સુસ્ત સાંજ , ગરમ હવા , તપતો સુરજ અને વધતા કોરોનાના આંકડાઓએ લોકોની ચિંતામાં ફરી વધારો કરી દીધો છે. સાંજ આજે પણ પહેલાની જેમ જ ઢળે છે. પરંતુ ઢળતી સાંજ બઝારોમાં ચહલ-પહલ નથી લાવી શકતી તે વેપારીઓની મૂંઝવણ છે. ધંધાની રાહ જોઈ બેઠેલા વેપારીઓના હાથ સૂર્યાસ્ત બાદ ઘેરી નિરાશા જ લાગે છે. કેમ કે દિવસ પૂરો થવાની અણી પર હોય છે તેમછતાં કેટલાય વેપારીઓ બોણી પણ નથી કરી શકતા. કહેવાનો આશય છે કે, કોરોના ની ગતિ તેજ છે તો બજારો માં રોજગારો ઠપ્પ થતા ચાલ્યા છે. જેની સીધી અસર લોકોની રોજી રોટી અને પરિવારો સુધી આવે છે.
જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર, દેશના રોલ મોડેલ અને સલામત ગણાતા ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધતી ચાલી છે. જેમાં ખાસ તો વિધાનસભામાં બેસતા ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન થકી ચોંકાવનારી માહિતી મળી છે કે, છેલ્લા એક વર્ષમાં લગભગ 46,651 જેટલા ગરીબ પરિવારો વધ્યા છે. જેમાં અગાઉ 2019 માં સરકારે રજૂ કરેલા આંકડાઓ મુજબ, ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા 30,94, 580 હતી. જે ડિસેમ્બર 2020 માં વધી ને 31,41, 231 જેટલી થવા પામી છે. ત્યારે આ અંગે વિપક્ષોના દાવા મુજબ, એક કુટુંબ દીઠ 6 જેટલા સભ્યો ગણવામાં આવે તો, શરેરાસ 1.88 કરોડ જેટલી ગરીબોની સંખ્યા થાય.
ત્યારે વિચારો કે, આ કયો અને કોનો વિકાસ છે. સમજી શકાય તેમ છે કે, સ્થિતિ વસમી આવી છે. પરંતુ 2 વર્ષ અગાઉના આંકડાઓ પણ કઈ સંતોષજનક તો નથી જ. અને વળી કોરોના બાદ તો ધંધા રોજગારો જ્યાં ઠપ્પ થતા જાય છે ત્યાં અગર રોજગારી જ છીનવાય તો લોકો ગુજરાન કેમ ચલાવે તે પેચીદો સવાલ છે. કોરોના બાદ દેશમાં લગભગ 10,000 જેટલા લોકોએ ધંધા સમેટ્યાં છે. અને વળી આ આંકડાઓ તો બને કે થૉડા નાના મોટા વ્યવસાયોથી માધ્યમ કક્ષાના વ્યવસાયોના હોય. પરંતુ તે સિવાય સામાન્ય 5-10 લાખ નો કે 2 લાખ નો ધંધો રોજગાર કરી તેમના જેવા બીજા 2 કે 4 ને પણ તેમના ધંધામાં સમાવતા હોય તેવા વેપારીઓના આંકડાઓ અલગ છે.
અને આવા બંધ થતા ધંધાઓ પણ અલગ છે. કે જેના આંકડાઓ મોજુદ ન હોય. તો બીજી તરફ આ સુખદ સ્થિતિમાં પણ દેશના મુઠ્ઠીભર ધનિકોની સંપત્તિમાં વધારો નોંધાયો છે. કેમ કે, આ ધનિકો તેવા કોર્પોરેટ ગૃહો ચલાવે છે કે, જેમનો કોઈપણ સ્થિતિમાં વાળ પણ વાંકો થતો નથી. અને તેમની આ સ્થિતિથી આપણે દુઃખી થવા જેવું નથી. પરંતુ મંથન કરવા જેવું અવશ્ય છે. કેમ કે, ધંધા-રોજગાર અને ઇવન નાણાં પણ સેન્ટ્રલાઇઝ થઇ રહ્યા છે. ત્યારે સપાટી પર જોતા તેમ લાગે કે, સમાજમાં અસમાનતા વધી રહી છે.
પરંતુ વાત આટલી જ નથી. પરંતુ આ બધા જ કોર્પોરેટ ગૃહો મોટાભાગે સમાજમાં વસતા વેપારીઓના ધંધા પર કોઈકે રીતે તરાપ મારી તેઓ મજબૂત થઇ આ વેપારીઓને મોટો ફટકો આપી રહ્યા છે. જેમાં સરકાર, સિસ્ટમ અને બેંકોની પણ ક્યાંકને ક્યાંક સામેલગીરી તો છે જ. કેમ કે, નાના લોકોને વાયદા મુજબ લોનો નથી મળી રહી. ત્યારે બેડ લોન મોટા પ્રમાણમાં વધી રહી છે. જેને પગલે સરકાર દ્વારા આગામી સમયમાં બેડ બેન્કનું આખું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે.
પરંતુ શું આ પૂરતું છે? જી, ના કેમ કે, આ સિવાયની પ્રાપ્ત માહિતી મુજબ કુટિર ઉદ્યોગો શરુ કરવા માટે ઉદ્યોગ કેન્દ્ર માં 1,14,503 જેટલી અરજીઓ મળી હતી. પરંતુ આ અરજીઓમાં થી ફક્ત 60 હજાર જેટલી જ અરજીઓ મંજુર થઇ હતી. વળી સરકાર દ્વારા આવા ઉદ્યોગો માટે બેન્કોને ભલામણ કરવામાં આવે છે. પરંતુ જાડી ખલની થઇ ચૂકેલ બેંકો અરજદારોની લોન મંજુર કરતી ન હોવાની પણ ફરિયાદો ઉઠી છે. જેને પગલે તેમ જણાય છે કે, આપણે ફરી એકવાર સામંત શાહી યુગમાં ચુપકે ચુપકે પ્રવેશી ચુક્યા છીએ.
જ્યાં આ બેંકો કોઈક રીતે આ પ્રકારનો રોલ અદા કરી રહી છે. કેમ કે, અગર લોનો મળે પણ છે તો તેનું વ્યાજ મસમોટું અને વર્ષોના વર્ષ ચાલે તેવું તેનું માળખું હોય છે. અરબોપતિ કરુભગતોને કરોડો રૂપિયા કોઈપણ ગેરંટી વિના ચૂકવતી આ બેંકો નાના માણસો અને લઘુ ઉદ્યોગો કે કુટિર ઉદ્યોગોને શા માટે પ્રોત્સાહન નથી આપતી ? બેંકો ફક્ત નફા માટે જ ન હોય. તે દેશની ઈકોનોમી ની કરોડરજ્જુ છે. તે ન ભુલાય. ધંધા-રોજગારો ને બેંકો સીધી સ્પર્શે છે. ત્યારે વિપક્ષ ભલે ખાડે ગયો હોય પરંતુ વિજયભાઈ તેમના કોઈક સવાલો તો સાચા છે. તે એક નગ્ન સચ્ચાઈ છે.
ત્યારે જો આ સ્થિતિ લાંબો સમય ચાલી તો તે દિવસો દૂર નહિ હોય કે, જ્યાં વેપાર અને વેપારીઓ ખતમ થઇ જશે. અને સમાજ માં નોકરિયાત અને ઉદ્યોગપતિઓ જ બચશે. જેમાં આપણી માનસિકતા પણ કંઈક જવાબદાર છે. કેમ કે, થોડા સસ્તા અને મોલ ક્લચરને ફિતરતની બનાવી ચુકેલ આપણી માનસિકતાને કારણે આપણે પણ જાણે અજાણે આત્મહત્યા કરતા હોય તેમ આપણા જ વેપાર ધંધાઓને ખતમ કરી જાયન્ટ્સને વધુ જાયન્ટ્સ બનાવી રહ્યા છે. ત્યારે તમારાથી વધુ કઈ ન થાય તો બને ત્યાં સુધી સ્થાનિક ચીજો અને સ્થાનિક વેપારીઓને સહકાર આપો. જાતે બચો અને બીજાને પણ સર્વાઇવ કરવાની તક આપો. સામાન્ય લગતી ઘટનાઓ ક્યારેક બહુ મોટા અને ઘાતક ફેરફારો લાવી શકે છે તે યાદ રહે.
@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક