Monsoon Alert/ મુંબઈ ભારે વરસાદ, મહારાષ્ટ્રના છ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર

મુંબઈ અને મહારાષ્ટ્રમાં આજે પણ ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગ (IMD) એ પાલઘર, રાયગઢ, નાશિક, પુણે, કોલ્હાપુર અને સતારા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Top Stories India
Maharashtra

મુંબઈ અને મહારાષ્ટ્રમાં આજે પણ ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગ (IMD) એ પાલઘર, રાયગઢ, નાશિક, પુણે, કોલ્હાપુર અને સતારા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ અને થાણે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈમાં આખી રાત ધીમીધારે પડી રહેલા વરસાદે સવારથી જોર પકડ્યું છે. મુંબઈ અને તેના ઉપનગરોમાં પણ મંગળવારે સવારે ભારે વરસાદ પડ્યો હતો અને થોડા કલાકોમાં જ શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલીક જગ્યાએ વાહન વ્યવહાર ખોરવાયો હતો.

મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં અવિરત વરસાદને કારણે થયેલા અકસ્માતોમાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 95 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અહેવાલમાં જણાવાયું છે કે રાજ્યના પૂર પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 13 ટીમો અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે.

હવામાન વિભાગે નાશિક, પાલઘર અને પુણે જિલ્લામાં ત્રણ દિવસ માટે અતિશય વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે મંગળવારે નાશિક શહેરમાં શાળાઓ અને કોલેજો બંધ રહી હતી અને લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું હતું.

નાસિક શહેરમાં મંગળવારે સવારે 8.30 વાગ્યા સુધીના 24 કલાકમાં 97.4 મિમી વરસાદ નોંધાયો હતો. જિલ્લાના સપ્તશ્રૃંગી મંદિર પાસે સોમવારે ભારે વરસાદ પડ્યો હતો. મંદિરના પગથિયાં પર પાણી ભરાવાને કારણે છ ભક્તોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

પાલઘર જિલ્લામાં મંગળવારે પૂરા થયેલા 24 કલાકમાં 109.9 મીમી વરસાદ નોંધાયો છે. પાલઘર જિલ્લામાં સાવચેતીના પગલા તરીકે NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. મંગળવારે પૂરા થયેલા 24 કલાકમાં થાણે જિલ્લામાં 106.3 મિમી વરસાદ નોંધાયો છે.

મુંબઈના ઉપનગરમાં એક માળખું ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા, જ્યારે પૂર્વ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં એક વ્યક્તિ ડૂબી ગયો હતો. મંગળવારે નાગપુર જિલ્લામાં પૂરમાં એક SUV વાહન પુલ પરથી ધોવાઈ જતાં મધ્યપ્રદેશના ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ લોકો ગુમ થયા હતા. અકસ્માતમાં માર્યા ગયેલા લોકો મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના રહેવાસી હતા.

આ પણ વાંચો:સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ લાવી આપવાનું કામ અભિનેત્રી રિયા ચક્રવર્તી કરતી હતી, NCBએ ચાર્જશીટમાં કર્યો દાવો