નવી દિલ્હી,
નેશનલ હેરાલ્ડ હાઉસ કેસ મામલે દિલ્હી હાઈકોર્ટ તરફથી દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટ દ્વારા એલએનડીઓની લીઝ રદ્દ કરતા કોંગ્રેસને હેરાલ્ડ હાઉસ ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ હવે કોંગ્રેસ પાર્ટીને હેરાલ્ડ હાઉસ ૫૬ વર્ષ બાદ ખાલી કરવું પડશે અને સાથે સાથે કોર્ટ દ્વારા આ હાઉસ ખાલી કરવા માટે ૨ સપ્તાહનો સમય આપ્યો છે.
આ પહેલા ૩૦ ઓક્ટોબરના રોજ એસોસિયેટ જર્નલ્સ લિમિટેડ (AJL)ને એલએનડીઓ દ્વારા નોટિસ મોકલીને ૧૫ નવેમ્બર સુધીમાં ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ આ આદેશને AJL દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
હાઈકોર્ટમાં આ પીટીશન નેશનલ હેરાલ્ડ હાઉસના પ્રકાશક AJL દ્વારા કરવામાં આવી હતી, જેમાં કેંદ્રના આદેશને પડકારવામાં આવ્યો હતો જેનાથી ૫૬ વર્ષ જૂની લીજને સમાપ્ત કરતા ITO સ્થિત ઈમારતને ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલાની સુનાવણી કરી રહેલા સુનિલ ગૌર દ્વારા સરકારના ૩૦ ઓક્ટોબરની નોટિસ વિરુધ AJLની અરજી પર ૨૨ નવેમ્બરના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.