મેલબર્ન,
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ભારતે પોતાની પ્રથમ ઇનિગ્સ ૭ વિકેટના ૪૪૩ રનના સ્કોરે ડિક્લેર કરી હતી, ત્યારબાદ ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહની ધાતક બોલિંગ સામે કાંગારું બેટ્સમેન ઢેર થયા હતા અને માત્ર ૧૫૧ રનમાં ટીમ સમેટાઈ ગઈ છે.
જો કે ત્રીજી ટેસ્ટમાં ૬ વિકેટ ઝડપવાની સાથે જ બુમરાહે ૩૯ વર્ષ જૂનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો, ત્યારબાદ બુમરાહના આ ખાસ પ્રદર્શનની દુનિયાભરના દિગ્ગજો દ્વારા પ્રશંસા કરાઈ રહી છે.
આં વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ કલાર્કે બુમરાહની પ્રશંસા કરતા એન ભવિષ્યવાણી કરી છે. તેઓએ કહ્યું હતું કે, “ભારતનો આ ઝડપી બોલર ક્રિકેટના તમામ ફોર્મેટમાં (ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦) દુનિયાનો સર્વશ્રેષ્ઠ બોલર બની શકે છે.
પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટને જણાવ્યું, “બુમરાહ પર દબાણ કે અપેક્ષાઓની અસર થતી નથી. તે શીખવા માંગે છે અને ખુબ મહેનતુ છે. તે જલ્દી જ દુનિયાનો સર્વશ્રેષ્ઠ બોલર બની જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન બુમરાહે શાનદાર બોલિંગ કરતા ૬ વિકેટ ઝડપી હતી અને કાંગારું ટીમની કમર તોડી નાખી હતી.