અમદાવાદ,
અમદાવાદની મુલાકાતે આવી રહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને વડાપ્રધાન નરેન્દ્ર 17મી જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી ૮ કિલોમીટરનો મેગા રોડ શો કરશે.પીએમ મોદી સવારે 10 વાગ્યે જ અમદાવાદ આવી પહોંચશે, જ્યારે ઇઝરેયેલના પીએમ બેન્ઝામિન નેતાન્યાહુ 10.30 વાગ્યે એરપોર્ટ આવી પહોંચશે. એરપોર્ટથી બંને ખુલ્લી જીપમાં એક રોડ શો કરશે. બંને નેતાઓ એરપોર્ટથી રોડ શો કરીને ગાંધી આશ્રમ પહોંચશે. એરપોર્ટથી ડફનાળા, ત્યાંથી રિવરફ્રન્ટ થઈને નારાયણ ઘાટ, નારાયણ ઘાટથી સુભાષ બ્રિજ થઈને ગાંધી આશ્રમ પહોંચશે.
અમદાવાદના સાબરમતી ખાતે આવેલા ગાંધી આશ્રમના હ્યદયકુંજમાં બન્ને નેતા થોડોક સમય ગાળશે.ત્યાં તેઓ ગાંધીજીના મૂલ્યો અને સિદ્ધાંતો પર ચર્ચા કરશે તેવી શક્યતા છે. આ દરમિયાન બંને નેતાઓ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે, હૃદયકુંજની મુલાકાત લેશે તેમજ ચરખો કાંતશે અને પ્રદર્શન નિહાળશે. ઇઝરાયેલના વડાપ્રધાનને ગાંધી આશ્રમ તરફથી સત્યના પ્રયોગો ભેટ અપાશે.
પીએમ મોદી અને વડાપ્રધાન બન્જામિન નેતાન્યાહુના આ ભવ્ય રોડ શો માટેની અમદાવાદમાં તડામાર તૈયારી થઈ છે. એરપોર્ટથી નીકળીને આ બન્ને નેતા સાબરમતી રીવરફ્રન્ટ થઈને ગાંધી આશ્રમ પહોંચશે. 8 કિલોમીટર સુધીના આ રોડ શોમાં આવનારા માર્ગ પર સુરક્ષા વ્યવસ્થાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમને રોડ શોમાં આશરે દોઢથી બે કલાકનો સમય લાગી શકે છે.
બન્ને નેતાઓના સ્વાગતમાં સાંસ્કૃતિ કાર્યક્રમો પણ રોડ શોના માર્ગ પર બનાવવામાં આવેલા સ્ટેજ પર યોજાશે. ઇઝરાયેલના વડાપ્રધાનની ગાંધીઆશ્રમની આ ખાસ મુલાકાત યાદગાર રહેશે તેમાં કોઈ શંકા નથી.