આજના વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસે સરકારને ઘેરવાની રણનીતિ પણ તૈયાર કરી લીધી છે. વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ખેડૂતો મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સરકાર ખેડૂત વિરોધી નીતિ અપનાવતી હોવાનો આરોપ લગાવ્યો હતો. ખેડૂતોને આપેલા વાયદા સરકાર ભૂલી ગઈ હોવાનો પણ કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે.
આજથી ગુજરાત વિધાનસભાનુ બે દિવસનુ સત્ર મળવાનુ છે. આ સત્રમાં રાજ્ય સરકારને વિવિધ મુદ્દે ઘેરવા માટે કોંગ્રેસે ખાસ રણનીતિ તૈયાર કરી છે. જેથી આગામી 48 કલાક રાજ્ય સરકાર માટે મહત્વના છે. કોંગ્રેસે ખેડૂતોને થઈ રહેલ અન્યાય, દેવા માફી, બેરોજગારી સહિતના અનેક મુદ્દા પર કાર્યક્રમો જાહેર કર્યા છે.
કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમની જાહેરાત કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ વિરોધને ટાળવા માટે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં મહત્વના વિધેયકો પાસ કરાવાની યોજના બનાવી છે. કોંગ્રેસના વિરોધને ખાળવા માટે સીએમે એક ટીમ પણ બનાવી છે. આ વખતે કોંગ્રેસે સરકારને વિધાનસભાની અંદર અને બહાર ઘેરવા માટે રણનીતિ બનાવી છે.
એકબાજુ કોંગ્રેસના નેતાઓ વિધાનસભાની અંદર સરકાર પર આક્રમક છે. તો બહાર કોંગ્રેસ દ્વારા ખેડૂતોને થઈ રહેલ અન્યાયને લઈને આક્રોશ રેલી અને વિધાનસભાને ઘેરવાનો પ્લાન તૈયાર કરાયો છે. આજ સવારે 9 કલાકે સત્યાગ્રહ છાવણી ગાંધીનગરથી કોંગ્રેસની આ ખેડૂત આક્રોશ રેલી શરુ થશે અને ત્યારબાદ તેઓ વિધાનસભાનો ઘેરાવ કરશે. તો બીજીબાજુ કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર રુપાણી મંત્રીમંડળની વિરોધમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરશે.