નવી દિલ્હી,
દેશની સર્વોચ્ચ અદાલતની કોલેજિયમ બોડી દ્વારા ચાર રાજ્યોની હાઈકોર્ટના ચીફ જસ્ટિસની સુપ્રીમ કોર્ટના જજ તરીકે વરણી કરવા માટે ભલામણ કરી છે. ચાર રાજ્યોની હાઈકોર્ટના ચીફ જસ્ટિસમાં જસ્ટિસ આર સુભાષ રેડ્ડી, એમ આર શાહ, અજય રસ્તોગી તેમજ હેમંત ગુપ્તાનો સમાવેશ થાય છે.
આર સુભાષ રેડ્ડી ગુજરાત હાઈકોર્ટ, એમ આર શાહ પટના હાઈકોર્ટ, અજય રસ્તોગી ત્રિપુરા હાઈકોર્ટ અને હેમંત ગુપ્તા મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે જેઓને હવે સુપ્રીમ કોર્ટના જજ બનાવવા માટે વિચારણા કરવામાં આવી છે.
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ, જસ્ટિસ મદન બી લોકુર, જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ એ કે સિકરી અને જસ્ટિસ એસ એ બોબડેના વડપણ હેઠળની કોલેજિયમ બોડી દ્વારા કહેવામાં આવ્યું કે, “અન્ય ચીફ જસ્ટિસની તમામ બાબતોની તુલનાએ યોગ્યતા ધરાવતા દેશની હાઈકોર્ટના સિનીયર જજોને દેશની સર્વોચ્ચ અદાલતના જજ તરીકેની નિમણુંક કરવા માટે ભલામણ કરાઈ છે”.
કોલેજિયમ બોડીએ કરેલા રીઝોલ્યુશન મુજબ, આ બોડી દ્વારા દેશભરની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને ઉચ્ચ ન્યાયાલયોના વરિષ્ઠ ન્યાયાધીશોની વરિષ્ઠતા, યોગ્યતા અને પ્રામાણિકતા ધ્યાનમાં લેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરના હાઇકોર્ટના સિનીયર જજની તુલનામાં ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી નંબર ૪, એમ આર શાહ ૧૭, અજય રસ્તોગી ૨૫ તેમજ હેમંત ગુપ્તા ૪ નંબરે આવે છે.