Not Set/ પાકિસ્તાન બાદ ચીને પણ સલાહકાર સ્તરની સુરક્ષા બેઠકમાં ભાગ લેવા કર્યો ઇનકાર

ભારતમાં અફઘાનિસ્તાન મુદ્દે થનારી બેઠકમાં પાકિસ્તાન ભાગ લઇ શકશે નહિ. હું ભારત જઈશ નહિ કારણકે સ્થિતિ બગાડનારા લોકો શાંતિ સ્થાપિત કરી શકતા નથી.

Top Stories India
ચીન પાકિસ્તાન

ભારતમાં અફઘાનિસ્તાનને લઈ રાષ્ટ્રીય સલાહકાર સ્તરની સુરક્ષા બેઠક મળવા માટે જઈ રહી છે. જેમાં ઘણા મહત્વના દેશો ભાગ લે તેની પૂરી શક્યતા રહેલી છે. જોકે પાકિસ્તાને થોડાક સમય પહેલા જ આ બેઠકમાં ભાગ લેવાની ના પાડી દીધી છે. પાકિસ્તાન બાદ ચીનનું પણ વલણ સામે આવ્યું છે અને ચીને પણ બેઠકમાં ભાગ ન લેવા માટે મનાઈ ફરમાવી દીધી છે તેવું સામે આવ્યું છે.

ચીને બેઠકમાં ભાગ ન લેવાના કારણમાં બેઠકનો સમય બતાવ્યો છે. 10 નવેમ્બરના રોજ આ બેઠક યોજાશે જેમાં રશિયા, ઈરાન, તજાકિસ્તાન,ઉજ્બેકિસ્તાન,કજાકીસ્તાન, કિર્ગીસ્તાન,તુર્કમેનીસ્તાન સહિતના દેશો ભાગ લેશે. આ બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ કરશે. આ બેઠકમાં અફઘાનિસ્તાનને લઇ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તાલિબાનને કબજો મેળવ્યા બાદ સામે આવેલા પડકારો,ડ્રગ્સ ઉત્પાદન, અફઘાનિસ્તાનની ધરતી પર આતંકવાદ અને કટ્ટરતા અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

પાકિસ્તાનના NSA મોઈદ યુસુફે આ મુદ્દે જણાવ્યું હતું કે, ભારતમાં અફઘાનિસ્તાન મુદ્દે થનારી બેઠકમાં પાકિસ્તાન ભાગ લઇ શકશે નહિ. હું ભારત જઈશ નહિ કારણકે સ્થિતિ બગાડનારા લોકો શાંતિ સ્થાપિત કરી શકતા નથી.

મોઈદે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દાયકાથી ચાલી રહેલા યુદ્ધે પાકિસ્તાનને પણ સીધી રીતે નુકસાન પહોચાડ્યું છે. અફઘાનિસ્તાનમાં થયેલા યુદ્ધના પગલે 80,000 લોકોના મોત થયા છે. આ ઉપરાંત પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને 150 બિલિયન ડોલરનું નુકસાન પહોચ્યું છે. આ પાકિસ્તાન માટે રાજકીય મામલો નથી પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને માનવીય ચિંતાનો મુદ્દો છે. પાકિસ્તાન પાસે અફઘાનિસ્તાન સાથે જોડાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં માનવીય સંકટને ટાળવા માટે તાલિબાન સાથે રચનાત્મક જોડાણની જરૂરિયાત છે. કબૂલ સાથે દુનિયા જોડાવવામાં નિષ્ફળ રહે છે તો તેનું પરિણામ ગંભીરરૂપે આવી શકે છે અને માનવજાત પર સંકટ ઉભું કરી શકે છે.

નોંધનીય છે કે, પહેલી સપ્ટેમ્બર,2018 અને ડિસેમ્બર,2019માં બે બેઠક ઈરાનમાં થઇ ચુકી છે અને ત્રીજી બેઠક ભારતમાં યોજાવવાની હતી પરંતુ કોરોનાના કારણે બેઠક યોજાઈ શકી ન હતી.