અમદાવાદ,
ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર ન કરવા મામલે કોંગ્રેસ દ્વારા ચુંટણીપંચ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે કે, વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની ચુંટણી દરમિયાન ચુંટણીપંચે કોંગ્રેસની મદદ કરી હતી.
એક કાર્યક્રમ દરમિયાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની ચુંટણી દરમિયાન નરેન્દ્ર મોદીને કામ કરતા રોકવા માટે કોંગ્રેસે ચુંટણી આયોગ પર દબાણ કરીને મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ કરાયા હતા. જેથી કરીને રાજ્યમાં કોઈપણ વિકાસ કામને પૂરુ કરી શકાય નહીં. વર્ષ ૨૦૧૨માં મુખ્ય ચુંટણી કમિશનર વીએસ સંપથે ૩ ઓક્ટોબરના રોજ ગુજરાત અને હિમાચલપ્રદેશમાં એક સાથે ચુંટણીની જાહેરાત કરી હતી. તે સમયે મોડલ કોડ ઓફ કન્ડક્ટ ૮૩ દિવસ સુધી ચાલ્યા હતા. જેના કારણે સરકાર પોતાના અનેક કાર્યરત યોજનાને પુરી કરી શકી નહોતી.
જો કે , વિજય રૂપાણી દ્વારા લગાવવામાં આવેલ આ આરોપોને તત્કાલિન મુખ્ય ચુંટણી કમિશનર સંપથે ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે ચુંટણીપંચ હંમેશા સ્વતંત્ર રીતે કામ કરે છે. તે રાજકીયપક્ષોની સલાહ ચોક્કસ લે છે પરંતુ નિર્ણય પોતાની રીતે જ કરે છે. સલાહ માત્ર એટલા માટે લેવામાં આવે છે કે જેથી રાજકીય પક્ષોને કોઈ તકલીફ હોય તો સમજી શકાય અને યોગ્ય કારણ હોય તો તે દૂર કરી શકાય અને આ તક કોઈ એક પક્ષને નહીં પણ તમામ પક્ષને અપાતી હોય છે.