ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી)ના કર્મચારીઓની હડતાળનું એલાન સમેટાઈ ગયું હતું. સરકારે તેમની માંગોના સત્વરે ઉકેલ માટે સમયમર્યાદાની અંદર રહીને કામ કરવાની આપેલા ખાતરીના પગલે કર્મચારી મહામંડળે આંદોલન સમેટવાનો નિર્ણય લીધો હતો.
વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની સાથે-સાથે સરકારના સચિવ અને અધિકારીઓની યોજાયેલી આ બેઠકમાં કર્મચારીઓની ત્રણ જુદી-જુદી માંગના મુદ્દે વ્યાપક પાયા પર ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર વાતચીત એકદમ હકારાત્મક વાતાવરણમાં યોજાઈ હતી.
ચર્ચા દરમિયાન એસટી વિભાગના કર્મચારીઓની પડતર માંગોને લઈને સરકારના હકારાત્મક વલણના પગલે કર્મચારી મહામંડળે પણ સમાધાનની ભૂમિકા તૈયાર કરી દીધી છે. પડતર પ્રશ્નોના સમાધાનની ખાતરી મળતા એસટી કર્મચારી મહામંડળે પણ આનંદની લાગણી વ્યક્ત કરી છે. મંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠક બાદ પદાધિકારીઓને મોડી રાત સુધી અમદાવાદના રાણીપ ડેપો પર બેઠક મળી હતી. તેના પછી એસટી કર્મચારીઓ દ્વારા આંદોલન સમેટવાનો નિર્ણય લેવાયો હતો.
એસટી કર્મચારીઓની નાણાકીય બાબતો અને પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે વહીવટીતંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે. તેમની લડત છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતી હતી. છેલ્લા કેટલાય વર્ષોથી તેમના પડતર પ્રશ્નોનો નિકાલ આવ્યો ન હતો. તેના પગલે તેઓએ 23 ઓક્ટોબરથી બીજી નવેમ્બર સુધી હડતાળની જાહેરાત કરી હતી. તેની સાથે જ વિવિધ સરકાર વિરોધી કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા હતા.
એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી હડતાળ કુલ સાત મુદ્દાઓને લઈને કરવામાં આવી હતી. તેમા 11 ટકામાંથી સાત ટકા જ મોંઘવારી ભથ્થુ આપ્યુ, જેના વિરોધમાં હડતાળ કરાઈ હતી. આ સાથે અગાઉની જાહેરાત પ્રમાણે મોંઘવારી ભથ્થાંનું એરિયર્સ ત્રણ હપ્તામાં આપવામાં આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.ઘરભાડાં ભથ્થુ અને સિટી એલાઉન્સ આપવામાં આવતું ન હતું. તે પણ હડતાળ ઉતરવાના લેવાયેલા નિર્ણયમાં એક મહત્વનો મુદ્દો હતો.
આ સિવાય ગઈ દિવાળીનું બોનસ આ દિવાળી આવવા છતાં આપવામાં ન આવતા કર્મચારીઓ ગુસ્સે થયા હતા. સાતમા પગારપંચ મુજબ ઓવરટાઇમ આપવાના બદલે છઠ્ઠા પગારપંચ મુજબ પગાર અપાય છે તેનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે છ મહિનાથી પત્રવ્યવહાર ચાલુ છે, પરંતુ તેનો કોઈ નિકાલ ન આવતા આંદોલનની જાહેરાત કરાઈ હતી.
આ પણ વાંચોઃ Canada/ ટ્રુડોના રાજમાં કેનેડામાં ખાલિસ્તાનને લઈને ‘જનમત સંગ્રહ ‘ની તૈયારી!
આ પણ વાંચોઃ Indian Mobile Congress/ ભારત 6Gમાં વર્લ્ડ લીડર બનશેઃ PM મોદી
આ પણ વાંચોઃ Canada Visa/ કેનેડા જવા માગતા લોકો માટે સારા સમાચાર,’ 7-10 દિવસમાં મળશે વિઝા’