Lifestyle: હોળીનો તહેવાર (Holi Festival) કેવળ રંગો સુધી જ સીમિત નથી હોતો પંરતુ, આ વિશેષ પર્વ પર ભાત-ભાતના સ્વાદિષ્ટ પકવાનો અને વ્યંજન પણ બનાવવામાં આવે છે. આ પૈકીનું એક છે ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard)…આ એક સ્વીટ ડિશ છે અને કોઈ પણ તહેવાર સ્વીટ વિના તો અધૂરો જ ગણાય છે. આ સંજોગોમાં જ્યારે પણ હોળીનો તહેવાર પાસે આવતો હોય ત્યારે તમામ ઘરોમાં આ વિવિધ વાનગીઓ બનાવવાની તૈયારીઓનો પ્રારંભ થઇ જાય છે! ખાવામાં આ જેટલી સ્વાદિષ્ટ વાનગી (Recipe) છે એટલી જ બનાવવામાં સરળ છે અને તમે એને હોળીના ખાસ અવસર પર અગાઉથી બનાવીને પણ રાખી શકો છો.
આમ તો હોળીને રંગોનો તહેવાર (Holi Festival) માનવામાં આવે છે અને સમગ્ર ભારતમાં ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા તિથિએ એને મનાવવામાં આવે છે. આ તહેવાર હિન્દુ પર્વો પૈકીનો એક પ્રમુખ તહેવાર ગણાય છે. જે ઋતુકાળ પરિવર્તનનો પણ સંકેત છે. આ દિવસે હોલિકાદહન (Holikadahan) કરવામાં આવે છે જે દુષ્ટતા પર સારપના વિજયનું અને વસંત ઋતુના આગમનનું પણ પ્રતીક છે. હોળીના બીજા દિવસે લોકો એકબીજા પર રંગ અને પાણી ઉડાડીને ધૂળેટી મનાવે છે. આ સિલસિલો પ્રત્યેક વર્ષે ભારતના અનેક રાજ્યો અને સ્થળોએ જાળવવાની પરંપરા (Indian Tradition) છે. હોળીના ખાસ અવસર પર તમે આ સરસ મજાની વાનગી બનાવીને રાખી શકો છો.

શી રીતે બનાવશો ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard)?
ફ્રુટ કસ્ટર્ડ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 લિટર દૂધ
2 મોટી ચમચી કસ્ટર્ડ પાવડર
4 થી 5 ચમચી ખાંડ અથવા સ્વાદાનુસાર
1 કપ તાજા મનપસંદ ફળો (સફરજન, કેળા, દ્રાક્ષ, દાડમ)
આવશ્યકતા અનુસાર ડ્રાયફ્રુટ્સ (કાજુ, બદામ, પિસ્તા)

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ 1 લિટર દૂધ (Milk)માંથી 1 કપ જેટલું દૂધ અગાઉથી જ કાઢી લેવું અને એમાં 2 ચમચી કસ્ટર્ડ પાવડર (Custard Powder) મિક્સ કરી લેવો અને સારી રીતે હલાવવું જેથી કોઇ ગાંઠા ન પડે.
2. હવે બાકીના દૂધને ઉકાળી લેવું. આ માટે એક જાડા તળીયાવાળું નન સ્ટિક પેન અથવા સ્ટીલની કડાઇ લેવી.
3. જ્યારે વાસણમાં રહેલું દૂધ ઉકળવા લાગે ત્યારે એમાં ખાંડ (Sugar) ઉમેરી દેવી અને એ ઓગળે ત્યાં સુધી સતત હલાવ્યા કરવું.
4. હવે ફ્લેમને ધીમી કરી દો અને અગાઉથી બનાવી રાખેલા કસ્ટર્ડ તથા દૂધના મિશ્રણને ધીમે-ધીમે દૂધમાં ઉમેરતા જાઓ. આ દરમિયાન, દૂધને સતત હલાવતા રહેવું જેથી કસ્ટર્ડ તળિયે બેસી ન જાય.
5. ત્યારબાદ, આ દૂધને 3 થી 4 મિનિટ સુધી દૂધ ઘટ્ટ બની જાય ત્યાં સુધી ધીમા તાપે થવા દો.
6. હવે ગેસની ફ્લેમ બંધ કરીને એને નીચે ઉતારી લો અને એકદમ ઠંડુ થવા દો.
7. આ સમય દરમિયાન તમારા મનપસંદ ફળો જેવા કે, સફરજન, કેળા (Apple, Banana Fruits) વગેરેને બારીક સમારીને ઉમેરી દો. કાળી કે લીલી દ્રાક્ષ અને દાડમના દાણા (Green Grapes or Black Grapes)ને તમે આખા ઉમેરી શકો છો.

જો તમે ઇચ્છતા હો તો સ્ટ્રોબેરી તથા કીવી (Strawberries and kiwi)ને સમારીને સર્વ કરતી વખતે ઉમેરવી કારણ કે ખાટા ફ્રુટ્સને અગાઉથી ઉમેરવાથી કસ્ટર્ડ બગડી શકે છે.
8. હવે બારીક સમારેલા બદામ, કાજુ અને પિસ્તા વગેરે ડ્રાયફ્રુટ્સ (Dry Fruits)ને ઉમેરીને ફ્રિઝમાં ઠંડુ થવા મૂકો.
તો તૈયાર છે તમારું ઠંડુ-ઠંડુ ફ્રુટ કસ્ટર્ડ….જેને તમે હોળીના પર્વ પર અથવા મન થાય ત્યારે બનાવીને ખાઇને આ સ્વીટ ડિશનો આનંદ માણી શકો છો!
આ પણ વાંચો: ધમનીઓમાં જામેલા ખરાબમાં ખરાબ કૉલેસ્ટ્રોલને શરીરની બહાર ફેંકી દે છે આ ફળો, હૃદયના સ્વાસ્થમાં લાવે છે સુધાર!
