે?
ઈઝરાયલના સંરક્ષણ વિભાગ સાથે જોડાયેલા બે અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે ગાઝા બંધક બનાવવામાં આવેલ ઈઝરાયલના પરિવારો તરફથી તેમના પર યુદ્ધ રોકવાને લઈને સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમના નાગરિકોની સુરક્ષાને લઈને ઇઝરાયેલ યુદ્ધ વિરામને લઈને મહત્વની બાબત પર વિચારણા કરી રહ્યું છે. અને આ માટે હમાસ સમક્ષ શરતી પ્રસ્તાવ મૂકયો છે.
લાંબો સમય યુદ્ધ ચાલતા નાગરિકો નારાજ
વાસ્તવમાં, ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ડઝનેક ઇઝરાયેલના પરિવારો સરકાર પર ઘણું દબાણ લાવી રહ્યા છે. આ લોકો સોમવારે ફાઇનાન્સ કમિટીની બેઠક દરમિયાન ઇઝરાયેલની સંસદમાં પ્રવેશ્યા હતા. નારાજ પરિવારના સભ્યોએ કહ્યું, ‘જ્યારે બંધકો ત્યાં મરી રહ્યા છે ત્યારે તમે અહીં મીટિંગ કરી રહ્યા છો. બંધકોને મરવા માટે મૂકી દીધા છે તેમને છોડાવા માટે તમે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા.’ અગાઉ રવિવારે રાત્રે, પરિવારના સભ્યોએ તેમનો વિરોધ ચાલુ રાખવા માટે જેરુસલેમમાં તંબુ નાખ્યા હતા અને જ્યાં સુધી સરકાર કેટલાક બંધકોને મુક્ત કરવા માટે કોઈ કરાર ન કરે ત્યાં સુધી ત્યાં જ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. બંધકોના સંબંધીઓએ તાજેતરના દિવસોમાં તેમના વિરોધને વધુ તીવ્ર બનાવ્યો છે. તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર તેમના પ્રિયજનોને મુક્ત કરવા માટે વધુ પ્રયાસ કરે.
ઈઝરાયલના હુમલામાં 50 લોકોના મોત
સોમવારે, ઈઝરાયલે દક્ષિણ ગાઝા પટ્ટીના ખાન યુનિસમાં જોરદાર બોમ્બમારો કર્યો હતો, જેમાં 50 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા સૂત્રોએ આ માહિતી આપી છે. પેલેસ્ટાઇનની રેડ ક્રેસન્ટ સોસાયટીએ મીડિયાને જણાવ્યું હતું કે તેને આશ્રય કેન્દ્રો પર બોમ્બ ધડાકાને કારણે વિસ્થાપિત લોકોમાં મૃત્યુ અને ઇજાઓના અહેવાલો પ્રાપ્ત થયા છે. સોસાયટીએ જણાવ્યું હતું કે, “ઇઝરાયલી ટેન્કો અલ-અમાલ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો અને જમીન પરના હુમલાને કારણે અમે ખાન યુનિસમાં અમારી ટીમ સાથેનો સંપર્ક સંપૂર્ણપણે ગુમાવી દીધો છે.” તેના એમ્બ્યુલન્સ કેન્દ્રને ઇઝરાયલી દળો દ્વારા ઘેરી લેવામાં આવ્યું હતું અને જેણે પણ ફરવાનો પ્રયાસ કર્યો હતો તેને નિશાન બનાવવામાં આવ્યો હતો. જેના કારણે ખાન યુનિસમાં ઘાયલો સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ